દક્ષિણ કોરિયા: દક્ષિણ કોરિયાની (South Korea) રાજધાની સિઓલના ઇટવાનમાં હેલોવીન ફેસ્ટિવલનું (Halloween Festival) આયોજન કરવામાં આવી રહ્યું હતું. ચારે તરફ ઉજવણીનો (Celebration) માહોલ હતો. ત્યારે એક કરૂણ અકસ્માત (Accident) સર્જાયો હતો. તહેવારની ઉજવણી માટે અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન લાખો લોકો એક સાંકડી ગલીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. જેના કારણે ધક્કામુક્કી શરૂ થઇ હતી. લોકો એકબીજા ઉપર પડવા લાગ્યા. આ અકસ્માતમાં લગભગ 151 લોકોના કચડાઈને મોત થયા હોવાના અહેવાલ છે.
જણાવવામાં આવી રહ્યું છે કે તેમાં મોટાભાગના યુવાનો અને પુખ્ત વયના લોકો છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ઇટાવાનમાં નાસભાગ બાદ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર આ પાર્ટીનું આયોજન દક્ષિણ કોરિયામાં 3 વર્ષ બાદ કરવામાં આવી રહ્યું હતું. કારણ કે કોવિડ સંક્રમણને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે, આ પાર્ટી પર પણ છેલ્લા ત્રણ વર્ષથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પાર્ટીમાં ભાગ લેનારા મોટાભાગના લોકોએ માસ્ક અને હેલોવીન કોસ્ચ્યુમ પહેર્યા હતા.
નજરેજોનારાઓએ જણાવ્યું કે જેમ જેમ સાંજ પડતી ગઈ તેમ તેમ ભીડ બેકાબૂ થવા લાગી. લોકોનો ઉત્સાહ ચરમસીમાએ હતો. દરેક જણ ઉજવણીના મૂડમાં હતા. આ ઘટના શનિવારે રાત્રે લગભગ 10:20 વાગ્યે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન એક સાથે 50 થી વધુ લોકોને હાર્ટ એટેક આવ્યો હતો.
સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં લગભગ 82 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 19 લોકોની હાલત અત્યંત ગંભીર છે. તેમની સારવાર કરવામાં આવી રહી છે. એમ પણ કહ્યું કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. તેમણે જણાવ્યું કે મૃતકોમાં મોટાભાગના યુવાનો છે. હેલોવીન ઉત્સવ દરમિયાન ઘણા લોકો એકબીજા પર પડ્યા હતા. મૃતકોમાં 19 વિદેશીઓનો પણ સમાવેશ થાય છે.
ભીડ સામાન્ય કરતા 10 ગણી વધારે હતી
21 વર્ષીય પ્રત્યક્ષદર્શી મૂન જૂ-યંગે જણાવ્યું કે લોકો એટલા બધા હતા કે પોલીસને ભીડને નિયંત્રિત કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. લોકો ત્યાંથી બહાર નીકળવા માટે રસ્તાઓનો સહારો લઈ રહ્યા હતા. પછી કેટલાક લોકો સાંકડી શેરી તરફ જવા લાગ્યા. અહીં હાજર ભીડ સામાન્ય કરતાં ઓછામાં ઓછી 10 ગણી વધારે હતી.
લોકો એકબીજા પર પડી રહ્યા છે
અકસ્માતના વીડિયો ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સાંકડી ઢાળવાળી ગલીમાં સેંકડો લોકો ફસાયેલા છે. તેઓ એકબીજાને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેથી ઘણા લોકો ફસાઈ જાય છે. અને કચડાઈ જાય છે. પોલીસે તેમને ત્યાંથી બહાર કાઢવાનો પણ પ્રયાસ કર્યો હતો.