આમ્સટલવેન : ત્રણ મેચની વન ડે સીરિઝ (One Day Series) રમવા માટે નેધરલેન્ડના (Natherland) પ્રવાસે ગયેલી ઇંગ્લેન્ડની (England) મર્યાદિત ઓવરની ક્રિકેટ ટીમે (Cricket) આજે અહીં સીરિઝની પહેલી વન ડેમાં વિસ્ફોટક બેટીંગ (Batting) કરીને 50 ઓવરમાં ચાર વિકેટે 498 રન બનાવીને વન ડે ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો. ઇંગ્લેન્ડે પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. વન ડેમાં સર્વાધિક 481 રનના સ્કોરનો રેકોર્ડ ઇંગ્લેન્ડે 2018માં ઓસ્ટ્રેલિયા સામે બનાવ્યો હતો. આજની વન ડેમાં ઇંગ્લેન્ડ 500 રનના સ્કોરથી માત્ર 2 રન છેટી રહી ગઇ હતી.
ડચ કેપ્ટન પીટર સીલારે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ઇંગ્લેન્ડે બીજી ઓવરમાં જ જેસન રોયની વિકેટ ગુમાવી ત્યારે સ્કોર માત્ર 1 રન હતો. જો કે તે પછી ફિલીપ સોલ્ટ અને ડેવિડ મલાને 222 રનની ભાગીદારી કરી હતી. સોલ્ટ 93 બોલમાં 122 રન કરીને આઉટ થયો હતો. તે પછી મલાન અને બટલર વચ્ચે 184 રનની ભાગીદારી થઇ હતી. મલાન 109 બોલમા 125 રન કરીને આઉટ થયો હતો. જો કે તેમના દાવની હાઇલાઇટ જોસ બટલર અને લિયામ લિવિંગસ્ટોનની બેટીંગ રહી હતી. બટલરે 47 બોલમાં પોતાની સદી પુરી કરી હતી અને તે અંતે 70 બોલમાં 14 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 162 રન કરીને નોટઆઉટ રહ્યો હતો, જ્યારે લિવિંગસ્ટોન 22 બોલમાં છ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 66 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડ સિવાય કોઇ ટીમ વન ડેમાં 450+નો સ્કોર બનાવી શકી નથી
વન ડેમાં 400 કે તેનાથી વધુ સ્કોર પાંચ મેચમાં થયા છે, તેમાંથી સર્વાધિક સ્કોરના મામલે એકથી ત્રણ નંબર પર ઇંગ્લેન્ડ જ સ્થાન ધરાવે છે. જેમાં બે વાર ઇંગ્લેન્ડે 450+સ્કોર બનાવ્યો છે અને તેના સિવાય બીજી કોઇ ટીમ 450+ના આંકડાને પાર કરી શકી નથી. આજે ઇંગ્લેન્ડે નેધરલેન્ડ સામે 498 રન બનાવ્યો તે પહેલા 2018માં નોટિંઘમમાં 6 વિકેટે 481 રન બનાવ્યા હતા, તે પહેલા નોટિંઘમમાં જ પાકિસ્તાન સામે ઇંગ્લેન્ડે 3 વિકેટે 444 રન બનાવ્યા હતા. 2006માં શ્રીલંકાએ નેધરલેન્ડ સામે 443 રન કર્યા હતા, જ્યારે દક્ષિણ આફ્રિકાએ 2015માં વેસ્ટઇન્ડિઝ સામે 2 વિકેટે 439 રન બનાવ્યા હતા.
લિયમ લિવિંગસ્ટોને 17 બોલમાં અર્ધસદી ફટકારી વન ડેની સૌથી ઝડપી અર્ધસદીના રેકોર્ડની બરોબરી કરી
ઇંગ્લેન્ડની ઇનિંગ દરમિયાન ફિલિપ સોલ્ટ, ડેવિડ મલાન અને જોસ બટલરની સદી ઉપરાંત લિયાન લિવિંગસ્ટોનની ઇનિંગ પણ તોફાની રહી હતી. લિવિંગસ્ટોને 17 બોલમાં પોતાની અર્ધસદી ફટકારી હતી. તે વન ડેની સંયુક્ત બીજી અને ઇંગ્લેન્ડ વતી સૌથી ઝડપી અર્ધસદી રહી હતી. તે 14 બોલમાં 48 રન કરીને વન ડેમાં સૌથી ઝડપી અર્ધસદી ફટકારવાનો રેકોર્ડ બનાવતા રહી ગયો હતો, તે પછીના સતત બે બોલમાં તે એકપણ રન કરી શક્યો નહોતો. લિવિંગસ્ટોન 22 બોલમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 66 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.