નવી દિલ્હી: દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે સ્પાઈસ જેટની ફ્લાઈટ મુસાફરો સાથે ઉડાન ભરતા પહેલા ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી. આ ઘટના વિમાનના પુશબેક દરમિયાન બની હતી. જો કે અકસ્માત ટળી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થયાના પહેલા જ દિવસે આ પ્રકારની ઘટના બનતા અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.
ફ્લાઈટ શરૂ થયા પ્રથમ જ દિવસે દુર્ઘટના
સરકારે 27 માર્ચથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત કરી છે તેથી 28 માર્ચથી તમામ પ્રકારની ફ્લાઈટ શરૂ થઈ રહી છે પરંતુ તે પહેલા જ એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે. દિલ્હી એરપોર્ટ પર વધુ એક વાર મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. પુશઅપ દરમિયાન સ્પાઈસજેટનું એક વિમાન વીજળીના થાંભલા સાથે જોરદાર રીતે ટકરાયું હતું જેને કારણે વીજળીનો આખો થાંભલો વળી ગયો હતો. અહેવાલો અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે પ્લેન પેસેન્જર ટર્મિનલથી રનવે તરફ જઈ રહ્યું હતું. સ્પાઈસજેટની આ ફ્લાઈટની પાંખોનો એક ભાગ પાછળ ધકેલતા ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ ગયો.
સ્પાઈસજેટનું આખુ વિમાન પ્રવાસીઓથી ભરેલું હતું .વિમાન એટલી જોરથી થાંભલા સાથે ટકરાયું કે અથડામણને કારણે વીજ પોલ અડધો વાંકી ગયો હતો. પ્લેનની પાંખને પણ નુકસાન થયું છે. જેની સાથે તેમાં બેઠેલા પ્રવાસીઓના જીવ પણ પડીકે બંધાયા હતા પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને ઊની આંચ આવી નથી.તમામ પ્રવાસીઓ સલામત છે. આ ઘટના બાદ તમામ પ્રવાસીઓને બીજા વિમાનમાં શિફ્ટ કરી દેવાયા હતા.
ફ્લાઈટ જમ્મુ જઈ રહી હતી
એરલાઈન અનુસાર, ફ્લાઈટ નંબર SG 160 દિલ્હીથી જમ્મુ માટે રવાના થવાની હતી. તેમણે કહ્યું, “આજે સ્પાઈસ જેટની ફ્લાઈટ નંબર SG 160 દિલ્હી અને જમ્મુ વચ્ચે ઓપરેટ થવાની હતી. પુશ બેક દરમિયાન, જમણી પાંખ પાવર પોલ સાથે નજીકના સંપર્કમાં આવી, જેના કારણે એઈલરોન્સને નુકસાન થયું. ફ્લાઇટ ચલાવવા માટે રિપ્લેસમેન્ટ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે.”
એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે ઘટના બાદ પ્લેનને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અને મુસાફરોને બીજી ફ્લાઈટમાં ખસેડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સદનસીબે આ ઘટના દરમિયાન કોઈને ઈજા થઈ નથી.
આજથી તમામ ફ્લાઈટ રાબેતા મુજબ શરુ થઈ છે
ઉલ્લેખનીય છે કે આજથી દેશ અને વિદેશમાં તમામ ફ્લાઈટ મુજબ શરુ થઈ છે. પરંતુ પહેલા જ દિવસે મોટી દુર્ઘટના ટળવી એક અપશુકન સમાન છે. દિલ્હી એરપોર્ટ પર આ પહેલા પણ અનેક વાર આવી દુર્ઘટના થઈ છે.