મહાનગરપાલિકા હોય કે નગર પાલિકા, બધે જ સ્પીડબ્રેકર જોવા મળે છે. સ્પીડ બ્રેકરના જે માપ હોય છે તે પ્રમાણે સ્પીડબ્રેકર બનાવવામાં આવતા નથી. ઘણી જગ્યાએ વધારે ઊંચા હોય છે ત્યાં વાહનોને નુકસાન થાય છે. વળી શરીરને પણ ગળાના અને કેડના મણકાને નુકસાન થાય છે. બીમાર દર્દી કોઈ વાહનમાં જતાં હોય તો એને પણ સ્પીડબ્રેકરના લીધે શારીરિક નુકસાન થાય છે. કેટલીક જગ્યાએ લંબાઇવાળા સ્પીડ બ્રેકર હોય છે. સ્પીડ બ્રેકર માટે જે ધારા ધોરણ હોય છે તેનાથી વિપરીત સ્પીડ બ્રેકર હોય છે.
મુખ્ય માર્ગ પર સ્પીડ બ્રેકર વધુ હોવા જોઈએ નહિ. ઘણા સ્પીડ બ્રેકર પર સફેદ રંગના પટ્ટા ભૂંસાઈ ગયેલા હોય ત્યાં અકસ્માત થવાની શકયતા સૌથી વધુ હોય છે. દરેક સ્પીડ બ્રેકર પર લાલ, પીળા પરાવર્તકો મૂકવા જોઈએ, તેથી વાહનચાલકોને આગળ સ્પીડ બ્રેકર હોવાની જાણ થાય અને સ્પીડ લિમિટમાં રહી વાહન ચલાવે એમાં સલામતી રહે છે. ઘણા શહેરમાં ગલીમાં વધુ પડતાં અને બિનજરૂરી સ્પીડ બ્રેકર જોવા મળે છે.
એટલે સલામત સવારી માટે વ્યવસ્થિત હોય એવા જ સ્પીડ બ્રેકર બનાવવા. જ્યાં ઊંચા સ્પીડ બ્રેકર હોય ત્યાં તાત્કાલિક અસરથી તોડીને માપ અનુસાર સ્પીડ બ્રેકર બનાવવામાં આવે. વાહનચાલકો પણ ઓછી સ્પીડમાં વાહન ચલાવે. વાંકી ચૂંકી અને સ્પીડમાં બાઇક ચલાવનાર નબીરાઓને, ગુનો નોંધી સખત કાર્યવાહી કરે, એમાં રાજકારણ વચ્ચે ના આવે તે પણ ખૂબ જરૂરી છે.
વડોદરા – જયંતીભાઈ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દેશમાં સાચી એકતા છે ખરી?
સરદાર જ્યંતીએ એકતા દિનની ઉજવણી થઈ. પરંતુ શું દેશમાં સાચી એકતા છે ખરી? ખાલીસ્તાનીઓ ખાલીસ્તાનની માંગણી કરે છે. મણિપુરમાં કે અમુક સ્થળેથી જ્ઞાતિના જનોને ગામ છોડાવવાની ફરજ પાડીને હાંકી કાઢવામાં આવે છે. દેશનાં જ નાગરિકોને વતન છોડવું પડે તે કેવું? કાશ્મીરમાંથી પણ હજી અમુક જ્ઞાતિ માટે નફરતનું વાતાવરણ જોવા મળે છે. રાજ્યો રાજ્યો વચ્ચે સરહદ બાબતે ઝઘડા, ભાષા બાબતે પણ ઝઘડા (દા.ત. હિંદી રાષ્ટ્ર ભાષા બાબતે) ધર્મ સંપ્રદાયમાં પણ અલગ અલગ ચોકી. આપણા દેશમાં કુસંપ વર્ષોથી છે અને એના કારણે જ દેશ ગુલામ બન્યો હતો. પહેલાં મોગલો અને પછી અંગ્રેજોનો એક જ્ઞાતિ અને બીજી જ્ઞાતિ વચ્ચે પણ ઝઘડા. તો આને એકતા કહેવાય? એક જ ધર્મમાં પણ બે પંથ શિયા અને સુન્ની. સ્વામીનારાયણ ધાર્મિક સંગઠનમાં ત્રણ અલગ અલગ ચોકી.
એક વડતાલવાળા, બીજા પ્રમુખ સ્વામીવાળા અને ત્રીજા શોખડાવાળા, એમાં પણ ઝઘડા થતા જોવા મળે છે. જૈનોમાં પણ શ્વેતાંબર અને દિગંબર એમ બે અલગ સંપ્રદાય સંગઠન. વાસ્તવમાં સબકા માલિક એક છે પરમેશ્વર એક છે અને તેને માટે પણ ઝઘડા? દરેક ધર્મો મહાન છે. કોઈ પણ ધર્મ અનીતિ કરવાનું, હિંસા કરવાનું જૂઠું બોલવાનું, બીજાને અન્યાય કરવાનું કહેતો નથી. વાસ્તવમાં તે પ્રેમથી એકબીજા સાથે રહેવાનું સૌને શીખવે છે. આ વાત સૌએ ગ્રહણ કરવા જેવી છે. આ વાત કડવી છે પણ સત્ય છે. સંપત્તિને કહેવાય કે બધા હળમળીને રહેતા હોય. કુસંપ દૂર થાય ત્યારે દેશની પ્રગતિ થાય એ નિ:શંક સત્ય છે તો હવે ઊઠો, જાગો, અને એક થાવ ને નેક થાવ. એકતા રાખો. સૌનું કલ્યાણ થાવ. વિશ્વ કુટુંબની ભાવના કેળવો અને જીવો અને જીવવા દોના સૂત્રને અપનાવો.
નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.