રાજપીપળા: (Rajpipla) કોરોના સંક્રમણથી બચવા કોવિડ ગાઈડલાઈનના પાલનની સાથે સાથે લોકો વેક્સિન (Vaccine) મુકાવે એવો સરકાર આગ્રહ કરી રહી છે. નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આરોગ્યની ટીમ વેક્સિન મુકાવવા જાય ત્યારે લોકો રીતસર ઘરને તાળાં મારી ભાગી જતા હોવાનો ભાજપ સાંસદ મનસુખ વસાવાને અનુભવ થયો હતો. નર્મદા જિલ્લાના ગ્રામ્ય (Village) વિસ્તારના મોટે ભાગના લોકો કહે છે કે, કોરોનાવિરોધી રસી મૂકવાથી બીમાર પડાય છે, મૃત્યુ પણ થાય છે એટલે અમે વેક્સિન મુકાવતા નથી.
- કોરોનાવિરોધી રસી મૂકવાથી અમને બીમારી અને મોતનો ડર લાગે છે: નર્મદાના ગ્રામ્ય વિસ્તારના લોકોએ કબૂલ્યું
- શહેર કરતા જિલ્લાનાં ગામડાંમાં કોરોનાથી મૃત્યુનો આંક વધ્યો
- લોકો વેક્સિન મુકાવે એવો સરકાર આગ્રહ કરી રહી છે
ભાજપ સાંસદ મનસુખ વસાવા ભાજપ કાર્યકરોની ટીમ સાથે નર્મદા અને ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિન અને કોરોના ટેસ્ટ કરાવવા લોકોને સમજાવી રહ્યા છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, હું જ્યારે ગામડાના લોકોને પૂછું કે તમે વેક્સિન લીધી ત્યારે તેઓ એક જ જવાબ આપે છે કે વેક્સિન લેવાથી બીમાર પડાય છે. તેઓ એમ પણ કહી રહ્યા છે કે વેક્સિન વિશે લોકોમાં જાગૃતિની જરૂર છે. નર્મદાનાં અંતરિયાળ સાગબારા અને ડેડિયાપાડા તાલુકાનાં ગામડાંમાં અમે જાતે સમજાવવા ગયા હતા. પરંતુ લોકોમાં મૃત્યુનો ડર ઘર કરી ગયો છે. જેને કારણે વેક્સિન મૂકવા ગામડાંમાં આરોગ્યની ટીમ જાય છે ત્યારે લોકો ઘરે તાળાં મારી ભાગી જાય છે. એટલે જ આજે શહેર કરતા જિલ્લાનાં ગામડાંમાં કોરોનાથી મૃત્યુનો આંક વધ્યો છે. લોકો કોરોના ટેસ્ટ કરાવશે અને વેક્સિન લેશે તો જ દેશ કોરોનામુક્ત થશે.
ભરૂચમાં શાકભાજીના લારીવિક્રેતાઓની માસ્ક વગર ફરતાં કોરોના વકરવાનો ભય
અંકલેશ્વર: ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે. કોરોનાની ચેઇન તોડવા માટે તંત્ર દ્વારા અનેક નિયંત્રણો મૂકવામાં આવી રહ્યાં છે. શહેરમાં માત્ર આવશ્યક સેવાઓ સિવાયના તમામ વેપાર-ધંધા બંધ છે. તે વચ્ચે શાકભાજીના વિક્રેતાઓ અને ખરીદી કરવા આવતા લોકો હવે બેદરકારી દાખવી રહ્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.
ભરૂચના આલી કાછિયાવાડ વિસ્તારમાં શાકભાજી વેચાવા માટે આવેલ લારીધારક બિનધાસ્ત અંદાજમાં માસ્ક વગર ફરતો હોય અને તેની પાસે ખરીદી કરવા માટે આવેલી મહિલાઓ પણ જાણે કે શહેર કોરોનામુક્ત બન્યું હોય તે પ્રકારે માસ્ક વગર ખરીદી કરતા નજરે પડતાં જાગૃત નાગરિકે આખરે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં આ પ્રકારની બેદરકારી સામે અવાજ ઉઠાવ્યો છે. મહત્ત્વની બાબત એ છે કે, વધતા સંક્રમણની ચેઇનને તોડવા લોકોએ પણ હવે જાગૃતતા દર્શાવવી ખૂબ જરૂરી બની છે. શહેરની શેરીઓ અને મહોલ્લાઓ તેમજ સોસાયટીમાં આવતા લારીધારક તેમજ ફેરિયાઓને માસ્ક વગર પ્રવેશ ન આપવો જોઈએ તેમજ તેઓ પાસે માસ્ક ન હોય તો માસ્ક આપી તેને કોરોનાની ગાઇડલાઈન મુજબ પ્રવેશ આપવા જોઈએ તે જ સમયની માંગ છે. કારણ કે, ભૂતકાળમાં પણ સુપર સ્પ્રેડરના કિસ્સામાં અનેક શાકભાજી વિક્રેતાઓની ભૂમિકા સામે આવી ચૂકી છે. તેવામાં તમારા ઘરના સભ્યોને કોરોના જેવા વાયરસથી રક્ષણ માટે અને પરિવારના સભ્યોની સુરક્ષા માટે તંત્રની ગાઇડ લાઈનનું ચુસ્ત પાલન કરવું અને નિયમોને આધીન કોઈ પણ જગ્યાઓ અથવા આ પ્રકારે આવતા લારીધારકો પાસેથી ખરીદી કરવી તે જ સમયની પણ માંગ છે, અને કોરોનાની ચેઇનને અટકાવવામાં પણ સફળતા મળે તેમ છે.