મુંબઇ : આઇપીએલમાં (IPL) આજે સોમવારે (Monday) અહીં રમાયેલી એક મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સના બોલરોએ કસેલી લગામ વચ્ચે સંજૂ સેમસનની અર્ધસદી તેમજ અંતિમ ઓવરોમાં શિમરોન હેટમાયરની ફટકાબાજીની મદદથી રાજસ્થાન રોયલ્સે મૂકેલા 153 રનના લક્ષ્યાંકને કેકેઆરે નીતિશ રાણા અને રિંકુ સિંહની નોટઆઉટ ઇનિંગની મદદથી 19.1 ઓવરમાં 3 વિકેટે કબજે કરીને 7 વિકેટે જીત મેળવી હતી.
લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી કેકેઆર માટે ફરી એકવાર શરૂઆત સારી રહી નહોતી અને 32 રનના સ્કોર પર બંને ઓપનરની વિકેટ ગુમાવી હતી. શ્રેયસ અય્યર અને નીતિશ રાણાએ તે પછી 60 રનની ભાગીદારી કરીને સ્કોર 92 સુધી લઇ ગયા ત્યારે શ્રેયસ 34 રન કરીને આઉટ થયો હતો. નીતિશ સાથે રમતમાં જોડાયેલો રિન્કુ સિંહ તે પછી કેકેઆરને વિજય સુધી દોરી ગયો હતો. બંને વચ્ચે 66 રનની નોટઆઉટ ભાગીદારી થઇ હતી. નીતિશ રાણા 37 બોલમાં 48 અને રિન્કુ 23 બોલમાં 42 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.
ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ માટે ફરી એકવાર શરૂઆત ખરાબ રહી હતી અને દેવદત્ત પડ્ડીકલ માત્ર 2 રન કરીને આઉટ થયો હતો. જોસ બટલર અને સંજૂ સેમસને મળીને 48 રનની ભાગીદારી કરીને સ્કોર 55 પર પહોંચાડ્યો ત્યારે બટલર 22 રન કરીને આઉટ થયો હતો. રાજસ્થાને તે પછી કરુણ નાયર, રિયાન પરાગ અને સંજૂ સેમસનની વિકેટ ટૂંકા ગાળામાં ગુમાવતા તેમનો સ્કોર 5 વિકેટે 115 રન થયો હતો. જો કે અંતિમ બે ઓવરોમાં હેટમાયર અને રવિચંદ્રન અશ્વિને મળીને 37 રન ઉમેરતા રાજસ્થાન રોયલ્સ 152ના સ્કોર સુધી પહોંચ્યું હતું. હેટમાયર 13 બોલમાં 2 છગ્ગા સાથે 27 જ્યારે અશ્વિન 6 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.