સાપુતારા, નવસારી, ધનોરી નાકા (ગણદેવી) : દ.ગુ.માં વાતાવરણમાં (South Gujarat Atmosphere) ફરી પાછો પલટો આવ્યો છે. વહેલી સવારે ધુમ્મસ છવાતા અને બપોરે પ્રચંડ ગરમી પડતા તેમજ રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોમાં શરદી, ખાંસી, તાવનો વાવર ફેલાઈ રહ્યો છે. તથા કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત આહવા પંથકનાં તળેટીય વિસ્તારનાં ગામડાઓમાં શનિવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસીયા (Fog) વાતાવરણથી વિજિબિલિટી ઘટી જતાં વાહનોની લાઈટ ચાલુ રાખવી પડી જતી. અહીં પ્રકૃતિએ ધુમ્મસની ચાદર ઓઢી લેતાં વાતાવરણ મનમોહક બની જવા પામ્યું હતું.
રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં હાલમાં ઉનાળાની ઋતુમાં હિટવેવની શરૂઆત થઈ ચૂકી છે. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં બપોરનાં સમયે અસહ્ય કાળઝાળ ગરમી અને બફારો જનજીવનને ત્રસ્ત કરી રહ્યો છે. જિલ્લામાં દિવસભર ગરમીનાં ઉકળાટનાં પગલે જનજીવન ઘરમાં જ પુરાઈ રહેવાનું મુનસીબ માની રહ્યા છે .તેવામાં કુદરત પણ જાણે અહી માનવીને અમુક વખતે ચિત્રાત્મક દ્રશ્યો બતાવી અલિપ્ત થઈ જાય છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત આહવા પંથકનાં તળેટીય વિસ્તારમાં આવેલા ગામડાઓ તથા જંગલ વિસ્તારમાં શનિવારે વહેલી પરોઢિયે ગાઢ ધુમમ્સીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા અહીંનાં સમગ્ર દ્રશ્યો મનમોહક બની જવા પામ્યા હતા. તો બીજી તરફ નવસારીમાં મહત્તમ તાપમાન દોઢ ડિગ્રી વધ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન અડધો ડિગ્રી ગગડ્યું હતું.
નવસારી જિલ્લામાં શનિવારે મહત્તમ તાપમાન 1.4 ડિગ્રી વધતા 34.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે શનિવારે લઘુત્તમ તાપમાનમાં અડધો ડિગ્રીનો ઘટાડો નોંધાતા 20.5 ડિગ્રી નોંધાયું હતુ. જ્યારે શનિવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 99 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 62 ટકાએ રહ્યું હતું. શનિવારે દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી કલાકે 6.4 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ગરમીમાં રાહત રહી હતી. ગણદેવી તાલુકો સૌથી વધુ કેરી પકવતો વિસ્તાર છે. આ રીતે હવામાનમાં મોટા ફેરફારો અનુભવાઈ રહ્યા છે. વાતાવરણમાં વારંવારના પલટા ગણદેવી તાલુકાના કેરીના પાક માટે ઘાતક પુરવાર થશે તેવું ખેડૂતોનું માનવું છે.
ભરૂચ જિલ્લાના 11થી વધુ ગામોમાં કેરીના પાકને ધુમ્મસના કારણે નુકસાન
અંકલેશ્વર: ભરૂચ જિલ્લામાં 11થી વધારે ગામોમાં કેરીનો પાક લેવામાં આવે છે. પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ કેરીના પાકને ધુમ્મસના કારણે નુકસાન થયું છે. કેરીનો પાક ઓછો આવવાના કારણે કેરીના ભાવમાં વધારો થઇ શકે છે. અંકલેશ્વરના દીવા જૂના દીવા બોરભાઠા સહિત નદી કિનારેનાં 11થી વધુ ગામો ઉપરાંત અન્ય વિસ્તારોમાં ખેડૂતોની આંબાવાડીઓ આવેલી છે. છેલ્લાં ત્રણથી ચાર વર્ષથી કેરી પાકને ખાસ કરી શિયાળામાં વધી રહેલાં ધુમ્મસના કારણે નુકસાન પહોંચી રહ્યું છે. જિલ્લામાં કેરીની સિઝનમાં અંદાજિત 6થી 7 કરોડની કેરીનું ઉત્પાદન થાય છે. જે છેલ્લાં 3થી 4 વર્ષથી ઘટી રહ્યું છે. લંગડો, તોતાપુરી, બદામ, આફૂસ, દશેરી સહિત કેરીની વિવિધ કેરી જાતો વિદેશમાં પણ નિકાસ થાય છે.