Business

ચમચી શરીરને ચોંટે?

માણસ અને બીજાં પ્રાણીઓ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે પ્રાણીઓ હસી શકતાં નથી.’—આવું ઘણી વાર વાંચવા-સાંભળવા મળે છે. પરંતુ ઘણાંખરાં ચિંતનાભાસી વિધાનોની જેમ આ વિધાન પણ અર્ધસત્ય છે. અર્ધસત્ય એટલે અડધું જૂઠું. આટલું ચોખવટથી ન કહીએ તો લોકો અડધા સત્યનું પણ ગૌરવ કરવા મચી પડે એવો માહોલ છે. એ વાત બાજુ પર રાખીએ તો, મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે બીજા ઘણા તફાવત છે. તેમાંનો હાસ્ય જેટલો જ કે તેથી પણ ઊંચી કક્ષાનો-વધારે મહત્ત્વનો તફાવત એ છે કે પ્રાણીઓ અંધશ્રદ્ધાળુ હોતાં નથી. કોઈ શિયાળ આધ્યાત્મિક હોવાનો દાવો કરતું નથી. ઘણા કહેવાતા આધ્યાત્મિકો પંચતંત્રના શિયાળ જેવું વર્તન કરે છે તે અલગ વાત છે. પ્રાણીઓમાં ઇશ્વરનો ખ્યાલ હશે? જાણમાં નથી.

બીજી તરફ, પ્રાણીઓની સરખામણીમાં પોતાને બુદ્ધિની રીતે ચડિયાતો ગણનારો સરેરાશ માણસ પહેલી તકે અંધશ્રદ્ધામાં સરી જતાં અચકાતો નથી. ‘પીનેવાલેકો પીનેકા બહાના ચાહિયે’—એના કરતાં પણ ચડિયાતું સત્ય છેઃ અંધશ્રદ્ધાળુને અંધશ્રદ્ધામાં છબછબિયાં કરવા માટે કંઈક નિમિત્ત મળવું જોઈએ. તે કોરોનાદેવીનું મંદિર પણ બનાવી શકે અને કોરોનાની રસી લીધા પછી શરીર પર ચમચા-ચમચી ચોંટી જાય છે, એવું પણ માની શકે. પચીસ વર્ષ પહેલાં ફક્ત દેશમાં જ નહીં, વિદેશોમાં વસતા ભારતીયોએ પણ ગણેશજીની પથ્થરની મૂર્તિને દૂધ પીવડાવવાનો પ્રયાસ કરીને અને કેટલાકે તો મૂર્તિએ દૂધ પીધું હોવાનો દાવો કરીને દર્શાવી આપ્યું હતું કે ‘પંછી, નદિયા અને પવનકે ઝૌંકે’ની જેમ અંધશ્રદ્ધાને પણ સરહદ રોકી શકતી નથી.

દેશમાં ભણતર ઓછું હતું ત્યારે કેટલાકને એવી આશા હતી કે ‘એક વાર લોકો ભણતાં થઈ જાય ત્યાર પછી જોજો અંધશ્રદ્ધા કેવી દૂર થઈ જાય છે.’ એવો આશાવાદ સેવનારાં સજ્જનો-સન્નારીઓ ઉકલી ગયાં, પણ અંધશ્રદ્ધા હજુ ઠેરની ઠેર છે. ઊલટું, પહેલાં અંધશ્રદ્ધા ફેલાવવા માટે એક વિકલ્પ પંદર પૈસાના પોસ્ટકાર્ડ ખરીદીને લખવાનો હતો. હવે તે જ કામ સોશ્યલ મીડિયાના જમાનામાં મફત, ઝડપી અને સૌ કોઈ માટે સુલભ બન્યું છે. એ દૃષ્ટિએ અંધશ્રદ્ધા કાબી કહેવાય. તેણે વિજ્ઞાનને ‘વહી ધનુષ, વહી બાણ’ પછડાટ આપી છે.  વિજ્ઞાન અંધશ્રદ્ધાને શું નાબૂદ કરતું હતું? અંધશ્રદ્ધા જ વિજ્ઞાનને ઊંધું પાડી રહી છે.

વાત માત્ર અક્ષરજ્ઞાનની નથી. ઉચ્ચ અભ્યાસ કરનારા અને જાણીતી સંસ્થાઓમાં ઊંચા હોદ્દે કામ કરનારા લોકોથી માંડીને આમજનતા સુધી, ડૉક્ટર થયેલા નેતાઓથી માંડીને સેમી-અભણ નેતાઓ સુધી કોણ ક્યારે પોતાની બાહ્ય બુદ્ધિમત્તા-સમૃદ્ધિ-સંપત્તિનું આવરણ ફગાવીને અંદરના અંધશ્રદ્ધાળુને બહાર પ્રગટાવશે, તેની હંમેશાં ધાસ્તી રહે છે. ગરીબ-પછાત-ગ્રામ્ય વિસ્તારનાં લોકોની અંધશ્રદ્ધા સસ્તી હોય છે. તેની ટીકા સહેલાઈથી કરી શકાય છે, પરંતુ સમૃદ્ધ શહેરી વર્ગની અંધશ્રદ્ધા ફાઇવ સ્ટાર હોય છે. તે બાવાબાપુઓના આશ્રમોમાં ઢોળાય છે અને રૂડાંરૂપાળાં લેબલ પામે છે.

હમણાંથી અખબારો-ચેનલોમાં શરીર પર ચમચા-ચમચી ચોંટાડેલા સજ્જનોના ફોટા આવે છે. જે લોકો થોડા ઘણા પ્રભાવશાળી અને કામના હોય, તેમને વગર રસીએ ચમચા-ચમચીઓ ચોંટેલાં હોય છે. તેની નવાઈ નથી લાગતી પણ પીઠ પર ચોંટેલી ચમચીઓ સાથે લોકોના ફોટા જોઈને સ્વાભાવિક રીતે કૌતુક થાય છે. ઘણાને તો, અંગ્રેજીમાં જેને ફીઅર ઑફ મિસિંગ આઉટ (FOMO)કહે છે એવી, ‘એ લઈ ગયા ને અમે રહી ગયા’ લાગણી પણ થાય છે. ચમચા ચોંટાડેલા લોકોની તસવીરો જે પ્રકારના મહત્ત્વ સાથે પ્રગટ થાય છે, તે જોતાં ઘડીભર એવું લાગે, જાણે લોકોની પીઠે ચમચીઓ ચોંટી જવાથી તેમના જીવનની અને દેશદુનિયાની બધી સમસ્યાઓ ઊકલી જશે. હકીકતમાં, ચટાકેદાર સમાચાર શોધવાની સમસ્યા સિવાય બીજી એકેય સમસ્યા તેનાથી હલ થતી નથી. ગૃહિણીને એ ચમચીઓ બરાબર સાફ કરીને વાપરવા લેવી પડે છે એ વધારામાં.

જે થઈ શકે એમ ન હોય, તેવું જ થયું હશે—એવું માનવામાં અને એમ કરીને વિજ્ઞાનના નિયમોને પડકારવામાં ઘણાં લોકોને વિજ્ઞાનીઓ સાથે હાથોહાથ કુસ્તી કર્યા જેવી કીક આવે છે. તેમની એ માન્યતાને તે અંધશ્રદ્ધા તરીકે ઓળખાવવા તૈયાર હોતા નથી. એટલું જ નહીં, છેલ્લા એકાદ દાયકાથી અંધશ્રદ્ધાની વાત નીકળે ત્યારે એવો આક્રમક બચાવ પણ હાથવગો બન્યો છે કે અંધશ્રદ્ધાની ટીકા હકીકતે હિંદુઓને શાબ્દિક રીતે ઝૂડવાનું સેક્યુલરિસ્ટોનું કાવતરું છે.

ચમચા-ચમચી ચોંટવાના ફોટા સાથે વાસ્તવમાં એવું શી રીતે થાય તેનો ખુલાસો છપાય તો પણ, ઘણાં લોકોને વૈજ્ઞાનિક કારણ કરતાં શરીરે ચોંટેલાં ચમચા-ચમચીની તસવીરો વધારે યાદ રહે છે. તેમના મનનું બંધારણ એવું હોય છે કે હિંદુ-મુસલમાન સંપીને રહી શકે એવું માનવા તે તૈયાર નથી હોતાં, હિંદુત્વનું રાજકારણ અને હિંદુ ધર્મ અલગ બાબતો છે એ તે સ્વીકારી શકતાં નથી, અનામતના લીધે જ્ઞાતિના ભેદભાવ નહીં, જ્ઞાતિના ભેદભાવને લીધે અનામત છે એવું તે માની શકતાં નથી, દેશને ઉદ્ધારક રાજાની નહીં પણ જવાબદાર નેતાની જરૂર છે, એ તેમના ગળે ઊતરતું નથી પણ તેમને કહીએ કે ‘કોરોનાની રસી લીધા પછી શરીરે ચમચા-ચમચી ચોંટે છે.’ તો તે તરત માની લેશે-સ્વીકારી લેશે. એટલું જ નહીં, તેને અંધશ્રદ્ધા ગણાવનાર સામે બાંયો ચડાવવા પણ તૈયાર થઈ જશે. તેમની સાથે પનારો પાડ્યા પછી ખ્યાલ આવે છે કે માણસની સરખામણીમાં પ્રાણીઓની બુદ્ધિમત્તાને નીચી ગણાવનારા જાણેઅજાણે પ્રાણીઓને કેટલો મોટો અન્યાય કરે છે.

Most Popular

To Top