ભોજનમાં સ્વાદ વધારવા માટે આજકાલ વિવિધ પ્રકારના રેડીમેડ મસાલાઓ (Spices) વપરાય છે. ખાસ કરીને બાળકોને શાક રોટલી ખાવામાં રસ પડે તે માટે મોટાભાગે મમ્મીઓ ભોજનમાં (Food) મેગી મસાલા નાંખે છે. જેને કારણે બાળકો હોંશે હોંશે બટાકા, ભીંડા, કોબીજ કે અન્ય શાકભાજી ખુશ થઈને ખાય છે. જોકે મેગી મસાલાને (Maggi Masala) લઈ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી નજીક હરિયાણાના ફરીદાબાદમાં નકલી મેગી મસાલા બનાવનારી એક ગેંગનો પર્દાફાશ થતા હડકંપ મચી ગયો છે. અહીં એક ફેક્ટરી પર રેડ (Raid) દરમિયાન 19 હજારથી વધુ નકલી મેગી મસાલાના (Duplicate Maggi Masala) પેકેટ મળી આવ્યા છે. એટલું જ નહીં આ નકલી મસાલો બનાવવાના માટેની સામગ્રી પણ મોટેપાયે ઝડપાઈ છે.
- દિલ્હી નજીક હરિયાણાના ફરીદાબાદમાં નકલી મેગી મસાલા બનાવનારી એક ગેંગનો પર્દાફાશ
- ફેક્ટરી પર રેડ દરમિયાન 19 હજારથી વધુ નકલી મેગી મસાલાના પેકેટ મળી આવ્યા
- નેસલે કંપની મેગી બનાવે છે અને તે જ કંપની મેગી મસાલા પણ બનાવે છે
- દરોડામાં દેશની અનેક બ્રાન્ડેડ કંપનીઓના ડુપ્લીકેટ પણ પકડાયા
નેસલે કંપની મેગી બનાવે છે અને તે જ કંપની મેગી મસાલા પણ બનાવે છે. મેગી મસાલાનો ઉપયોગ રસોડામાં બનાવવામાં આવતી અનેક વાનગીઓમાં થાય છે. તમે પણ ક્યારેક તો તેનો ઉપયોગ કર્યો જ હશે. પરંતુ શું તમને ખબર છે કે માર્કેટમાં નકલી મેગી મસાલા વેચાઈ રહ્યા છે. આ નકલી મેગી મસાલાનું પેકિંગ અસલી મેગી મસાલા જેવું જ છે જેથી કોઈપણ ગૃહિણી સરળતાથી છેતરાઈ જાય. દિલ્હી નજીક હરિયાણાના ફરીદાબાદમાં નકલી મેગી મસાલા બનાવનારી એક ગેંગ ઝડપાઈ છે. અહીં એક ફેક્ટરી પર રેડ દરમિયાન 19 હજારથી વધુ નકલી મેગી મસાલાના પેકેટ મળી આવ્યા છે. આ ફેક્ટરીમાં નકલી મેગી મસાલા બનાવવાનું મશીન હતું. આ સાથે જ દરોડામાં દેશની અનેક બ્રાન્ડેડ કંપનીઓના ડુપ્લીકેટ પણ પકડાયા છે. અહીં હજારો લીટર નકલી ઘી, રિફાઈન્ડ ઓઈલ પણ મળી આવ્યા છે. જેને બનાવવા માટે મશીન, પેકિંગ માટે કાર્ટૂન અને બ્રાન્ડના લેબલ પણ મળ્યા છે.
જે નકલી મેગી મસાલાની ફેક્ટરી ઝડપાઈ છે તેમાં નકલી મેગી મસાલાના પેકેટ અસલી જેવા જ દેખાય છે. આ પ્રોડક્ટની કોપી એવી કરાઈ છે કે અસલી અને નકલીની ઓળખ કરવી ખુબ મુશ્કેલ છે. મિલાવટખોરોએ આ નકલી મસાલાના પેકેટ એટલા સટીક બનાવ્યા હતા કે અસલી અને નકલીમાં અંતર કરવું મુશ્કેલ છે. દુકાનોમાં આ નકલી મેગી મસાલા વેચાઈ પણ રહ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇંડિયા (Food Safety and Standards Authority of India) ના ડેટા મુજબ 2018-19 દરમિયાન એક લાખ 6 હજાર 459 ફૂડ સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. આ નમૂનાઓમાંથી 28 ટકાથી વધુ નમૂના ભેળસેળ વાળા નિકળ્યા હતા. એકવાત તો નક્કી છે કે ભેળસેળ કરનારા લોકો પર સંપૂર્ણ લગામ લગાડવી મૂશ્કેલ છે. પરંતુ ગ્રાહકોમાં જાગૃતિ હશે તો બજારમાં વેચાતા આવા નકલી સામાનથી રક્ષણ મેળવી શકાશે.