પારડી : દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. વલસાડ જિલ્લામાં કોરોનાએ હવે શાળા-કોલેજો (College) તરફ દોડ લગાવી છે, ત્યારે પારડીની કોલેજના પ્રાધ્યાપિકાને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. બીજી તરફ પારડી હાઈવેની એક પ્રાથમિક શાળાની (School) શિક્ષિકાને પણ કોરોના પોઝિટિવ આવતા પારડીમાં ચકચાર મચી ગઈ હતી. જેને લઇ પારડીની અનેક શાળાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
જો કે, પ્રાથમિક શાળાની શિક્ષિકા છેલ્લા પાંચ દિવસથી રજા પર હતા અને તેઓને શનિવારના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું શાળાના આચાર્યએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ હતી અને છેલ્લું એક પેપર પતાવીને વિદ્યાર્થીઓને રજા અપાઈ હતી. ક્લાસને બંધ કરવામાં આવ્યા છે. પારડી તાલુકાના આરોગ્ય વિભાગની ટીમ દ્રારા શિક્ષિકાના સંપર્કમાં આવેલા 10 શિક્ષિકા અને આચાર્યનો કોરોના રેપિડ ટેસ્ટ કરાતા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. શાળાના આચાર્યએ પાલિકાની ટીમને બોલાવી શાળાને સેનેટરાઇઝ કરવામાં આવી હતી.
વલસાડ આરોગ્યની ચિંતામાં વધારો, મંગળવારે 7 કેસ સામે આવ્યા
વલસાડ : વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. જેના પગલે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. મંગળવારે ચાલુ અઠવાડિયામાં એક દિવસમાં સૌથી વધુ 7 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં વલસાડમાં જુના કોસંબા રોડ 56 વર્ષીય મહિલા, કોસંબાનો 56 વર્ષીય પુરુષ, લવકુશ રાધા ક્રિષ્ના સોસાયટીની 37 વર્ષીય મહિલા, આર. એમ.પાર્કનો 47 વર્ષીય પુરુષ, મરલા પટેલ ફળીયાના 60 વર્ષીય વૃદ્ધ, મરલા પટેલ ફળીયાની 58 વર્ષીય મહિલા અને ઉાલુકામાં કુંભારવાડ મરોલીના 31 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.
સંઘપ્રદેશ દમણ અને દા.ન.હ.માં 7 કેસ નોંધાયા
દમણ, સેલવાસ : સંઘપ્રદેશ દમણમાં મંગળવારે વધુ 4 કેસ કોરોના પોઝિટિવનાં નોંધાયા છે. જેને લઈ પ્રદેશમાં હવે એક્ટીવ કોરોના પોઝિટિવની સંખ્યા 28 ઉપર પહોંચી છે. અત્યાર સુધીમાં 1410 દર્દી કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થવા પામ્યા છે. જ્યારે અગાઉ એક વ્યક્તિનું કોરોનાને લઈ મોત નિપજવા પામ્યું હતું. હજી સુધી પ્રદેશમાં કોઈપણ જગ્યાએ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો નથી. જ્યારે દાદરા નગર હવેલીમાં નવા ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. પ્રદેશમાં હાલ 29 સક્રિય કેસ છે.
નવસારી જિલ્લામાં કોરોનાના 3 કેસ
નવસારીમાં આજે 2 બહેનો સહિત જિલ્લામાં નવા 3 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેથી જિલ્લામાં કુલ 29 કોરોના એક્ટિવ કેસો સારવાર હેઠળ છે. જેમાં સૌથી વધુ 344 કેસ નવસારી શહેરમાં અને સૌથી ઓછા 61 કેસ ખેરગામ તાલુકામાં નોંધાયા છે. મંગળવારે જિલ્લામાં કોરોનાના કુલ નવા 3 કેસ નોંધાયા હતા. નવસારી શહેરમાં 2 અને ચીખલી તાલુકામાં એક કેસ નોંધાયો હતો. જેમાં નવસારીના શાંતિવન સોસાયટીમાં રહેતી બંને બહેનો તેમજ ચીખલી તાલુકામાં વંકાલ ગામે નારિયેળી મહોલ્લામાં રહેતા આધેડનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. એ સાથે જ જિલ્લામાં કોરોનાના સારવાર હેઠળના કેસ વધીને 29 થયા છે.