SURAT

સુરતના સેઝની યુનિવર્સલ જેમ્સની ડ્યુટીચોરી મામલે હવે આયકર વિભાગ પણ સક્રિય

સુરત: (Surat) સચિનમાં સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં (Special Economic Zone) યુનિવર્સલ જેમ્સ કંપનીના રૂપિયા કરોડોના હીરાના મિસડેક્લેરેશન કેસમાં કૌભાંડીઓ વાયા હોંગકોંગ અમેરિકા માલ મોકલતા હતા. કસ્ટમ વિભાગને આશંકા છે કે મીત કાછડિયા માત્ર એજન્ટ છે. આ સમગ્ર કેસમાં 50થી વધુ હીરાના વેપારીઓના હીરા હોવાની આશંકા વિભાગને છે. અહીં હવાલાની સાથે આયકર ચોરી પણ હોવાથી ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) પણ સક્રિય બન્યું છે.

શનિવારે સુરત ડીઆરઆઈ અને કસ્ટમ વિભાગ દ્વારા સચિન સેઝની યુનિવર્સલ જેમ્સ કંપની પર દરોડા પાડી રૂ.60 કરોડની કિંમતના 50 હજાર કેરેટ ડાયમંડનાં બે કન્સાઈન્મેન્ટ ઝડપી લીધા હતા. કંપનીએ સસ્તી કિંમતના લેબગ્રોન ડાયમંડ ચોપડે બતાવ્યા હતા અને ખરેખર અસલી ડાયમંડ નિકાસ કરાઈ રહ્યા હતા. દરોડા પડ્યા ત્યારથી જ કંપનીનો ડિરેક્ટર મીત કાછડિયા ફરાર છે. તપાસ એજન્સીઓ દ્વારા મીતની પુણાગામ ખાતેની ઓફિસને સીલ કરવામાં આવી છે. આ તરફ 60 કરોડના હીરાનો જથ્થો સીઝ કરી લેવાયો છે.

યુનિવર્સલ જેમ્સ દ્વારા રફ હીરા આફ્રિકાથી મંગાવવામાં આવતા હતા. જે અહીંથી પોલિશ્ડ થઈ હોંગકોંગ નિકાસ કરાતા હતા. તપાસ સૂત્રોના મતે એક મોડસ ઓપરેન્ડી એવી છે કે, 5 કરોડનો માલ ચોપડે 5 લાખનો બતાવી હોંગકોંગ મોકલાતો હતો અને તે માલ હોંગકોંગથી 5 કરોડની કિંમતે અમેરિકા નિકાસ કરાતો હતો. ત્યાર બાદ હવાલા મારફતે રૂપિયા સુરતમાં ટ્રાન્સફર થતા હતા. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે, કરોડોના હીરાની માલિકી કોની છે? મીત કાછડિયા અને તેની કંપની કેરિયર હતી. હીરા મોકલવા બદલ તેમને કમિશન મળતું હતું. છેલ્લા થોડા મહિનામાં 25થી વધુ કન્સાઈન્મેન્ટ મોકલાયાં છે. આગામી દિવસોમાં કસ્ટમ ડિપાર્ટમેન્ટ આ કેસમાં મોટા ઉદ્યોગકારોની પણ પૂછપરછ કરે તેવી શક્યતા છે.

સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટી દ્વારા મલ્ટિપલ યૂઝ ફાયર ટેન્ડર અને બીજું ફોર્મ છંટકાવ કરતું ફાયર ટેન્ડર ખરીદવામાં આવ્યું

સુરત: વિસ્તારની દૃષ્ટિએ રાજ્યની બીજા ક્રમાંકની સચિન જીઆઈડીસીમાં આગની ઘટનાઓ પર ત્વરિત અંકુશ મેળાવવા નોટિફાઈડ ઓથોરિટીને સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટી દ્વારા આધુનિક ફાયર ટેન્ડર્સ વસાવવા માંગ કરવામાં આવી હતી. તેના પગલે જીઆઇડીસીના ફાયર બ્રિગેડના બેડામાં વધુ બે આધુનિક ફાયર ટેન્ડર જોડવામાં આવ્યાં છે. સચિન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અગ્રણી મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે, આજે 1.10 કરોડના ખર્ચે બે આધુનિક ફાયર ટેન્ડર જીઆઇડીસીને આપવામાં આવ્યાં છે. જીઆઇડીસીના ઉદ્યોગોની જરૂરિયાતને ધ્યાને રાખી એક મલ્ટિપલ યૂઝ ફાયર ટેન્ડર અને બીજું ફોર્મ છંટકાવ કરતું ફાયર ટેન્ડર ખરીદવામાં આવ્યું છે. જીઆઈડીસીમાં આ બે ફાયર ટેન્ડરના ઉમેરા સાથે કુલ ફાયર ટેન્ડર્સની સંખ્યા 5 થઈ છે. આગ તેમજ અન્ય કોઈ પણ અકસ્માતથી બચવા માટે નોટિફાઇડ એરિયા જીઆઇડીસી સચિન દ્વારા બે નવાં ફાયર વેહિકલનું મંગળવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં એક મલ્ટિપલ અને એક ફોમ ટેન્ડરનો સમાવેશ થાય છે. આવનારા સમયમાં આગ અને અકસ્માત સમયે આ નવા બે ફાયર વેહિકલ ફાયર વિભાગના ઉપયોગમાં આવશે. આકસ્મિક સંજોગોમાં સુરતની આસપાસના વિસ્તારોને પણ આગ અકસ્માત સમયે મદદરૂપ થવાશે.

Most Popular

To Top