હરભજન સિંહે ગૂગલી ફેંકીને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડમાં લગાવ્યો લાગવગશાહીનો આરોપ

નવી દિલ્હી(New Delhi): આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી (Cricket) નિવૃત્તિ લેનારા ભારતીય ઓફ સ્પીનર હરભજન સિંહે (Harbhajan Singh) ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) પર મોટો આરોપ મુકતો હોય તેમ કહ્યું હતું કે ટીમ ઇન્ડિયામાં કેપ્ટન બનવા માટે કોઇ પાવરફુલ સભ્યની ભલામણની જરૂર હોય છે. આવું કહીને તેણે એક રીતે બીસીસીઆઇમાં કેપ્ટન બનાવવા માટે લાગવગશાહી ચાલતી હોવાનો જ આરોપ મુક્યો હતો. હરભજને કહ્યું હતું કે હું બીસીસીઆઇમાં કોઇને ઓળખતો નહોતો અને તેથી જ મારું નામ કદી કેપ્ટન તરીકે વિચારણામાં લેવાયું નહોતું.

એક ન્યૂઝ ચેનલ દ્વારા લેવાયેલા ઇન્ટરવ્યુમાં હરભજને ઘણાં સવાલોના જવાબો આપવામાં કોઇ શેહશરમ રાખી નહોતી. કેપ્ટનશિપ અંગે પુછાયેલા સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે હાં, આ એવી સિદ્ધ છે જેના બાબતે કોઇ વાત કરતું નથી અને તે છે મારી કેપ્ટનશિપ. હું બીસીસીઆઇમાં કોઇને ઓળખતો નહોતો કે જે મારા કેસને આગળ વધારી શકે, કારણકે કેપ્ટનશિપ માટે એ જરૂરી હોય છે. જો તમે કોઇ પાવરફુલ સભ્યાના ગમતીલા વ્યક્તિ નથી તો તમે કદી કેપ્ટન બની શકતા નથી. તેણે કહ્યું હતું કે હું કેપ્ટનશિપ સંભાળવા સક્ષમ હતો, હું કેપ્ટન ન બની શક્યો તેનો મને કોઇ અફસોસ નથી, હું એક ખેલાડી તરીકે દેશની સેવા કરવામાં જ ખુશ હતો.

મહેન્દ્ર સિંહ ધોની બાબતે કોઇ ફરિયાદ છે છે કે કેમ ત્યારે તેણે કહ્યું હતું કે ના, ક્યારેય નહીં, તે આટલા વર્ષોથી મારો એક સારો મિત્ર રહ્યો છે. હકીકતમાં મને ફરિયાદ તે સમયની સરકાર બીસીસીઆઇ સામે ફરિયાદ છે. હું બીસીસીઆઇને સરકાર કહું છું. તે સમયના પસંદગીકારોએ પોતાની ભૂમિકા ન્યાયી રાખી નહોતી અને તેમણે ટીમને એકજૂથ થવા દીધી નહોતી. જ્યારે મહાન ખેલાડીઓ હતા અને પોતાનું પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે નવા ખેલાડીઓને લાવવાનો શું મતલબ હતો.

ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડ્યા પછી પહેલીવાર વિરાટ કોહલીનું નિવેદન
ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડ્યા પછી પહેલીવાર વિરાટ કોહલીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીના ઉદાહરણને ટાંકતા કહ્યું હતું કે ટીમના લીડર બનવા માટે કેપ્ટન હોવું જરૂરી નથી. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં મળેલા પરાજય પછી અચાનક વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. એ પહેલા તેણે ટી-20ની કેપ્ટનશિપ છોડી હતી અને વન ડેના કેપ્ટનપદેથી તેને હટાવી દેવાયો હતો. હવે વિરાટ એક બેટ્સમેન તરીકે ટીમમાં રમતો દેખાશે.

માજી ભારતીય કેપ્ટન વિરાટે ફાયરસાઇટ ચેટ શો દરમિયાન વાત કરતાં કહ્યું હતું કે જુઓ, મને લાગે છે કે સૌથી પહેલા તો તમારે એ વાત સમજી લેવી જોઇએ કે તમે શું મેળવવાનું નિર્ધારિત કર્યું છે. તમે એ લક્ષ્યાંકને મેળવ્યો છે કે નહીં. દરેક બાબતનો એક ટાઇમ પીરિયડ હોય છે, તેથી તમને એ બાબતે જાણકારી હોવી જ જોઇએ. એક બેટ્સમેન તરીકે તમે ટીમને વધુ આપવામાં સક્ષમ બની શકો છો અને તે બાબતે ગર્વ લેવો જોઇએ.

કોહલીએ કહ્યું હતું કે મારી કેપ્ટનશિપ હેઠળ જ્યારે ધોની ટીમમાં હતો ત્યારે એવું નહોતું કે તે લીડર નહોતો. એ તે સમયે પણ એ વ્યક્તિ હતી કે જેની પાસેથી અમે ઇનપુટ લેવાનું ઇચ્છતા હતા. હાર-જીત તમારા હાથમાં નથી હોતી, પણ ઉત્કૃષ્ટતા માટે પ્રયાસ કરીને દરરોજ બહેતર બનવું જરૂરી હોય છે.

હું માત્ર ખેલાડી હતો ત્યારે પણ કેપ્ટનની જેમ જ વિચારતો હતો : કોહલી
વિરાટ કોહલીએ કહ્યું હતું કે પહેલા એમએસ ધોની કેપ્ટન હતો અને તે પછી મને કેપ્ટન બનાવાયો. જો કે મારી માનસિકતા એટલા સમયથી એક જ રહી હતી. હું જ્યારે ટીમમાં માત્ર એક ખેલાડી હતો ત્યારે પણ હું હંમેશા એક કેપ્ટનની જેમજ વિચારતો હતો. તેણે કહ્યું હતું કે મને લાહે છે કે તમામ પ્રકારની ભૂમિકાઓ અને તકોને સ્વીકારવી જોઇએ અને હું હંમેશા એ રીતે જ રમ્યો છું.

વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા ટેસ્ટ રેન્કિંગમાં 42 મહિના નંબર વન રહી
વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે ક્રિકેટના પરંપરાગત ફોર્મેટ ટેસ્ટમાં 42 મહિના સુધી આઇસીસી રેન્કિંગમાં નંબર વન પર રહી હતી. કોહલીની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઇન્ડિયા ઓક્ટોબર 2016માં પહેલીવાર ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બની હતી અને 2020 માર્ચ સુધી ભારતીય ટીમ નંબર વન પર જળવાયેલી રહી હતી. સતત 42 મહિના સુધી ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન રહીને રાજ કરવું એ પોતાની રીતે ઘણી મોટી વાત છે.

કાંગારૂઓને તેમની જ ધરતી પર ટેસ્ટ સીરિઝમાં પરાસ્ત કરનારો કોહલી પહેલો એશિયન કેપ્ટન
ભારતીય ટીમ જ્યારે 2018-19માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઇ હતી ત્યારે વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેમની જ ધરતી પર 2-1થી ટેસ્ટ સીરિઝમાં હરાવ્યું હતું. આ સાથે જ કોહલી એશિયાનો એવો પહેલો કેપ્ટન બન્યો હતો કે જેણે કાંગારૂ ટીમને તેમની જ ધરતી પર ટેસ્ટ સીરિઝમાં હરાવી હોય. વિરાટ કોહલીએ 68 ટેસ્ટમાં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું હતુ અને તેમાંથી 40 ટેસ્ટ ટીમ જીતી હતી. કોહલીની જીતની ટકાવારી 58.82ની રહી છે.

Most Popular

To Top