રાજસ્થાનમાં (Rajshthan) હાલ બે બેઠકો માટે પેટાચૂંટણી યોજાનાર છે. તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે મંગળવારે આવી જ એક રેલીમાં ચોંકાવનારી ઘટના બની હતી. મંગળવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત (CM Ashok Gehlot) પ્રચાર દરમિયાન મંચ પરથી ભાષણ આપી રહ્યાં હતાં ત્યારે એક નેતા મંચ પર જ ઢળી પડ્યા હતા. કાર્યક્રમના મંચનું સંચાલન કરનાર યુવા કોંગી નેતાને ભાષણ આપતી વખતે જ હાર્ટ એટેક (Heart Attack) આવી ગયો અને જાહેર મંચ પર જ તેનું મોત થયું હતું. યુવા નેતાના મોતથી દુ:ખી મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી છે.
રાજસ્થાનની ધારિયાવાડ વિધાનસભા સીટ માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠક પર યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી માટે સત્તાધારી કોંગ્રેસ દ્વારા લસાડિયામાં ચૂંટણી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અશોક ગેહલોત આ જાહેરસભાને સંબોધવાના હતા. આ રેલી દરમિયાન સ્ટેજનું સંચાલન કરવાની જવાબદારી મોહબ્બત સિંહ નિમ્બોલે (Mohabbat Sinh Nimbol) સંભાળી હતી.
મંચનું સંચાલન કરી રહેલા રાજસ્થાન યુથ કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા મોહબ્બત સિંહ નિમ્બોલ મુખ્યમંત્રી અશોક ગેહલોત કાર્યક્રમમાં પહોંચે તે પહેલા માઈક પર ભાષણ આપી રહ્યા હતા. સ્ટેજ પરથી બોલતા હતા ત્યારે યુથ કોંગ્રેસના નેતા મોહબ્બત સિંહને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા. મોહબ્બતસિંહને તાત્કાલિક લસાડિયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા.
મોહબ્બત સિંહની ગંભીર હાલતને જોતા લસાડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબોએ પ્રાથમિક સારવાર બાદ તેને ઉદયપુર રીફર કર્યો હતો. મોહબ્બત સિંહને ઉદયપુર લઈ જવામાં આવી રહ્યો હતો કે રસ્તામાં તેનું મોત થઈ ગયું.