Business

આધ્યાત્મિક સંત સ્વામી વિવેકાનંદ

સુધૈવ કુટુંબકમ’’ એ સંસ્કૃતિ સુત્રને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક વિદેશયાત્રામાં પોતાના પ્રવચનમાં ટાંકીને પોતાનું સ્થાન તો વિશ્વનેતા તરીકે સુનિશ્ચિત કર્યુ છે સાથે સમગ્ર વિશ્વના દેશોમાં આજે ભારત સમ્માનીય સ્થાને કાયમ થયું છે. 128 વર્ષ પહેલા વિશ્વના દેશોએ ભારતીય સંસ્કૃતિને અને દેશને આથી વિશેષ સમ્માન આપ્યું હતું જ્યારે 11 સપ્ટેમ્બર 1893ના રોજ શિકાગોના આર્ટ ઈન્સ્ટીટયુટ ખાતે યોજાયેલ ધર્મસંસદમાં ભારતના પ્રતિનિધિ તરીકે સ્વામી વિવેકાનંદે પોતાનું વક્તવ્ય રજૂ કરેલું.

દરેક ધર્મગુરૂઓએ પોતાના વક્તવ્યની શરૂઆત લેડીઝ એન્ડ જેન્ટલમેનથી કરેલી ત્યારે વિવેકાનંદજીએ વક્તવ્યની શરૂઆત માય અમેરિકન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સથી કરી હતી. આ શરૂઆતી શબ્દો પૂરા થાય એ પહેલા તો ત્યાં હાજર સાત હજાર જેટલા લોકોની જનમેદની એ પૂરા સમ્માન સાથે ઉભા થઈ સતત બે મિનિટ સુધી તાળીઓના ગડગડાટથી આ ભારતીય અધ્યાત્મ પુરૂષને વધાવી લીધા હતાં. બે મિનિટના તાલીઓના ગડગડાટ પછી છેક સ્વામીજી આગળનું વક્તવ્ય પ્રારંભ કરી શક્યા. ત્યારે વિશ્વના દેશોના ધર્મપ્રતિનિધિઓ અને વિવિધ પ્રાંતના આમંત્રિતો માટે ભારતની ભવ્ય સંસ્કૃતિ માટે બેહદ સમ્માનીય ભાવના પ્રગટ થયેલી.

સ્વામીજીએ તેના વક્તવ્યમાં વિશ્વમાં ભારતીય સાધુઓની, સંસ્કૃતિની પ્રાચીન પરંપરાની વાતો કરી તો વૈદકીય પરંપરા જે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સદ્દભાવના શીખવે છે તેના ઉલ્લેખ સાથે ભગવદ્ ગીતાના બે શ્લોકનો ભાવાર્થ પણ સમજાવતા કહ્યું હતું કે જેવી રીતે વિભિન્ન પ્રવાહોના સ્રોત ભલે અલગ-અલગ જગ્યાએથી આવતા હોય પણ આખરે સમુદ્રમાંજ ભળી જાય છે તેમ વિવિધ ધર્મીઓની પ્રથાઓ અલગ-અલગ હોય છે પણ ધ્યેય ઈશ્વર સુધી પહોચવાનું જ હોય છે. આ પ્રકારના ટુંકા વક્તવ્ય પછી સ્વામીજીની વિશ્વના સમાચાર માધ્યમો દ્વારા ખુબ પ્રસંશા થઈ હતી. ત્યારે દેશમા અને વિદેશમાં સૌથી વધુ લોકપ્રિય વ્યકિત તરીકે કેટલાય દિવસો સુધી વિશ્વના અખબારોમાં છવાયેલા રહેલા.

અહી સ્વામી વિવેકાનંદના ગુજરાત કનેકશન વિશે થોડી મહત્વપૂર્ણ વાતો જોઈએ. દક્ષિણ ભારતના કોસીપોરના ગાર્ડન હાઉસમાં 16 ઓગસ્ટ, 1886એ વિવેકાનંદના અધ્યાત્મ ગુરૂ રામકૃષ્ણ પરમહંસે મહાસમાધિ લીધી હતી ત્યારબાદ મઠના મઠાધિપતિ તરીકે ગુરૂના આદેશ મુજબ વિવેકાનંદે જવાબદારી સંભાળી હતી. જો કે ત્યારે વિવેકાનંદ નરેન્દ્ર દત્ત તરીકે જ ઓળખાતા. 1887ની સાલના પ્રારંભે મઠના અન્ય આઠ જેટલા અનુયાયીઓએ સંસ્કૃતિ અને ધર્મના પ્રચાર-પ્રસાર અર્થેની અનૌપચારિક પ્રતિજ્ઞાઓ લીધી અને તે દરમ્યાન નરેન્દ્ર દત્તે સ્વામી વિવેકાનંદ નામ અપનાવ્યું. 1888માં વિવેકાનંદે મઠ છોડયો અને પરિવ્રાજક બન્યા. કોઈપણ નિશ્ચિત ઘર વિના, સંબંધો વિના સંસ્કૃતિ અને ધર્મના પ્રચાર-પ્રસારાર્થે ભ્રમણ કરતા સાધુનું ધાર્મિક જીવન એટલે પરિવ્રાજક, વિવેકાનંદે પાંચ વર્ષ સુધી ભારતના ચારે ખૂણામાં પ્રવાસ કર્યો.

ભિક્ષા પર નભતા અને પગે ચાલીને અથવા શ્રધ્ધાળુ કે કોઈ ચાહક રેલ્વે ટીકીટ કઢાવી આપે તો ટ્રેનમાં ભારત ભ્રમણ કર્યુ આ પ્રવાસ દરમ્યાન તેઓ ગુજરાતમાં પણ અમદાવાદ, વઢવાણ, લીંમડી, વડોદરા, જુનાગઢ, પોરબંદરનું ભ્રમણ કર્યુ. રસપ્રદ વાત એ છે કે સપ્ટેમ્બર 1891 થી એપ્રિલ 1892 દરમ્યાન એ ગુજરાતના પ્રવાસે હતા ત્યારે એક વખત જુનાગઢ પાસેના નાનકડા જેતલસર રેલ્વે સ્ટેશનના બાંકડે બેઠાં હતા ત્યારે હરગોવિંદદાસ અજરામ પંડયા નામના સ્ટેશને માસ્તરની નજર તેના પર પડી. તેજસ્વી દેખાતા સ્વામીજી સાથે પરિચય કેળવી પોતાની સાથે ઘરે લઈ ગયા.

ઘરે સંત-સત્સંગ દરમ્યાન હરગોવિંદદાસે તેને ધ હિન્દુ નામનું એક મેગેઝીન બતાવ્યું અને કહ્યુ કે આવતા વર્ષે શિકાગોમાં એક ધર્મ પરિષદ યોજાવાની છે તેમાં આપ ભારતનું પ્રતિનિધિત્વ કરો અને વિશ્વને સનાતન ધર્મનો પરિચય કરાવો. આમ શિકાગો જવા માટે સ્વામી વિવેકાનંદને પ્રોત્સાહિત કરનાર એક ગુજરાતી હતા તેનું આપણા સૌ માટે પણ ગર્વની બાબત છે. સ્વામી વિવેકાનંદે ગુજરાત પ્રવાસના આઠ મહિના દરમ્યાન પોરબંદરમાં લાંબો સમય રોકાઈને સંસ્કૃતનું અધ્યયન કર્યુ હતું તો અમદાવાદમાં પણ ઈસ્લામ અને જૈન સંસ્કૃતિનો અભ્યાસ કર્યો હતો. ઈગ્લેન્ડ અને અમેરિકા જઈ આવેલા લીંબડીના ઠાકોર સાહેબ જસવંતસિંહ સાથેની સ્વામીજીની મુલાકાત થઈ તે દરમ્યાન સ્વામીજીના જ્ઞાન અને પ્રભાવક કાર્યથી પ્રભાવિત ઠાકોર સાહેબે શિકાગો જવા માટે સહાય પણ કરી હોવાની વાયકા છે.

શિકાગો ધર્મ સંસદનું આયોજન સપ્ટેમ્બર-1893માં હતુ પણ બે મહિના અગાઉ જુલાઈમાં શિકાગો પહોંચેલા વિવેકાનંદને અધિકૃત સંગઠનની સતાવાર ઓળખાણ વગર પ્રવેશ મુશ્કેલ હતો. નિરાશ સ્વામીજી હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જ્હોન હેનરી રાઈટના સંપર્કમાં આવ્યા અને હાવર્ડના એક નાના મેળાવડામાં બોલવાનું આમંત્રણ મળ્યું. સ્વામીજીનું તેજોમય વક્તવ્ય માણ્યા પછી પ્રભાવીત જ્હોન હેનરી રાઈટે યોજાનાર ધર્મસંસદના પદાધિકારીઓને લખેલા એક પત્રમાં જણાવેલું કે આપણ તમામ પ્રોફેસરો કરતા વિદ્ધાન આ ભારતીય સાધુ પાસે ઓળખાણ માંગવી એટલે સૂર્યને પૃથ્વી પર પ્રકાશવા માટેનો અધિકાર પુછવા જેવું છે. સ્વામીજીના આટલા પરિચયે તેમને શિકાગો ધર્મસંસદમાં સ્થાન મળેલું અને પછીની સફળતા જગવિખ્યાત છે.

કલકત્તાના શિમલા પાલ્લીમાં 12મી જાન્યુઆરી 1863ના રોજ વિશ્વનાથ દત્ત અને ભુવનેશ્વરી દેવીને ત્યાં જન્મેલા વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્ર હતું. પિતા વિશ્વનાથ દત્ત હાઈકોર્ટમાં એટર્ની હતા. જેની ગણના ઉદાર અને સદાચાર વ્યકિત તરીકેની હતી. પિતાના બૌદ્ધિક દિમાગ અને માતાના ધાર્મિક સ્વભાવથી ઉછરેલા બાળક નરેન્દ્ર ખૂબ તેજ દિમાગ હતા. એક વખત સાંભળેલી વાતો યાદ રાખવાની તેની યાદશક્તિ અદ્દભુત હતી. કિશોરાવસ્થા પછીની યુવાનીમાં પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને વિજ્ઞાનના પરિચયમાં આવ્યા હતા તેથી કોઈપણ વાત બૌદ્ધિક પુરાવા અને વ્યવહારિક ચકાસણી વગર માનવાનો ઈન્કાર જરૂર કરતા પણ માતા દ્વારા મળેલું ધાર્મિક જ્ઞાન પણ ધ્યાનના આધ્યાત્મિક આદર્શો અને અનાસક્તિ તરફ આકર્ષવા મજબૂર કરતું.

રૂઢિગત પાખંડી રીત રિવાજો અને જ્ઞાતિ તથા ધર્મને કારણે થતા ભેદભાવ અને અંધશ્રધ્ધાઓ સામે પ્રચંડ અવાજ પણ ઉઠાવેલો. કોલેજમાં બધા વિષયોમાં હોશિયાર એવા નરેન્દ્ર માટે તેની કોલેજના આચાર્ય ડો. વિલિયમ હેસ્ટીએ લખેલું કે હું દુનિયાભરમાં ફર્યો છું પણ આટલો પ્રતિભા સંપન્ન વિદ્યાર્થી મે કોઈ યુનિવર્સિટિમાં જોયો નથી. કોલેજ અભ્યાસ દરમ્યાન પણ આ યુવાને વેદ-ઉપનિષદો, ભગવદ્દગીતા, રામાયણ, મહાભારત અને પુરાણોમાં રસ લઈ ઊંડાણપૂર્વક અભ્યાસ પણ કર્યો હતો. શાસ્ત્રીય સંગીતમાં ગાવુ અને વગાડવું એવી પારંપારિક નકલોમાં પ્રવિણતા મેળવેલી. બાળપણથી તેમને આધ્યાત્મિકતા, ઈશ્વરાનુભૂતિ અને સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યો જાણવામાં ખૂબ રૂચિ દર્શાવી હતી.

અને એટલે જ અનેક ધર્મગુરૂઓ, જ્ઞાની પંડિતો અને વેદાચાર્યોના સંપર્કમાં રહેતા પણ મનનું સમાધાન નહોતું થતું. એકવાર કોલેજના આચાર્ય હેસ્ટીએ તેમને જણાવ્યું કે મનનું સમાધાન ઈચ્છતો હોય તો દક્ષિણેશ્વરના સંત રામકૃષ્ણ પરમહંસને મળવું જોઈએ. આથી તેઓએ નવેમ્બર 1881માં રામકૃષ્ણ પરમહંસને મળ્યા. સાધારણ માણસ જેવા પોતડી પહેરી ફરતા રામકૃષ્ણને જોઈને જોઈ કોઈ વિશેષ આકર્ષણ કે લાગણી ના થઈ પણ તેમની સાથે ઈશ્વર પ્રાપ્તિ અંગેની ચર્ચાઓ, પ્રવચનો અને અનુભવો જાણ્યા પછી ગુરૂ તરીકે સ્વીકારી તેમની સાથે રામકૃષ્ણ પરમહંસની મહાસમાધિ સુધી એટલે કે પાંચ વર્ષ ત્યાંજ રહ્યા અને સંસ્કૃતિ, સંસ્કૃત અને વૈદિક સંસ્કાર પ્રાપ્ત કર્યા હતાં. ધર્મ અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસારની લાંબી યાત્રા પછી 4 જુલાઈ- 1902 ના રોજ માત્ર 39 વર્ષની નાની ઉંમરે તેમણે મહાસમાધિ લીધી હતી. ટુંકા જીવનની લાંબી ધર્મયાત્રા કરનાર રાષ્ટ્રપ્રેમી, અધ્યાત્મ સંતને શત શત વંદન..

Most Popular

To Top