ઓફિસમાં પટાવાળાને હુકમ કરી કહેવામાં આવે કે નાથિયા પાણી લાવજે, તો નાથુ કચવાતે મોંએ પાણીનો ગ્લાસ લાવી આપશે, પરંતુ પ્રેમથી એમ કહેવામાં આવે કે નાથાલાલ જરા પાણી આપશો કે? તો નાથુ હોંશે હોંશે દોડશે. ઇરાનથી આવેલી પારસી પ્રજાએ પોતાની મીઠી ભાષાની વિશેષ પ્રકારની લાક્ષણિકતા આજદિનપર્યન્ત જાળવી રાખેલી છે એ આપણા રાષ્ટ્ર માટે પણ ગૌરવ પ્રદાન કરાવનારી બાબત ગણાય. દુનિયામાં મીઠી જુબાનથી બોલબાલા જોવા સાંભળવા મળે છે. સત્યમ્ વદ પ્રિયમ્ વદ. જો કે સત્ય હંમેશા કડવું હોય છે. સંત કવિ કબીરજીના દોહા ખૂબ જાણીતા છે. મીઠી બાની બોલીએ, મન કા આપા (અભિમાન) ખોય, ઔરો કો શીતલ કરે, આપ હુ શીતલ હોય. લૂલીને બોલવામાં તેમજ સ્વાદ બાબતે કાબૂમાં રાખવી એ ખૂબ જ કઠીન કામ ગણાય છે. પરંતુ અશકય પણ નથી. સફળતાનો માર્ગ લાંબો હોય છે.
ચીખલી – રમેશ એમ. મોદી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
એક વો ભી દિવાલી થી
ઘર આંગણે દીવડાઓની હારમાળા, દરવાજે સુશોભિત તોરણ, પરસાળમાં આકર્ષક રંગોળી કૃતિઓ, અનન્ય ગૃહ શોભન વસ્તુઓથી શોભતું ઘર અને આકાશમાં રાત્રીએ, રંગીન આતશબાજીનો મનોરમ્ય નજારો એટલે દિવાળી પર્વની ઉજવણી. નૂતન વર્ષને વધાવવા સ્નેહમિલન સમારંભો, મિત્રો, સ્નેહીઓને આવકારતા સ્વાદિષ્ટ મીઠાઇ તથા ફરસાણની જાણે પંગત! બધું જ રેડીમેઇડ પરંતુ વર્ષો પૂર્વેની દિવાળીમાં ઘરમાં જ બનતા ગાંઠિયા, ચકરી, મઠિયાં, થાપડાં, ઘારી ઘૂઘરાની લિજ્જત અહાહા! શહેરના કોટ વિસ્તારમાં મોડી રાત સુધી રંગોળીની ભરમાર એકબીજાને મળવાનો અનેરો આનંદ આ સમયે પૈસા ઓછા હતા પણ પ્યાર-સ્નેહ લાગણીઓ અઢળક રહેતી, જે કદાચ આજના પ્રગતિશીલ યુગમાં તેની માત્રા ઘટતી જાય છે! અંતમાં એક વો ભી દિવાળી થી એક યે ભી દિવાલી હૈ ફિર ભી કુછ કમી લગતી હૈ! સૌ વાચક મિત્રોને હેપ્પી દિવાળી તથા સમગ્ર ‘ગુજરાતમિત્ર’ પરિવારને પણ.
સુરત- દીપક બંકુલાલ દલાલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.