Business

મારા મનની વાત

નિશા અને નેહલના લગ્ન નક્કી થયા, પ્રેમ લગ્ન હતા, વર્ષો જૂનો પ્રેમ હતો. શાળામાં સાથે ભણતા હતા… કોલેજમાં પ્રેમ થયો… ઓફિસમાં પણ સાથે કામ કરતા હતા… બસ એકબીજાને બહુ જ પ્રેમ કરતા અને બહુ જ સારી રીતે સમજતા હતા. લગ્નના થોડા દિવસ પહેલા નિશાએ નેહલને કહ્યું, ‘મારે તને મારા મનની વાત કહેવી છે.’ નેહલે કહ્યું, ‘અરે હું તને બરાબર ઓળખું છું હજી શું મનની વાત કહેવાની બાકી છે?? અને જો બાકી હોય તો હવે તો આપના લગ્ન થવાના છે રોજ કરતી રહેજે મનની વાત’ નિશાએ કહ્યું, ‘ના, મારે મારા મનની વાત તને કહેવી જ છે અને તે પણ આપણા લગ્ન પહેલા જ કહેવી છે.’ બંને જણ રાત્રે ડીનર માટે બહાર ગયા. નિશા બોલી, ‘નેહલ, હું તને પ્રેમ કરું છું તું મને પ્રેમ કરે છે. આપણા ઘરનાઓને આ સંબંધ પસંદ પણ છે, એટલે આપણે નસીબદાર છીએ પણ હવે લગ્ન પછી જીવન બદલાશે. આપણે બંને જુદા જુદા નહીં પણ હવે એક સાથે રહીશું.’

નેહલ હસ્યો અને બોલ્યો, ‘એ તો લગ્ન બાદ બધા એક સાથે જ રહે ને? એમાં નવું શું છે?’ નિશાએ કહ્યું, ‘નવું છે, આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ પણ એક ઘરમાં એક રૂમમાં રહ્યા નથી. હવે એક થઈને રહેશું અને એક ફેમિલીનો ભાગ હવે બનીશું એટલા માટે મારે તને કહેવું છે કે કોઈ મને ન ગમતી વાત હું ક્યારેક તને કહી ન શકું તો તું સમજી જશે અને જો તારા મનની વાત હું ક્યારેક સમજી ન શકું તો તું મને કહી દેજે.’ નેહલ બોલ્યો, ‘નિશા તું આ કેવી વાતો કરે છે?

એકબીજાને જાણીએ છીએ તો ક્યાં ન સમજવાની વાત આવે?’ નિશા બોલી, ‘નેહલ પ્રેમ કરવો સહેલો પણ તેને લાંબા સમય સુધી નિભાવવો અઘરો છે. પ્રેમ કરવો… પ્રેમ ભરી વાતો કરવી… રાતના ડિનર ડેટ પર જવું… મુવી નાઈટમાં જવું અને સવારથી રાત સુધી 24 કલાક સાથે રહેવું તેમાં પણ ફરક છે. હવે કદાચ મારી અમુક વાતો તને નહીં ગમે તે પણ જોવા મળશે. તારી આ અમુક વાતો મને નહીં ગમે તે પણ જોવા મળશે, પણ બસ મનની વાત મનમાં ન રાખતો. મને કહી દેજે હું સમજી ન શકું તો તું સમજાવી દેજે અને હું કહી ન શકું ત્યારે તું સમજી જજે.’ નિશાએ પ્રેમનો બહુ સરસ નિયમ સમજાવ્યો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top