Entertainment

સાઉથનો ’વિજય’ બોલિવુડ જીતી શકશે?

હમણાં રણબીર કપૂરની ‘શમશેરા’, આમીર ખાનની ‘લાલસિંઘ ચઢ્ઢા’ અને અક્ષયકુમારની ‘રક્ષાબંધન’ પણ નિષ્ફળ ગઇ. ટોપના સ્ટાર્સની ફિલ્મો નિષ્ફળ જાય ત્યારે ઇન્ડસ્ટ્રીમાં સન્નાટો છવાઇ જતો હોય છે. અચાનક બધા નિર્માતા, બધા દિગ્દર્શક, બધા પટકથાકાર, બધા સ્ટાર્સને પોતાની પર અવિશ્વાસ થવા માંડે છે. કોરોના પછીના સમયમાં જે ફિલ્મો ચાલી તે તો સાઉથની જ છે એટલે મુંબઇના ફિલ્મોદ્યોગવાળા ચિંતામાં તો છે જ. તમે જુઓ કે નવી ફિલ્મોના મુહુર્ત અટકી ગયા છે. જે ફિલ્મ પુરી થવા આવી છે તે પુરી કરો અને નવી શરૂ કરવા પહેલાં પુરતો વિચાર કરો. સંજય લીલા ભણશાલી જેવાની ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ ને પણ જોઇતો પ્રેક્ષક નથી મળ્યો. હવે કરવું શું? વિજય દેવરકોન્ડાની (એનાકોન્ડા નહીં વાંચશો) ‘લાઇગર’ આવી રહી છે.

આ ફિલ્મે બનતાં સમય લીધો એટલે વિજય દેવર કોન્ડા પર રાહ જોતો રહ્યો. હવે ‘લાઇગર’ રજૂ થશે. મુંબઇના ફિલ્મોદ્યોગવાળા અત્યારે સફળ ફિલ્મની તલાશમાં છે જેથી પ્રેક્ષકો થિયેટરમાં આવવાની ટેવ ભુલી ન જાય. ‘લાઇગર’ સફળ જાય તો હાશ થાય પણ તોય હિન્દીના ઘણા નિર્માતા અને સ્ટાર્સ ગુંચવણમાં છે. ફરી જો સાઉથની ફિલ્મ અને સ્ટાર્સ સફળ જશે તો લોકો હિન્દીના સ્ટાર્સ પર વિશ્વાસ કરવાનું મુકી દેશે? અક્ષયકુમાર હમણાં લાગલગાટ નિષ્ફળ જઇ રહ્યો છે. રણબીર, આમીરખાનની ફિલ્મો તો ચારેક વર્ષે આવી તો પણ નિષ્ફળ?

વિજય દેવર કોન્ડા તેલુગુ ફિલ્મોના અભિનેતા અને નિર્માતા છે. ૩૩ વર્ષનો એવો દેવરકોન્ડા અત્યારે સાઉથના અનેક સ્ટાર્સ દાઢી રાખે છે તેમ દાઢીમાં રહે છે. તેણે તેની ૧૧ વર્ષની કારકિર્દીમાં ‘અર્જૂન રેડ્ડી’ જેવી બ્લોક બસ્ટર્સ ફિલ્મ ઉપરાંત ‘મહાનતી’, ‘ટેકસીવાલા’, ‘ગીથા ગોવિંદમ’ જેવી જબરદસ્ત કમાણી કરેલી ફિલ્મો આપી છે. આમ તેનું નામ દેવરકોન્ડા વિજય સાઇ છે. તેના પિતા ટી.વી. સિરીયલ બનાવતા હતા. દેવરકોન્ડા ‘નૂબિલા’ ફિલ્મથી આવ્યો પણ ‘પેલ્લી છૂપૂલુ’ થી સકસેસ મળી. ‘અર્જૂન રેડ્ડી’ તો હિન્દીમાં રિમેકરૂપે પણ સફળ રહી.

તે રશ્મિકા મંદાના, માલવિકા મોહનન, રાશી ખન્ના, કેથરીન ટ્રેસા, ઇઝાબેલ લેટેનો હીરો રહી ચુકયો છે. ‘લાઇગર’ના નિર્માતા કરણ જોહર છે અને દિગ્દર્શક પૂરી જગન્નાથ છે જે હિન્દીમાં ‘શર્ત: ધ ચેલેંજ’, ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ જેવી ફિલ્મોનું પણ દિગ્દર્શન કરી ચૂકયો છે. ‘લાઇગર’ એક સ્પોર્ટસ એકશન ફિલ્મ છે અને અમેરિકન બોકસ માઇક ટાઇસન પણ એક ભૂમિકામાં છે. આ ફિલ્મ તેલુગુમાં પણ બની છે પરંતુ અનન્યા પાંડે, રોનિત રોય, મકરંદ દેશપાંડેને કારણે હિન્દી પણ લાગે એવી છે. તેલુગુ, હિન્દી ઉપરાંત તમિલ, કન્નડ, મલયાલમમાં બોકિસંગ આધારીત ફિલ્મો ઓછી છે.

ફિલ્મમાં રામ્યા ક્રિષ્ના તેના દિકરાને મહાન બોકસર બનાવવા માંગે છે. વિજય દેવરકોન્ડાએ આ ભૂમિકા માટે જબરદસ્ત મહેનત કરી છે. બોકિસંગની તાલીમ માટે તે થાઇલેન્ડ પણ ગયો હતો એટલે ફિલ્મ સારી તો બની હોવી જોઇએ. સાઉથના સ્ટાર્સ હિન્દી ફિલ્મોના સ્ટાર બનવા ઇચ્છતા નથી બલ્કે પોતાની ફિલ્મો હિન્દીમાં સફળ જાય એટલું જ ઇચ્છે છે. આમ છતાં હિન્દી ફિલ્મોનાં સ્ટાર્સ આ બધાથી ડરી રહ્યા છે એ પણ હકીકત છે. જો ‘લાઇગર’ સફળ જશે તો પ્રેક્ષકો ખુશ થશે અને કરણ જોહર પણ ખુશ થશે. આખી મુંબૈયા ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે કહી ન શકાય.  •

Most Popular

To Top