અમદાવાદ: ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર, (ઇન-સ્પેસ)માં ભારતના (India) અવકાશ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા છે. પ્રાઇવેટ (Private) સેકટર હવે સ્પેસ સેક્ટરમાં બિગ વિનરની (Big Winer) ભૂમિકા ભજવશે. ૨૧મી સદીના આધુનિક ભારતની વિકાસયાત્રામાં એક વધુ અધ્યાય ઈન-સ્પેસ હેડ ક્વાર્ટરના રૂપમાં ઉમેરાયો છે. ભારત આગામી દિવસોમાં સ્પેસ (Space) ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરશે. આવનારા સમયમાં માનવ સમુદાયના ઉજ્જવળ ભવિષ્ય માટે અવકાશ ક્ષેત્રની તાકાત મહત્વની પૂરવાર થશે, તેવું અમદાવાદના બોપલ ખાતે ઇન-સ્પેસ (IN-SPACe)નું ઉદઘાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. અમદાવાદના બોપલ ખાતે ઇન-સ્પેસ (IN-SPACe)ના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સ્પેસ સેન્ટરના વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રે ખુબ વધારે શક્યતાઓ રહેલી છે, આ શક્યતાઓ એટલી બધી વધારે છે કે, કદાચ આકાશ પણ નાનું પડશે. સામાન્ય માણસના જીવનમાં સ્પેસ ટેક્નોલોજી વણાઇ ગઇ છે. ટેલિવિઝન, જીપીએસ, અર્બન પ્લાનિંગ, ગ્રાઉન્ડ વોટર પ્રોજેક્ટ, ઇન્ફ્રા પ્રોજેક્ટ, કોસ્ટલ એરિયા પ્લાનિંગ ઉપરાંત વરસાદના પૂર્વાનુમાન, કુદરતી આપત્તિઓની આગોતરી જાણકારી સેટલાઇટની મદદથી મળી શકે છે એ દ્રષ્ટિએ સામાન્ય માનવી સાથે જોડાયેલા વિષયોમાં સ્પેસ ટેક્નોલોજીનો સિંહફાળો છે.
ઇન-સ્પેસ ઇઝ ફોર સ્પેસ’, ‘ઇન સ્પેસ ઇઝ ફોર પેસ’, ‘ઇન સ્પેસ ઇઝ ફોર એસ’નું સુત્ર આપતા તેમણે કહ્યું કે, આજે આપણે સૌ ‘વોચ ધી સ્પેસ’નું મહત્વ સમજી રહ્યા છીએ. આગામી સમયમાં સ્પેસ ટુરિઝમ અને સ્પેસ ડિપ્લોમસીમાં ભારત મહત્વની ભૂમિકા ભજવશે. વર્ષો સુધી ભારતમાં સ્પેસ સેક્ટર સાથે જોડાયેલી પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીને માત્ર વેન્ડર તરીકે જ જોવામાં આવી હતી. સરકાર જ તમામ પ્રોજેક્ટ પર કામ કરતી હતી. આપણા પ્રાઇવેટ સેક્ટરના લોકો પાસેથી જરૂરિયાત અનુસાર બસ થોડા પાર્ટ્સ અને ઇક્વિપમેન્ટ લઇ લેવાતા હતા. પ્રાઇવેટ સેક્ટરને માત્ર વેન્ડર બની શકવાના કારણે આગળ વધરવાના રસ્તાઓ અવરુદ્ધ રહ્યા. એક દીવાલ જ રહી હતી. જે સરકારી વ્યવસ્થામાં નથી પછી તે ગમે તેટલો ટેલેન્ડેટ હોય તે સ્પેસ સેક્ટરના પોતાના આઇડિયા પર કામ જ કરી શકતા નહોતા. આ તમામમાં નુકસાન તો દેશનું જ થઇ રહ્યું હતું. આ વાતના સાક્ષી છે કે આખરે આઇડિયા જ વિનર્સ બનાવે છે.
આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, આજે મોટા વિચારો જ વિજેતા બનાવે છે અને તેનું તાજુ ઉદાહરણ આજે આપણે સૌ જોઇ રહ્યા છીએ. સ્પેસ સેક્ટરમાં સુધારો કરીને તેને તમામ પ્રતિબંધોથી મુક્ત કરીને ઇન-સ્પેસના માધ્યમથી ખાનગી ઇન્ડસ્ટ્રીને સમર્થન આપીને દેશે આજે તેમને વિજેતા બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે.
યુવાનોને હાંકલ કરતા કહ્યું કે, આપણા દેશમાં સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે અનંત સંભાવનાઓ છે, પરંતુ મર્યાદિત પ્રયાસોથી એ સાકાર ન થઇ શકે ત્યારે દેશના યુવાનો સ્પેસ રિફોર્મ ક્ષેત્રે આગળ આવે, સરકાર તેમને પૂરો સહયોગ આપશે. કેન્દ્ર સરકાર ભારતના ખાનગી ક્ષેત્રમાં વધુમાં વધુ ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’નો માહોલ બનાવવાનો સતત પ્રયાસ કરી રહી છે. એટલું જ નહીં, અવકાશ ક્ષેત્રમાં સુધારાની આ પ્રક્રિયા અવિરતપણે ચાલુ રહેશે તેવી ખાતરી પણ આપી હતી. વિદ્યાર્થીઓને સ્પેસથી જોડાયેલી ભારતીય સંસ્થાઓ અને સેન્ટરોની મુલાકાત કરાવે અને તેમને આ વિશે માહિતગાર પણ કરવા જોઇએ.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોઈપણ પ્રાઇવેટ પ્લેયર ઇચ્છતા હોય તેઓ અહીં આવીને સ્પેસ ઓર્ગેનાઇઝેશનનાં તમામ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી શકશે. સ્પેસ ક્ષેત્રમાં આટલું મોડુ થયું તે આશ્ચર્યજનક છે પરંતુ હવે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટાઇઝેશન માટે કટિબદ્ધ છે. ડિફેન્સ ક્ષેત્ર પ્રાઇવેટ પ્લેયર્સ માટે ખોલી નાખવામાં આવ્યા બાદ હવે સ્પેસ ક્ષેત્રે પણ નવી સંભાવનાનો ખુલી રહી છે.