Sports

વોર્નર-પોવેલ અને બોલરોના પ્રતાપે દિલ્હી 21 રને જીત્યું

મુંબઇ : આઇપીએલમાં (IPL) અહીં રમાયેલી એક મેચમાં ડેવિડ વોર્નર અને રોવમેન પોવેલે જોરદાર ફટકાબાજી કરીને બંનેની અર્ધસદીની સાથે જ બંને વચ્ચેની શતકીય ભાગીદારીથી દિલ્હી કેપિટલ્સે મૂકેલા 208 રનના લક્ષ્યાંક સામે સનરાઇઝર્સ હૈદરાબાદ 8 વિકેટે 186 રન સુધી જ પહોંચતા દિલ્હી કેપિટલ્સનો 21 રને વિજય થયો હતો.

મસમોટો લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી સનરાઇઝર્સની ટીમે શરૂઆતમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. એડન માર્કરમ અને નિકોલસ પૂરને તે પછી 60 રનની ભાગીદારી કરી હતી પણ વધતી જતી રનરેટના પ્રેશરમાં માર્કરમ 25 બોલમાં 42 રન કરીને આઉટ થયો હતો. નિકોલસ પૂરને આક્રમક ફટકાબાજી કરીને 34 બોલમાં 62 રન કરીને સનરાઇઝર્સ માટે આશા જગાવી હતી, જો કે તે આઉટ થતા એ આશાનો અંત આવ્યો હતો અને અંતે 20 ઓવરમાં 8 વિકેટે 186 રન સુધી જ પહોંચતા દિલ્હી કેપિટલ્સનો 21 રને વિજય થયો હતો.

સનરાઇઝર્સે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી દાવ લેવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી અને પૃથ્વી શોના સ્થાને ટીમમાં આવેલો મનદીપ સિંહ શૂન્ય રને આઉટ થયો હતો. ડેવિડ વોર્નર અને મિચેલ માર્શે તે પછી 37 રન બોર્ડ પર મૂક્યા હતા ત્યારે માર્શ 10 રન કરીને આઉટ થયો હતો. વોર્નર અને ઋષભ પંતે તે પછી આક્રમક ફટકાબાજી કરીને 9 ઓવરમાં બોર્ડ પર સ્કોર 85 સુધી પહોંચાડ્યો ત્યારે પંત 16 બોલમાં 26 રન કરીને આઉટ થયો હતો. વોર્નર સાથે તે પછી રમતમાં જોડાયેલા પોવેલે આક્રમક ફટકાબાજી કરતાં બંને છેડેથી સનરાઇઝર્સના બોલરોની ધોલાઇ ચાલુ થઇ હતી અને 20 ઓવરના અંતે દિલ્હી કેપિટલ્સે 3 વિકેટે 207 રન બનાવ્યા હતા. વોર્નર 58 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 92 અને પોવેલ 35 બોલમાં 6 છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે 67 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.

Most Popular

To Top