Comments

નવા સત્રમાં બાળકોને ભણાવવા મેદાને પડેલાં માતા પિતા માટે ખાસ

નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયું છે. ગુજરાતમાં માતા પિતા બાળકના એડમિશન ( ડોનેશન આપીને એડમિશન મળે એટલે પ્રવેશ શબ્દ વાપર્યો નથી) માટે જે દોડાદોડ કરે છે તે શિક્ષણ કે ખરી કેળવણી માટે કરતા નથી તેવો અનુભવ હવે દૃઢ થતો જાય છે ત્યારે આ લેખ સમજદાર અને બાળક સાથે, બાળ માનસની સમજણ સાથે કામ કરનારાં માતાપિતા માટે નથી. પણ યેન કેન પ્રકારેણ બાળકને પોપટ બનાવવા મેદાને પડેલાં માતા પિતા માટે છે જેઓ પોતાના બાળકને ક્યાંય પાછો ના પડે તેવો સ્પર્ધાત્મક બનાવવા મથી રહ્યા છે.

બાળકને ભણાવવા માટે પહેલવાન થવાની જરૂર નથી, પ્રેમાળ બનવાની જરૂર છે. વળી વારંવારની ચર્ચાઓ છતાં ગુજરાતનાં શહેરી મધ્યમ વર્ગીય માતા પિતા ઔપચારિક શિક્ષણને જ સર્વાંગી સફળતાનું સૂત્ર માને છે. કેળવણી કે ઘડતર એ તો સર્વાંગી વિકાસની પ્રક્રિયા છે જેમાં માનવ વ્યક્તિત્વનાં અનેક પાસાં સામેલ છે. માત્ર ગોખણપટ્ટીથી તેનો સર્વાંગી વિકાસ થવાનો નથી. હમણાં તહેવારોમાં અનેક ઘરોમાં જવાનું મળવાનું થયું, થોડું નજરે જોઈને અને થોડું ચર્ચામાં સાંભળીને જે જાણ્યું તે આ કે આજે શહેરમાં માતા પિતા પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે. પછી ઘરે સવારથી રાત સુધી તેને ભણાવવા રીતસર મેદાને પડે છે.

જો ચાલુ દિવસ હોય તો સવારે 7 થી 1 સ્કુલનો સમય હોય છે. એક વાગે ઘરે આવે, જમે ના જમે ત્યાં બે થી ત્રણ કે ચાર ટ્યુશન હોય છે અને  ટ્યુશનથી આવે પછી. સ્કુલ અને ટ્યુશનના હોમ વર્કનો લાંબો કાર્યક્રમ ચાલે છે, જેમાં વચ્ચે એકાદો વિક્ષેપ સર્જાય અથવા બાળક જાતે જ ઊંઘી લે કે રમવા ભાગી જાય. મોબાઈલ જોઈ લે કે ગેમ રમી લે. પરિવાર થોડો સંપન્ન હોય તો બાળકના નક્કી કરેલા વિકાસ માટે તે સાંજે ચિત્ર કે સંગીત કે અન્ય ક્લાસમાં જાય તો કેટલાક સ્વીમીંગ કે સ્કેટિંગમાં જાય, કોઈ બાળક તો બિચારું આ બધામાં જાય કારણ કે માતા જો દે નહી ધ્યાન તો બાળક ક્યાંથી બને મહાન ના નામે માતાએ તેનું નામ બધા જ કલાસીસમાં નોંધાવી દીધું હોય છે.

આજે જેમના બાળક પ્રાથમિકમાં ભણે છે તે બધા માતા પિતા 25 થી ૩૫ વર્ષના છે. મતલબ આ બધાં જ 1985 થી 1990 પછી કે તે ગાળામાં જન્મેલાં છે. હવે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં સર્વાંગી શિક્ષણમાંથી ઔપચારિક અંગ્રેજી માધ્યમનું ગાંડપણ આ જ ગાળામાં વધ્યું અને હવે નોબત એ આવી છે કે માતા પિતા જ મેડમ મોન્ટેસરી કે ગિજુભાઈ બધેકાને નથી જાણતાં તો બાળકોનું ઘડતર તેમના વિચારો મુજબ થાય તે તો વાત જ ક્યાંથી બને?

ખેર, ટીકા નથી કરવી. વાત કરવી છે. એ સૌને જેમનાં બાળકો હાલ શિક્ષણ મેળવી રહ્યાં છે ખાસ તો પ્રાથમિક કે માધ્યમિકમાં. બાળકોને ભણાવવા માટે આક્રમક ન બનો એને સતત ભણવા બેસ, ભણવા બેસ ના બોલો. માર મારીને તો ભણવા ના જ બેસાડો. અત્યારે નાની ઉંમરમાં તે બીકના માર્યા બેસી જશે, પણ તેના મનમાં ભણવા માટે જ નફરતનાં બી રોપાશે. વળી શિક્ષણ તો શાંત મનોસ્થિતિમાં થાય, તે વ્યગ્ર અને રડતા મને ભણે તો સમજણનો વિકાસ ક્યાંથી થાય. સ્પર્ધા આપણા મગજમાં છે અને દોડવાનું બાળકને છે? આવું ના કરો. એની સાથે વાર્તાલાપ કરો, એનામાં ભણવાની જિજ્ઞાસા જગાડો.

જેમ ડરથી ભણવા બેસાડવું ખોટું તેમ લાલચ આપી ભણાવવું પણ ખોટું. આટલું લખી નાખ તો મોબાઈલ રમવા દઈશ આ વાત જ ખતરનાક છે. એક અનુભવ તેવો પણ છે કે માતા પિતા પોતાની અનુકૂળતા મુજબ બાળકનું ભણવાનું અને રમવાનું સમયપત્રક ગોઠવે છે, તો કેટલાંક માતા પિતા સોદો કરે છે. આટલું લખાઈ જાય તો જ જવા દઈશ અને જો નક્કી સમયમાં ન લખ્યું તો સાંજ પડી હોય, અન્ય બાળકો ફળિયામાં કે ગલીમાં રમતાં હોય તો પણ બાળકને રમવા જવા દેવામાં આવતું નથી. બાળક જ્યારે આપેલું કામ પૂરું કરે ત્યારે રાત પડી હોય તો પણ એને કહેવામાં આવે છે.હવે જાવ રમવા, આ અત્યાચાર છે. કેસ ના થાય તેવો નિર્દય અત્યાચાર અને આપણે જ આપણા બાળક પર કરેલો.માટે ખાસ વિનંતી કે બાળકોને સહજ રીતે ભણવા દો.

આખો દિવસ ઘરમાં ભણનાર અને ભણાવનાર વચ્ચે કુસ્તી ના ચાલવી જોઈએ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં જેટલી જવાબદારી સ્કૂલ કે શિક્ષકોની છે તેટલી જ જવાબદારી માતા પિતાની પણ છે. તેને પાઠ્યપુસ્તકના જ્ઞાન સાથે જ પોતાના જીવનઘડતરનાં તમામ પાસાંની કેળવણી મળવી જોઈએ. આપણી અધૂરી ઈચ્છાઓની પૂર્તિનો બોજો લઇને એમણે ફાવવાનું નથી. કૃષ્ણ ગમે તો કૃષ્ણનાં તોફાનો પણ ગમાડવાં પડે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top