નવી દિલ્હી(New Delhi): ભારતે (India) ગુરૂવારે (Thursday) એવી જાહેરાત કરી હતી કે ગલવાન ખીણમાં થયેલી અથડામણમાં સામેલ સૈન્ય અધિકારીને બીજિંગ વિન્ટર ઓલિમ્પિક ગેમ્સમાં મશાલધારક બનાવવાના ચીનના અફસોસનજનક નિર્ણયને પગલે ચીનમાંના તેના રાજદૂત આ ગેમ્સના ઉદ્દઘાટન અને સમાપન સમારોહમાં હાજરી નહીં આપે. બીજિંગ વિન્ટર ઓલિમ્પિક ગેમ્સનો ઉદ્દઘાટન સમારોહ આવતીકાલે શુક્રવારે યોજાશે.
ભારતીય વિદેશ મંત્રાલયે ચીન પર ઓલિમ્પિક ગેમ્સમાં રાજકારણ ઘુસાડવાનો આરોપ મુક્યો છે. ભારતે ગલવાન ખીણમાં ભારતીય સૈન્ય અને ચીનના સૈન્ય વચ્ચે થયેલા સંઘર્ષમાં સામેલ સૈન્ય અધિકારી કી ફાબાઓને ગેમ્સમાં મશાલધારક બનાવવાનો વિરોધ કર્યો છે અને તેના કારણે ચીનમાં ભારતીય દુતાવાસના ડિ અફેર્સ વિન્ટર ઓલિમ્પિક ગેમ્સના ઉદ્દઘાટન કે સમાપન સમારોહમાં સામેલ થશે નહીં એવું વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયું છે. દુતાવાસમાં ડિ અફેર્સ તરીકે સૌથી સીનિયર અને હાલમાં રાજદૂતની પદવી ધરાવનારા પ્રદીપ કુમાર રાવતે હજુ સુધી એ હોદ્દો સંભાળ્યો નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે અમે આ બાબતે સમાચાર જોયા છે અને અફસોસની વાત છે કે ચીન ઓલિમ્પિકમાં રાજકારણ ભેળવી રહ્યું છે. અમેરિકન સંસદે પણ વિન્ટર ઓલિમ્પિક્સના મશાલધારક તરીકે ગલવાન ખીણ સંઘર્ષમાં સામેલ પીએલેના રેજિમેન્ટ કમાન્ડરની પસંદગી કરવા મામલે ચીનની ટીકા કરી હતી. સેનેટર જિમ રિસ્કે કહ્યું હતું કે ગેમ્સના મશાલધારક તરીકે સૈન્યનો હિસ્સા એવા કમાન્ડરની પસંદગી કરી તે શરમજનક છે. સરકારના આ નિર્ણય પછી હવે પ્રસાર ભારતીના સીઈએ શશિ શેખરે પણ જાહેર કર્યું છે કે વિન્ટર ઓલિમ્પિક ગેમ્સના ઉદ્દઘાટન કે સમાપન સમારોહનું પ્રસારણ ભારતમાં કરવામાં નહીં આવે.
પશ્ચિમી દેશો દ્વારા રાજદ્વારી બહિષ્કાર વચ્ચે રાષ્ટ્રપતિ જિનપિંગ આજે વિન્ટર ઓલિમ્પિકને ખુલ્લો મુકશે
બીજિંગ : અમેરિકા અને તેના સાથી દેશો દ્વારા માનવાધિકાર ભંગ મામલે બીજિંગ ઓલિમ્પિકનો રાજદ્વારી બહિષ્કાર કરાયો છે અને ભારતીય રાજદ્વારીઓ શુક્રવારે યોજાનારા વિન્ટર ઓલિમ્પિક ગેમ્સના ઉદ્દઘાટન સમારોહમાં હાજરી નથી આપવાના ત્યારે આ પખવાડિયા લાંબા વિન્ટર ઓલિમ્પિક ગેમ્સને રાષ્ટ્રપતિ શી જિનપિંગ ખુલ્લો મુકશે. શુક્રવારના ઉદ્દઘાટન સમારોહ પહેલા ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઇઓસી)ના 139માં સત્રના ઉદ્દઘાટન સમારોહને સંબોધન કરતાં શી જિનપિંગે કહ્યું હતું કે ચીન આ વિન્ટર ઓલિમ્પિક ગેમ્સને સુવ્યવસ્થિત, સલામત અને ભવ્ય બનાવવા બધુ કરી છૂટશે. ચીનના અધિકારીઓને એવી આશા છે કે રશિયાના વિદેશ મંત્રી સાથેની સંયુકત ચર્ચા પછી ભારતીય રાજદ્વારીઓ ઉદ્દઘાટન અને સમાપન સમારોહમાં હાજરી આપશે.