બીલીમોરા: ગણદેવી મત વિસ્તારના ધારાસભ્ય (MLA) નરેશભાઇ પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયેલી વિવાદાસ્પદ પોસ્ટ ચકચાર મચાવી રહી છે. હેન્ડલરે તેના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ (Tweet on Twitter) કરીને ધારાસભ્યને પૂછેલા સવાલોની પોસ્ટ સાઉથ ગુજરાત સોશિયલ મીડિયાના પેજ ઉપર તેનો સ્ક્રીનશોટ લઈને વાયરલ કરાતાં ધારાસભ્ય પણ વિમાસણમાં મુકાઇ ગયા છે. વાયરલ થયેલી પોસ્ટમાં નરેશભાઈ પટેલને ઉદેશીને પૂછ્યું છે કે, જીવો છો કે દેવલોક પામી ગયા છો. ચૂંટણી (Election) પત્યા પછી તો તમે દેખાતા જ નથી. વાયરલ થયેલી આ પોસ્ટએ નવા વિવાદને જન્મ આપ્યો છે.
- ગણદેવીના ધારાસભ્ય વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી વિવાદાસ્પદ પોસ્ટથી ચકચાર
- હેન્ડલરે ટ્વિટર એકાઉન્ટ પર પૂછેલા સવાલની પોસ્ટ વાયરલ કરાતાં ધારાસભ્ય પણ વિમાસણમાં મુકાયા
બીલીમોરાના રહીશે તેના ટ્વિટર એકાઉન્ટમાં ધારાસભ્ય નરેશભાઇ પટેલ સામે અપમાનજનક પોસ્ટ મૂકી છે. તે પોસ્ટનો સ્ક્રીન શોટ લઈને સાઉથ ગુજરાત નામના સોશિયલ મીડિયાના ફેસબુક પેજ ઉપર વાયરલ થઈ હતી. જેમાં બીલીમોરાના રહીશે ટ્વિટર દ્વારા ગણદેવી મત વિસ્તારના ધારાસભ્ય નરેશભાઇ પટેલને પોતાની વ્યથા વ્યક્ત કરી છે તે માટે તમારું શું માનવું છે. તે વિશે પૂછી તેની પ્રતિક્રિયા માંગી હતી. વાયરલ થયેલી પોસ્ટમાં નરેશભાઈ પટેલને ઉદેશીને પૂછ્યું છે કે સહેજ, જીવો છો કે દેવલોક પામી ગયા છો. ચૂંટણી પત્યા પછી તો તમે દેખાતા જ નથી. કોરોના સમયમાં તમારા વિસ્તારના લોકોની ખબર પૂછવા પણ નથી દેખાયા. આવું જ રહેવાનું હોય તો ચૂંટણી વખતે મત માંગવા આવતા નહી. આ પોસ્ટ એટલી વાયરલ થઈ છે કે ખુદ ધારાસભ્ય પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે.
ટીમ સાથે મે જે કામગીરી કરી છે તેનું સર્ટિફિકેટ આવા લોકો પાસેથી લેવાનું નથી
આ અંગે ધારાસભ્ય નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે કોરોના કાળમાં જીવના જોખમે હું તથા મારી ટીમે જે કામગીરી કરી છે. તેનું સર્ટિફિકેટ આવા લોકો પાસેથી મારે થોડું લેવાનું હોય. મારું કામ જ બોલે છે અને આ સાઉથ ગુજરાતનું ગ્રુપ આ પહેલાં પણ બીલીમોરા માટે સાતથી આઠ વખત વાંધાજનક પોસ્ટ મુકી છે, આવી તેઓની ટેવ છે. જે ચલાવી લેવાય તેવી નથી.