Charchapatra

વાણી-વર્તન વ્યકિતત્વનું પ્રતિબિંબ

માનવીના વ્યકિતત્વનું મૂલ્યાંકલન માનવીનાં વાણી, વર્તન પરથી મૂલવી શકાતું હોય છે. અન્ય વ્યકિત સાથે સુમેળ અને સહકારસભર તથા નમ્રતાસભર વર્તન એના વ્યકિતત્વને સન્માનનીય બનાવે છે. ઉપરી અધિકારી, વડીલ, ગૃહિણી, શિક્ષક, બિઝનેસમેન વિ. અનેક વ્યકિતઓ સ્વયંના હાથ નીચે કાર્ય કરતી વ્યકિતઓ સાથે કેવું વલણ દાખવે છે એના પરથી એના સ્વભાવને મૂલવી શકાય છે. પોતાના પદનો દુરુપયોગ કરી કર્મચારીઓ સાથે તુમાખીભર્યું વલણ કરનાર અધિકારી કયારેય સન્માનને પાત્ર નથી બની શકતો. ક્રોધ અને અંકુશથી ડરતા કર્મચારીઓ એમના પદને માન આપતા હશે પણ સાચા હૃદયથી આદર ન જ આપે! ગૃહિણી ઘરે કામકાજ કરવા આવતાં ભાઇ અથવા બહેન સાથે તુમાખીભર્યું વલણ અપનાવે તો એમનું પણ આત્મસન્માન અવશ્ય ઘવાઇ શકે.

વડીલ પરિવારમાં જક્કી વલણ અપનાવે હું કહું તેમ જ થશે તો એ વડીલ પણ પરિવારજનોનો સ્નેહ અને આદર સાચા દિલથી નથી પામી શકતાં. પરિવર્તન જગતનો નિયમ છે. શિક્ષક વિદ્યાર્થી સાથે વધુ પડતું કડકાઇભર્યું વર્તન કરે તો વિદ્યાર્થીગણમાં અપ્રિય થવાના ચાન્સ મળી શકે! બિઝનેસમેને પણ કર્મચારીગણ સાથે સુમેળ અને સહકાર સાધવો જરૂરી. કારણ કે કંપની કર્મચારીગણની મહેનતથી જ પ્રગતિ સાધી શકે છે. ટૂંકમાં હમારા વ્યવહાર હી હમારા પરિચય હૈ. સરળ અને આનંદી સ્વભાવ, નમ્રતાપૂર્વકનું વર્તન માનવીને સ્વયંના ક્ષેત્રમાં વધુ પ્રગતિશીલ બનાવી શકે અને આત્મસન્માન સૌને પ્રિય હોય.
સુરત     – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top