SURAT

હજયાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ મળી રહે તે માટે સુરતમાં સ્પેશ્યિલ આયોજન

સુરત: હજયાત્રાએ જનારા યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એક જ સ્થળે વિવિધ પ્રકારના જરૂરી ટેસ્ટ અને ચકાસણીઓની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં સીબીસી (Complete Blood Count), આરબીએસ (Random Blood Sugar), બ્લડ પ્રેશર, અને ઇસીજી જેવી તપાસોનો સમાવેશ થાય છે.

  • હજયાત્રીઓને સરળતાથી ફિટનેસ સર્ટિ. ઉપલબ્ધ કરાવવા સિવિલ હોસ્પિટલ તંત્રનું વિશેષ આયોજન
  • હોસ્પિટલમાં એક જ સ્થળે તમામ પ્રકારના ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી
  • 19 ઓક્ટોબર સુધી કેમ્પ ચાલશે, પ્રથમ દિવસે 223 યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ કરાયા

હજયાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનો કેમ્પ 14 થી 19 ૧૯ ઓક્ટોબર સુધી યોજાશે. કેમ્પના પ્રથમ દિવસે 223 યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. સુરત જિલ્લાથી કુલ 1600 હજયાત્રીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને તમામ યાત્રીઓના સર્ટિફિકેટ સમયસર પૂરા કરવા માટે હોસ્પિટલે જુની સિવિલ હોસ્પિટલના ડોકટરો તથા મેડિકલ કોલેજના સ્ટાફની મદદ સાથે કામગીરી તીવ્ર ગતિએ શરૂ કરી છે.

સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. કેતન નાયકે વધુ માહિતી આપતા જણાવ્યું કે, “હજયાત્રીઓ સરળતાથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવી શકે તે માટે એક જ છત હેઠળ તમામ તપાસ પૂર્ણ થાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 19 ઓક્ટોબર સુધી તમામ યાત્રીઓના ચેકઅપ અને સર્ટિફિકેટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.”

નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલાએ જણાવ્યું કે, “સિવિલ તંત્ર દ્વારા એક જ સ્થળે તમામ પ્રકારની મેડિકલ તપાસ માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. ડોક્ટરો અને સ્ટાફનો પૂરતો સહકાર મળતા રિપોર્ટ અને ચેકઅપ ઝડપથી પુર્ણ થઈ રહ્યા છે, જે સરાહનીય છે.”

Most Popular

To Top