દુબઇ: ટી-20 ફોર્મેટની અનિશ્ચિતતા અને ભારતીય ઉપખંડમાં તેના થયેલો વિકાસ શનિવારથી શરૂ થતા 2022 એશિયા કપને રોમાંચક બનાવી શકે છે. પાકિસ્તાનના (Pakistan) દિગ્ગજ ખેલાડી (Player) વસીમ અકરમે પહેલાથી જ આગાહી કરી છે કે છ ટીમોની ટૂર્નામેન્ટમાં ગુણવત્તા દર્શાવવાની ક્ષમતા છે જે અગાઉ ક્યારેય જોવા મળી નથી. એકમાત્ર ક્વોલિફાયર હોંગકોંગને છોડીને, રેકોર્ડ સાત વખત ચેમ્પિયન બનેલા ભારતની સાથે જ પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સહિતની ટીમો (Team) પોતાનો દિવસ હોય ત્યારે હરીફને પછાડી શકે છે.
યજમાન શ્રીલંકાએ આર્થિક સંકટના કારણે પોતાના ઘરઆંગણે આયોજનની અસમર્થતા દર્શાવતા છ વર્ષ પછી ટી-20 ફોર્મેટમાં યોજાઈ રહેલી આ ટુર્નામેન્ટને યુએઈમાં ખસેડવી પડી હતી ઓક્ટોબર નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપની તુલનાએ યુએઇની પરિસ્થિતિ ઘણી અલગ હશે પણ તે છતાં તેમાં ભાગ લઇ રહેલી તમામ ટીમો આગામી બે અઠવાડિયા દરમિયાન આઇસીસી ટી-20 વર્લ્ડકપ માટે પોતાની ટીમને અંતિમ રૂપ આપવા માગશે.
એશિયા કપમાં ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાની ઝડપી બોલર મહંમદ વસીમને ઇજા
દુબઇ : પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો સ્ટાર ઝડપી બોલર શાહીન આફ્રિદી ઘાયલ થઇને એશિયા કપમાંથી પહેલાથી જ આઉટ થઇ ચૂક્યો છે ત્યારે અહીં પ્રેક્ટીસ સેશન દરમિયાન અન્ય એક ઝડપી બોલર મહંમદ વસીમે પણ ભારતીય ટીમ સામેની મહત્વપૂર્ણ મેચ પહેલા પીઠના દુખાવાના કારણે પ્રેક્ટીસ સેશન અધવચ્ચેથી છોડવું પડ્યું હતું. આ 21 વર્ષીય ઝડપી બોલરની ઇજાની સ્થિતિનું યોગ્ય આકલન કરવા માટે એમઆરઆઇ સ્કેન માટે મોકલાવાયો હતો.
- શાહિન આફ્રિદી પહેલાથી જ એશિયા કપમાંથી આઉટ છે ત્યારે પ્રેક્ટીસ સેશનમાં મહંમદ વસીમે પીઠમાં દુખાવાની ફરિયાદ કરી
- પીસીબીએ કોઇપણ જોખમ લેવાને સ્થાને મહંમદ વસીમને એમઆરઆઇ સ્કેન માટે મોકલાવ્યો, જેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે
મહંમદ વસીમે ગુરૂવારે અહીં આઇસીસી એકેડમીમાં નેટ પ્રેક્ટીસ દરમિયાન પોતાની પીઠમાં દુખાવાની ફરિયાદ કરી હતી. એક સ્પોર્ટસ વેબસાઇટના અહેવાલ અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) કોઇ જાતનું જોખમ લેવા માગતું ન હોવાથી તેમણે આ ઝડપી બોલરને અગમચેતીના કારણોસર તાત્કાલિક એમઆરઆઇ સ્કેન માટે મોકલાવ્યો હતો. એમઆરઆઇ રિપોર્ટ શું આવ્યો અને વસીમની ઇજા કેટલી ગંભીર છે તે હજુ જાહેર થયું નથી.
આ યુવા ઝડપી બોલરે પાકિસ્તાન વતી ગત વર્ષે જુલાઇમાં ડેબ્યુ કર્યા પછી અત્યાર સુધી 8 વન ડે અને 11 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. પાકિસ્તાન રવિવારે પોતાની પહેલી મેચ પરંપરાગત હરીફ ટીમ ઇન્ડિયા સામે રમશે.