Dakshin Gujarat

વલસાડ, નવસારી, ભરૂચ જિલ્લામાં વાલીઓના સંમતિપત્રક સાથે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા

વલસાડ, નવસારી, ભરૂચ: (Valsad navsari bharuch) રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા દોઢ વર્ષ બાદ ગુરુવારથી વલસાડ જિલ્લામાં પણ ધો.6થી 8ના ઓફ લાઈન વર્ગો કોરોના ગાઈડ લાઇનના પાલન સાથે 50 ટકા બાળકોની ઉપસ્થિતિ વચ્ચે શરૂ થઈ હતી. શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓમાં (School) બાળકોની સંખ્યા વધુ જોવા મળી હતી. આશરે દોઢ વર્ષ બાદ શાળાઓ શરૂ થતાં વલસાડ તાલુકા અને કપરાડા તાલુકામાં વહેલી સવારથી જ બાળકો શાળામાં પહોંચ્યા હતા. કપરાડા તાલુકાની નાનાપોંઢા પ્રાથમિક શાળા ખાતે શિક્ષકોએ (Teachers) થર્મલ ગન વડે બાળકોનું તાપમાન ચેક કરી, ફરજિયાત માસ્ક અને સેનિટાઈઝથી બાળકોને વેલકમ કરી ચોકલેટ વડે મો મીઠું કરાવી શિક્ષણની શરૂઆત કરાવી હતી. આચાર્ય જાગૃતિબેન પટેલે જણાવ્યું કે સરકારની એસ.ઓ.પી મુજબ 50 ટકા બાળકોને વાલીની સંમતિપત્ર સાથે શાળામાં બોલાવ્યા છે.

પારડી પ્રાથમિક કુમાર-કન્યા શાળા સરકારી સ્કૂલોમાં ધોરણ 6, 7 અને ૮ના વિદ્યાર્થીઓ ઉમળકાભેર સ્કૂલે આવ્યા હતા તેમજ પારડીની ડીસીઓ મિડલ સ્કૂલ, ઉમરસાડી ગામની શાળાઓમાં વાલીઓ સંમતિપત્રક સાથે પોતાના બાળકોને સ્કૂલ સુધી મુકવા આવ્યા હતા. કન્યા શાળાના આચાર્ય નવનીતભાઈ એ જણાવ્યું હતું કે કન્યા-કુમાર શાળામાં કુલ 350 વિદ્યાર્થીઓ આજે હાજર રહ્યા હતા. દરેક વિદ્યાર્થીનું ટેમ્પરેચર ચેક કરાયું હતું. ખેરગામ કુમાર શાળાના આચાર્ય પ્રશાંતભાઈ પટેલના જણાવ્યા મુજબ પાંચ મહિના પછી આજે સ્કૂલ ખુલતા પ્રથમ દિવસે એક-બેને બાદ કરતાં વિદ્યાર્થીઓની 50 ટકા સંપૂર્ણ હાજરી જોવા મળી હતી. ઘણા લાંબા સમયથી શાળામાં આવવાનો બાળકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

ડાંગની 123 ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓમાં ધો.6થી 8ના વર્ગોમાં અભ્યાસ શરૂ
ડાંગની 123 ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓમાં ધો.6થી 8ના વર્ગો વિધિવત રીતે ખુલતાં છેલ્લા દોઢ વર્ષથી ઘરમાં બેસી કંટાળેલા આદિવાસી વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળાએ ગયા હતા. ડાંગ જિલ્લામાં ધોરણ 6થી 8માં નોંધાયેલા કુલ 13595 વિદ્યાર્થીઓમાંથી પ્રથમ દિવસે 5597 બાળકોએ કોવિડનાં નિયમો સાથે પ્રવેશ મેળવી ઓફલાઈન શિક્ષણનો લાભ લીધો હતો. ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાં ઓનલાઈન શિક્ષણ નેટવર્ક સમસ્યાનાં પગલે સદંતર નિષ્ફળ ગયું હતું.

ભરૂચ, અંકલેશ્વર, વાલિયા સહિતના પંથકની શાળાના પ્રાંગણ ફરી ખીલી ઊઠ્યા

અંકલેશ્વર, વાલિયા: રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૬થી ૮ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેતા ભરૂચ જિલ્લામાં ગુરુવારથી સ્કૂલો શરૂ થઇ હતી. ધોરણ-૬થી ૮ ના વર્ગો ૫૦ ટકા વિદ્યાર્થીની હાજરી સાથે સ્કૂલો ધમધમી ઊઠી હતી. ત્યારે ભરૂચ, અંકલેશ્વર, વાલિયા સહિતના પંથકની શાળાના પ્રાંગણ ફરી ખીલી ઊઠ્યા હતા.

અંકલેશ્વરની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬, ૭ અને ૮ માં ૫૦ ટકા હાજરી સાથે શૈક્ષણિક સત્ર થયું હતું. ત્યારે શાળાના શિક્ષકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન સાથે અને વાલીઓની પરવાનગી બાદ વિદ્યાર્થીઓ શાળામાં ઓફલાઈન શિક્ષણ મેળવવાની શરૂઆત કરી હતી. શિક્ષકોએ સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓને થર્મલ ગન દ્વારા ચેક કરી સેનિટાઈઝર કરી વિદ્યાર્થીને માસ્ક સાથે ચોકલેટ આપી આવકાર્યા હતા, અને બેલ વાગતાની સાથે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસી પ્રત્યક્ષ અભ્યાસની શરૂઆત કરી હતી. વાલિયાની શ્રીરંગ નવચેતન વિઘામંદિરમાં ધોરણ–6, 7 અને 8માં 50 ટકા હાજરી સાથે શૈક્ષણિક સત્ર થયું હતું.

Most Popular

To Top