ક્રિકેટના(Cricket) પરંપરાગત ફોર્મેટ એવા ટેસ્ટમાં (Taste) વિદેશની ધરતી પર ભારતીય ટીમની (Indian Team) વિજય પતાકા લહેરાતી કરનારા કેપ્ટન (Captain) તરીકેનું શ્રેય જેના નામે જાય છે તે વિરાટ કોહલી (Virat Kohli) છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય ક્રિકેટનો બેતાજ બાદશાહ ગણાતો હતો, જો કે છેલ્લા ચાર મહિનામાં આ કથાએ એવો પલટો માર્યો છે કે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટન તરીકે તે દૂર થઇ ગયો છે અને હવે તે માત્ર એક ખેલાડી તરીકે ભારતીય ટીમ સાથે જોડાયેલો રહેશે. ચાર મહિના પહેલા ભારતીય ક્રિકેટમાં જેની આણ વર્તાતી હતી અને જેને ભારતીય ક્રિકેટનો બેતાજ બાદશાહ કહેવામાં આવતો હતો તે વિરાટ કોહલીની કથા ભારતીય ક્રિકેટ તખ્તે ચાર મહિનામાં પલટાઇ ગઇ અને ક્રિકેટના ત્રણેય ફોર્મેટના કેપ્ટનપદેથી તેની વિદાય સાથે કેટલાક એવા સવાલો સામે આવ્યા છે જેના જવાબ આપવા માટે ગાંગુલી આણી મંડળીને ઘણાં ફાંફા પડવાના છે, વિરાટે ટેસ્ટ કેપ્ટનશિપ છોડી તે પછી અશ્વિને કરેલું એક ટ્વિટ આ સ્થિતિને સમજાવવામાં ઘણું અસરકારક છે. અશ્વિને લખ્યું હતું કે કેપ્ટન પોતાના અનુગામી બાબતે એક માથાનો દુખાવો ઊભો કરી ગયો છે અને બીસીસીઆઇના ઉચ્ચ પદાધિકારીઓ માટે એ વાત સાચી જ સાબિત થવાની છે. ભારતીય ક્રિકેટને સૌથી સફળતમ કેપ્ટન રિટાયર્ડ હર્ટ થયો છે એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. અહી ‘હર્ટ’ શબ્દને શારીરિક ઇજા સંદર્ભે નહીં પણ લાગણીને થયેલી ઇજા તરીકે લેવો યોગ્ય ગણાશે.
વિરાટ કોહલીએ ગત શનિવારે જ્યારે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે રાજીનામુ આપી દીધું તે પછી અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા અને તેમાંથી સૌથી મોટો તર્ક એ હતો કે કોચ પદેથી રવિ શાસ્ત્રી અને તેમના સપોર્ટ સ્ટાફની વિદાય પછી કોહલી એકલો પડી ગયો હતો અને તેને પહેલા જેવી મોકળાશ લાગતી ન હોવાથી તેણે ટેસ્ટ ટીમના કેપ્ટનપદેથી ખસી જવાનો નિર્ણય લીધો. કોહલીએ પોતાની વિદાયની પોસ્ટમાં બીસીસીઆઇ અધિકારીઓ અને સાથી ખેલાડીઓની સાથે માજી કોચ રવિ શાસ્ત્રી, સપોર્ટ સ્ટાફ તેમજ એમએસ ધોનીને યાદ કરીને તેમનો આભાર માન્યો છે, પણ પોતાની આ પોસ્ટમાં તેણે હાલના કોચ રાહુલ દ્રવિડનો ઉલ્લેખ સુદ્ધા નથી કર્યો તે બાબત કોઇ સંકેત આપી રહી છે. બની શકે કે કોહલીને શાસ્ત્રી સાથે જ ફાવટ આવતી હતી તેવી દ્રવિડ સાથે ન આવી હોય. વળી કોહલી અને દ્રવિડ બંનેની પર્સનાલિટી વચ્ચે પણ મેળ જામે તેવો નહોતો.
જો થોડા મહિના પાછળ જઇએ તો સપ્ટેમ્બરની 16મી તારીખે વિરાટ કોહલે અચાનક જ ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડવાની વાત કરીને બધાને ચોંકાવ્યા હતા. કોહલીએ તે સમયે કહ્યું હતું કે ટી-20 વર્લ્ડકપ પછી તે કેપ્ટનશિપ છોડી રહ્યો છે, આ વાતના ચાર મહિના પછી 15 જાન્યુઆરીએ ફરી એકવાર તેણે બધાને આશ્ચર્યનો આંચકો આપીને કહ્યું કે તે ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડી રહ્યો છે. આમ જોઇએ તો આ નિર્ણય અચાનક લેવાયેલો નિર્ણય લાગે છે, પણ તેના તાર ક્યાંકને ક્યાંક ટી-20 વર્લ્ડકપ સાથે જોડાયેલા લાગે છે. કોહલીએ સપ્ટેમ્બરમાં ટી-20 વર્લ્ડકપની કેપ્ટનશિપ છોડી અને તે પછી ડિસેમ્બરમાં તેને વન ડે ટીમના કેપ્ટનપદેથી હટાવીને રોહિતને મર્યાદિત ઓવરોના બંને ફોર્મેટમાં કેપ્ટન બનાવી દેવાયો. આ બધુ થયા પછી એક નવો નાટ્યાત્મક ઘટનાક્રમ સર્જાયો. બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એવું નિવેદન કર્યું કે તેણે વિરાટને કહ્યું હતું કે તે આ ફોર્મેટની કેપ્ટનશિપ ન છોડે પણ તે માન્યો નહોતો. જો કે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ ધડાકો કર્યો હતો કે ટી-20 ટીમની કેપ્ટનશિપ બાબતે મને કોઇએ તે ન છોડવા કહ્યું નહોતું અને જે તે સમયે મારા નિર્ણયને પોઝિટિવ ગણાવાયો હતો. મને એ નિર્ણય પાછો ખેંચવા કે પુનર્વિચારણા કરવા બીસીસીઆઇના ટોચના અધિકારીઓ દ્વારા કદી કંઇ કહેવાયું નથી. આ સાથે જ તેણે એવું પણ કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટેની ટેસ્ટ સીરિઝ માટેની ટીમ પસંદગીના દોઢ કલાક પહેલા મને વન ડે ટીમના કેપ્ટનપદેથી હટાવાયો હોવાની વાત કરવામાં આવી હતી અને તેના જવાબમાં મેં માત્ર ઓકે કહ્યું હતુ, મારી સાથે આ બાબતે તે પહેલા કોઇ ચર્ચા કરવામાં આવી નહોતી.
કોહલીએ ગાંગુલીની વાતને ખોટી ઠેરવતું નિવેદન કરતાં બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ સહિતના તમામ ટોચના અધિકારીઓ સમસમી ગયા હતા. જો કે તે પછી બીસીસીઆઇ અધ્યક્ષ ગાંગુલી દ્વારા એવું કહેવાયું હતું કે આ બાબતે હાલ કોઇ ટીપ્પણી નહીં કરવી, દક્ષિણ આફ્રિકા પ્રવાસ પછી આ મામલે બીસીસીઆઇ પોતાની રીતે નિર્ણય કરશે. આવું કહીને એક રીતે જોઇએ તો ગાંગુલીએ આડકતરી રીતે વિરાટ કોહલીને ગર્ભિત ચેતવણી આપી હતી કે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પછી તારો લટકો ફટકો કરવામાં આવશે. વિરાટ કોહલી એ જાણતો હતો કે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ કેપ્ટન તરીકેનું તેનું ભાવિ નિર્ભર છે અને સીરિઝ હારતાની સાથે જ તેને એ સમજાય ગયું હતું કે હવે તેની કેપ્ટનશિપ જવાની જ છે, તેથી તેણે જાતે જ કેપ્ટનપદેથી હટી જઇને ગાંગુલી સહિતના બીસીસીઆઇના તમામ ટોચના પદાધિકારીઓની વ્યુહરચનાઓને મોટો ફટકો માર્યો છે. કોહલી જે રીતે ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટનપદેથી હટ્યો છે અથવા તો હટાવાયો છે તેને ધ્યાને લઇએ તો તેની શરૂઆત 16મી સપ્ટેમ્બરે કરાયેલા ટ્વિટથી થઇ ગઇ હતી. એ ટ્વિટમાં કોહલીએ ટી-20 વર્લ્ડકપની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરવાની સાથે ટેસ્ટ અને 2023ના વન ડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ટેસ્ટ અને વન ડે ક્રિકેટ પર ધ્યા કેન્દ્રિત કરવા માગતો હોવાનું તેણે જણાવ્યું હતું. એ ટ્વિટને ચાર મહિના વિતી ચુકયા છે અને હવે કોહલીનું નામ માજી કેપ્ટનોમાં આવી ગયું છે.