નવી દિલ્હી: હિન્દુજા ગ્રુપના (Hinduja Group) ચેરમેન શ્રીચંદ પરમાનંદ હિન્દુજાએ 87 વર્ષની ઉંમરે બુધવારે લંડનમાં (London) પોતાના છેલ્લાં શ્વાસ લીધા હતાં. હિન્દુજા પરિવારનાં પ્રવકતાએ તેમના મૃત્યુની (Death) માહિતી આપી હતી. હિન્દુજા છેલ્લાં કેટલાય સમયથી બિમાર હતા. તેમની પત્ની મધુ હિન્દુજાનું આ વર્ષે ફેબ્રુઆરીમાં નિધન થયું હતું. ચાર હિન્દુજા ભાઈઓમાં એસપી હિન્દુજા સૌથી મોટા હતા. પાકિસ્તાનના કરાચીમાં જન્મેલા શ્રીચંદ હિન્દુજાએ પાછળથી બ્રિટિશ નાગરિકતા લીધી અને તેઓ ત્યારથી લંડનમાં રહેતા હતા.
કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ગોપીચંદ, પ્રકાશ અને અશોક હિન્દુજા સહિત સમગ્ર હિન્દુજા પરિવારને ખૂબ જ દુઃખ સાથે જાણ કરવામાં આવે છે કે પરિવારમાં સૌથી મોટાં અને હિન્દુજા ગ્રુપના અધ્યક્ષ એસપી હિન્દુજાનું નિધન થયું છે. તેઓએ ભારત અને યુકે વચ્ચેના સંબંધોને મજબૂત કરવામાં તેમના ભાઈઓ સાથે મળીને મહત્વની ભૂમિકા ભજવી હતી. અમારા પરિવારના પિતૃ તરીકે અને અમારા સ્વર્ગસ્થ પિતા પીડી હિન્દુજાના સિદ્ધાંતો અને મૂલ્યોને આગળ ધપાવવામાં તેઓ દૂરદર્શી વ્યકિત હતા.”
હિન્દુજા પરિવારના ચાર ભાઈઓની કુલ ક સંપત્તિ છે આટલી
દેશમાં ટ્રક મેકિંગ બિઝનેસ ઉપરાંત હિન્દુજા ગ્રુપ બેંકિંગ, કેમિકલ્સ, પાવર, મીડિયા અને હેલ્થ સેક્ટરમાં પણ સંકળાયેલું છે. આ જૂથની કંપનીઓમાં ઓટો કંપની અશોક લેલેન્ડ અને ઇન્ડસઇન્ડ જેવી મોટી બ્રાન્ડનો સમાવેશ થાય છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર હિન્દુજા પરિવારના ચાર ભાઈઓની કુલ સંપત્તિ લગભગ $14 બિલિયન છે.