ગાંધીનગર(Gandhinagar): છેલ્લાં એક અઠવાડિયા કરતા વધુ સમયથી રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે, ત્યારે આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) વરસ્યો છે. જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
- આજે વહેલી સવારે છોટા ઉદેપુર, તાપી જિલ્લા અને સંઘપ્રદેશ દમણમાં કમોઠી માવઠું વરસ્યું
- વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી છાંટા પડતા ગરમીથી હેરાન લોકોએ રાહત અનુભવી
- કમોસમી વરસાદના લીધે ઉનાળું પાક પર નુકસાનનો ભય ઉભો થયો
આજે સવારથી તાપી (Tapi) જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. સોનગઢ (Songadh) તાલુકાના ગામોમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો છે. આ કમોસમી માવઠાંના લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદના છુટા છવાયા ઝાપટા પડ્યા હતા. આ ઉપરાંત છોટાઉદેપુરમાં (Chota Udaypur) પણ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી છાંટા પડ્યા છે. વરસાદના લીધે રસ્તાઓ ભીના થયા છે.
કમોસમી વરસાદને લીધે ઉનાળુ વાવેતર મગફળી, તલ, જુવાર સહિતનાં પાકોને નુકસાનનો ભય ઉભો થયો છે. ઘઉનો પાક તૈયાર થયો છે ત્યારે કાપણીના સમયે જ વરસાદી વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
દમણમાં પણ વરસાદ વરસ્યો, કેરીના પાકને નુકસાનની ભીતિ
તાપી જિલ્લા ઉપરાંત સંઘપ્રદેશ દમણ (Daman) અને દાદરા નગર હવેલીના (DadraNagarHaveli) પણ વાતાવરણમાં પણ અચાનક પલટો જોવા મળ્યો છે. સેલવાસના છેવાડાના વિસ્તારોમાં આજે સવારે કમોસમી વરસાદ પડ્યો છે. કિલવની, ઉમરકુઈ સીલી સહિત આસપાસના વિસ્તારમાં માવઠું પડ્યું છે. માવઠાંના લીધે કેરીના (Mango) પાકને નુકસાનનો ભય ઉભો થયો છે. વાપીમાં (Vapi) પણ હળવો વરસાદ વરસ્યો છે. જેના લીધે સવારે રસ્તા ભીના થયા છે.