નવી દિલ્હી: પીળી ધાતુ સોનાની (Gold) કિંમત આસમાને પહોંચી છે. સોનું મધ્યવર્ગની પહોંચની બહાર નીકળી રહ્યું છે ત્યારે દેશના નાગરિકો સોનું સસ્તામાં ખરીદી શકે તે માટે ભારત સરકારે સોવરેન ગોલ્ડની સ્કીમ (Scheme of Sovereign Gold) રિ-લોન્ચ કરી છે. ભારત સરકાર દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં બે તબક્કામાં સોવરેન ગોલ્ડની સ્કીમ રજૂ કરવામાં આવી છે.
આ સ્કીમના પહેલાં તબક્કામાં ભારતીય નાગરિકો તા. 19 જૂનથી 23 જૂન દરમિયાન સોવરેન ગોલ્ડ ખરીદી શકશે. બજાર કિંમત કરતા સસ્તામાં મળતા આ સોનાની ખરીદી પર દર વર્ષે અઢી ટકાનું વ્યાજ પણ મળતું હોવાથી તે વધુ ફાયદાકારક છે. પહેલાં તબક્કામાં સોવરેન ગોલ્ડ પ્રતિ ગ્રામ 5926ની કિંમતે મળી રહ્યું છે.
શું છે સોવરેન ગોલ્ડ સ્કીમ?
આ ઉપરાંત સોવરેન ગોલ્ડ બોન્ડ સરકારી બોન્ડ છે. તેને ડીમેટ ફોર્મમાં કન્વર્ટ કરી શકાય છે. જો બોન્ડ પાંચ ગ્રામ સોનાનું હોય તો પાંચ ગ્રામ સોનાની કિંમત બોન્ડની કિંમત જેટલી જ હશે. આ બોન્ડ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જારી કરવામાં આવે છે. નિવેશ માટે સુરક્ષાની ગેરેંટી પણ સરકાર લે છે.
આ સ્કીમનો લોક ઈન પીરિયડ 5 વર્ષનો છે
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઈન્વેસ્ટ કરવાનો કાર્યકાળ આઠ વર્ષનો છે. જ્યારે લોક-ઇન પીરિયડ 5 વર્ષનો છે. આ બોન્ડ્સની પાકતી મુદત 8 વર્ષ છે. સોવરેન ગોલ્ડ બોન્ડ દ્વારા રોકાણકારો વર્ષમાં ઓછામાં ઓછું એક ગ્રામ અને વધારામાં વધારે 4 કિલો સોનામાં રોકાણ કરી શકે છે.
સોવરેન ગોલ્ડ અહીંથી ખરીદી શકાશે
રોકાણકારો આ ગોલ્ડ બોન્ડને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈંડિયા લિમિટેડ, પોસ્ટ ઓફિસ અને સ્ટોક એક્સચેન્જ, NSE અને BSE પાસેથી ખરીદી શકે છે. ગોલ્ડ બોન્ડનાં એક યુનિટની ખરીદી પર તેનું મૂલ્ય જે તે વ્યકિતના ડીમેટ ખાતામાંથી કાપી લેવામાં આવે છે.
ઓનલાઈન આવી રીતે ખરીદી કરી શકાશે બોન્ડ
1. બેંકના ઈન્ટરનેટ બેંકિંગ ખાતામાં લોગઈન કરો
2. ઈ સર્વિસ વિકલ્પ પસંદ કરી સોવરેન ગોલ્ડ બોન્ડ વિકલ્પ પસંદ કરો
3. RBIના તમામ નિયમો અને શરતો ધ્યાનથી વાંચવા
4. રજિસ્ટ્રેશન ફોર્મ ભરી સબમિટ કરવું
5. ત્યારપછી પરચેઝ ફોર્મમાં સબસ્ક્રીપશનની રકમ ભરી નોમિનીની ડિટેલ ભરવી
6. ડિટેલ ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરવું
ડિજિટલી ખરીદી કરનારને ડિસ્કાઉન્ટ મળશે
જે રોકાણકારો પેમેન્ટ માટે ઓનલાઈન એટલે કે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરશે તેમને 50 રૂપિયા પ્રતિગ્રામ વધારાની છૂટ એટલે કે ડિસ્કાઉન્ટ મળશે. ઓનલાઈન પેમેન્ટ કરનાર રોકાણકારોએ 5876 રૂપિયા પ્રતિગ્રામ ચૂકવવા પડશે. આ ઉપરાંત ઓફલાઈન પેમેન્ટ માટે રોકાણકારો કેશ, ડીડી,ચેકનો ઉપયોગ કરી શકશે.
એક વર્ષમાં કોણ કેટલી ખરીદી કરી શકે?
ભારતીય નાગરિકો ઉપરાંત આ બોન્ડ હિંદુ અવિભાજિત પરિવારો (HUF), ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓ ખરીદી શકે છે. વ્યક્તિગત રોકાણકારો એક વર્ષમાં વધુમાં વધુ 4 કિલો ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. આ સિવાય ટ્રસ્ટ અથવા સંસ્થાઓ વર્ષમાં વધુમાં વધુ 20 કિલોના બોન્ડ ખરીદી શકે છે.
સપ્ટેમ્બરમાં પણ ફરી સસ્તુ ગોલ્ડ ખરીદવાની તક મળશે
ભારત સરકારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન સોવરેન ગોલ્ડ બોન્ડ્સની સ્કીમને બે તબક્કામાં વહેંચી છે. પ્રથમ તબક્કામાં રોકાણકારો માટે તારીખ 19 જૂન 2023 થી 23 જૂન 2023 સુધી સબ્સ્ક્રિપ્શન માટે ઉપલબ્ધ રહેશે જ્યારે બીજો તબક્કો 11 સપ્ટેમ્બર 2023 થી 15 સપ્ટેમ્બર 2023 સુધી ખુલશે. સપ્ટેમ્બરમાં જ્યારે ફરીવાર આ સ્કીમની શરૂઆત થશે ત્યારે તે મુજબના બજાર ભાવ મુજબ RBI ઈશ્યુ કિંમત નક્કી કરશે.