ખેરગામ: (Khergam) કોરોના કાળ બાદ મોંઘવારી વધુ બેકાબૂ બની છે. ધંધા-રોજગાર તો સાવ પડી જ ભાંગ્યા છે. આવા કપરા સંજોગોમાં મધ્યમ વર્ગના માણસોને તો બે ટંકના ભોજન (Food) માટે પણ વિચારવું પડે એવા દિવસો આવી ગયા છે. લીંબુ-મરચાંના ભાવનું ટેન્શન ઓછું થયું નથી, ત્યાં ફળના ભાવો પણ હવે વધવા માંડ્યા છે. ત્યારે ખેરગામ તાલુકામાં ઉનાળુ ફળ ગણાતી તાડફળી એટલે કે ગલેલીને પણ મોંઘવારીની નજર લાગી ગઈ છે. એક સમયે 10 રૂપિયામાં 4 નંગ વેચાતી ગલેલી (Galeli) હવે માંડ 1 નંગ મળી રહી છે. તો ઘણીવાર સાઈઝ પ્રમાણે પણ ગલેલીના ભાવ નક્કી થતા હોય છે. હાલ ખેરગામ-વલસાડ રોડ ઉપર સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી આવતી ગલેલીનું વેચાણ શરૂ થઇ ગયું છે. જો કે, પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને કારણે વાહતુક ખર્ચ અને તાડની સંખ્યા ઓછી થવાની સાથે તાડ પર ચઢનારાઓની સંખ્યામાં ઘટાડો થતાં આ સિઝનલ વ્યવસાયને પણ અસર થઇ છે. તાડના તફરામાંથી કુશળતાપૂર્વક ગલેલી કાઢનારાઓની સંખ્યા પણ ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. જેને કારણે ગલેલીનો ભાવ વધી રહ્યો છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં વેચાણ માટે જતી ગલેલીનો ભાવ વધુ હોય છે. ત્યારે હવે સામાન્ય માણસને પણ ગલેલી ખાવાનું પરવડે એમ નથી.
- ગલેલી હવે ઠંડક આપવાને બદલે દઝાડે છે, 10 રૂપિયાની એક
- ગયા વર્ષે 10 રૂપિયાની ચાર ગલેલી મળતી હતી
- લીંબુ-મરચાંએ રડાવ્યા, હવે ઉનાળામાં તરોતાજા રાખતી ગલેલીને પણ મોંઘવારી નડી
ગલેલી ખાવાથી થતા ફાયદા
ગરમીના સમયમાં આ ફળ રાહત આપે છે. સાથે જ શરીરમાં આપણને પાણીની ઉણપ થવા દેતું નથી. ગલેલીની તાસીર અને આકાર લીચીના ફળ માફક હોય છે. તાડફળીનાં ફળ આપણા શરીરને તરોતાજું રાખે છે અને તેને ઘણી બીમારીઓથી રાહત પહોંચાડવાનું કામ કરે છે. વળી, ગલેલીમાં વિટામીન બી, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ પણ હોય છે. તેમાં રહેલા પાણીનો સ્વાદ અદ્દલ નાળિયેરના પાણી જેવો જ લાગે છે. ગલેલી ખાવાના બીજા પણ અનેક ફાયદા છે. તે આપણા શરીરમાંથી ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે. પેટનો દુખાવો, એસિડીટી જેવી તકલીફોથી પણ છૂટકારો મળે છે. ગલેલીમાં હાઈ કેલેરી સાથે ભરપૂર મિનરલ્સ હોવાથી શરીરને ઊર્જા મળે છે.