Dakshin Gujarat

વલસાડ નવસારી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠું, અનેક જગ્યાએ હળવોથી ભારે વરસાદ વરસ્યો

ગુજરાત પર ફરી એકવાર કમોસમી વરસાદ અને તોફાનનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વિવિધ જગ્યાએ શનિવારે હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો. વલસાડ, નવસારી, સુરત, બિલીમોરા, દમણમાં વરસાદ તૂટી પડ્યો હતો. ઉમરગામમાં 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે ગુજરાત પર તોફાની વરસાદ વરસી શકે છે. ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે. ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે અત્યારે દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નન લગાવવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના તરફના પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

બીજી તરફ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. ભારે વરસાદને કારણે મોસમી પાકને નુકસાન થઈ રહ્યું છે. દમણ તથા આસપાસના વિસ્તારમાં બપોર બાદ આવ્યો વાતાવરણમાં પલટો આવ્યો હતો. દક્ષિણ ગુજરાતની સાથે સંઘપ્રદેશ દમણ તથા પાસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરતા 3 નંબર નું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. બીજી તરફ સોનગઢ-વ્યારામાં પણ બપોરે વરસાદી ઝાપટાં પડ્યાં હતા.

સુરતમાં અચાનક વરસાદ શરૂ થઈ જતા ડુમસ દરિયા કિનારે ફરવા ગયેલા સહેલાણીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. દરિયા કિનારે ખુલ્લામાં અચાનક ભારે વરસાદ શરૂ થઈ જતા સહેલાણીઓ ઝુંપડીઓ તરફ દોડ્યાં હતા. ડુમસના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

વલસાડમાં પણ અચાનક વરસાદી માહોલ છવાયો હતો. કાળા ડીબાંગ વાદળો વચ્ચે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા સામાન્ય જન જીવન અસ્ત વ્યસ્ત બન્યું હતું. ઉમરગામમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. વલસાડ દમણ ઉમરગામ વગેરે ફરવા ગયેલા સહેલાણીનો ભારે વરસાદને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી શહેરમાં પણ વરસાદ શરૂ થયો હતો. શિયાળાની શરૂઆતમાં થયેલા આ માવઠાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જેનાથી શહેરીજનોને રાહત મળી છે. જોકે વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને ડાંગરના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે વહેલી સવારે ભારે પવન સાથે ઊંજા અને મહેસાણામાં વરસાદ નોંધાયો હતો. બપોર બાદ વેરાવળ, ગીર સોમનાથમાં વરસાદ ખાબક્યો હતો.

પોરબંદર પોર્ટ પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદરના દરિયામાં સામાન્ય કરંટ જ જોવા મળી રહ્યો છે. ગુજરાતના કાંઠા વિસ્તારના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 35થી 40 કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી છે.

Most Popular

To Top