વોશિંગ્ટન: એલન મસ્કની (Elon Musk) સ્પેસ-એક્સે (Space-X) ગુરુવારે એક વિશાળ રોકેટશીપ સ્ટારશીપ સુપર હેવી લોન્ચ કર્યું હતું. જો કે જ્યારે સ્ટારશીપ (Starship) સુપર હેવી જમીન પરથી ઉડયું તે ભ્રમણકક્ષામાં પહોંચવામાં નિષ્ફળ ગયું હતું અને લોન્ચ પેડથી ઉડાન ભર્યાની થોડીક મિનિટોમાં જ તેમાં વિસ્ફોટ થયો તો અને મેક્સિકોના અખાતમાં તૂટી પડયું હતું. એલન મસ્કની કંપનીનો ઉદ્દેશ્ય 400 ફીટના સ્ટારશીપ રોકેટને વિશ્વની પરીક્રમા (ટેક્સાસના દક્ષિણી છેડાથી) કરાવાનો હતો. તેમાં કોઈ માણસ અથવા ઉપગ્રહ ન હતા. ઉપર ઉડાન ભર્યાની થોડીક મિનિટોમાં અવકાશયાનથી બૂસ્ટરને અલગ થવાનું હતું પણ તેવું થયું ન હતું. રોકેટ ગોથા ખાવા લાગ્યું હતું અને ત્યારબાદ તેમાં વિસ્ફોટ થયો હતો.
- ઉડાન ભર્યાની થોડીક મિનિટોમાં રોકેટ ગોથા ખાવા લાગ્યું અને આકાશમાં જ ફાટી પડ્યું, મેક્સિકોના અખાતમાં તૂટી પડ્યું
- મસ્કની કંપનીને સમાનવ અવકાશયાત્રા કાર્યક્રમમાં ફટકો
અલગ થયા બાદ રોકેટશીપને પૂર્વ તરફ જવાનું હતું અને ધરતીની પરીક્રમા કરવાના પ્રયાસ કરવાના હતા અને ત્યારબાદ હવાઈ નજીક પ્રશાંત મહાસાગરમાં રોકેટ પડવાનું હતું. રોકેટને બોકા ચીકા બીચથી લોન્ચ કરવામાં આવ્યું હતું તેનાથી કેટલાંક કિલોમીટર દૂર આવેલા સાઉથ પાડરેમાં સેંકડો લોકો આ લોન્ચને જોવા ભેગા થયા હતા. રોકેટ ઉપરની તરફ ગયું ત્યારે લોકોએ ચિચિયારી પાડી અને ‘ગો બેબી ગો’ સૂત્રો બોલી ઉજવણી કરી હતી.
કંપનીની યોજના છે કે સ્ટારશીપનો ઉપયોગ લોકોને અને માલસામાનને ચંદ્ર પર અને ત્યારબાદ મંગળ પર મોકલવા માટે કરવામાં આવે. આ લોન્ચનો બીજો પ્રયાસ હતો. સોમવારના પ્રયાસને રદ કરવામાં આવ્યો હતો કારણ કે તેનો બૂસ્ટર વોલ્વ થીજી ગયો હતો. 394 ફીટ અને આશરે 17 મિલિયન પાઉન્ડ વજન સાથે સ્ટારશીપે નાસાના મૂન રોકેટને પાછળ મૂકી દીધા હતા. આ રોકેટ સ્ટેનલેસ સ્ટીલથી બનાવવામાં આવ્યું હતું. લોન્ચ નિષ્ફળ જવા પર સ્પેસએક્સની ટીમ નિરાશ થઈ હતી પણ ત્યારબાદ તેમણે તાળીઓથી આ અવસર માટે ખુશી જાહેર કરી હતી. એલન મસ્કે ટ્વીટ કરી કહ્યું હતું, ‘સ્પેસએક્સ ટીમને રોમાંચક ટેસ્ટીંગ માટે અભિનંદન, આવનારા થોડાક મહિનાઓ બાદ થનારા લોન્ચ માટે ઘણુ શીખવા મળ્યું.’