Dakshin Gujarat

દમણ-દીવમાં ભાજપના કમળ પર અપક્ષનું બુલડોઝર ફરી વળ્યું

દમણ: (Daman) સંઘપ્રદેશ દમણ-દીવની લોકસભાની બેઠક પર 3 ટર્મ પછી ભાજપાના ઉમેદવારને (BJP Candidate) પછાળી એક અપક્ષ ઉમેદવારે જીત હાંસલ કરવામાં સફળતા મેળવી છે. છેલ્લા 3 ટર્મથી જીત મેળવતા ભાજપાના ઉમેદવાર લાલુભાઈ પટેલની સામે લડત આપી ચૂકેલા અપક્ષ ઉમેદવાર ઉમેશ બાબુભાઈ પટેલે આ વખતની ચૂંટણીમાં 6,225 મતોની લીડ સાથે જીત હાંસલ કરી દમણ દીવની બેઠક ભાજપા પાસેથી આંચકી લેવામાં સફળતા મેળવી છે.

  • 3 ટર્મથી જીતતા આવેલા ભાજપાના ઉમેદવાર લાલુ પટેલને અપક્ષ ઉમેદવારે હારનો સ્વાદ ચખાડ્યો
  • ઉમેશ બાબુભાઈ પટેલે ચૂંટણીમાં 6,225 મતની લીડ સાથે જીત હાંસલ કરી ભાજપ પાસેથી બેઠક આંચકી લીધી
  • દમણ-દીવના કુલ 92279 મતદારો પૈકી અપક્ષને સૌથી વધુ 42,523, ભાજપાના 36,298 અને કોંગ્રેસને ફક્ત 11,258 મત મળ્યા

લોકસભા 2024 ની ચૂંટણીમાં દમણ-દીવની બેઠક પરથી કુલ 7 ઉમેદવારોએ પોતાનું નામાંકન ભર્યું હતું. જેમાં ત્રણ ટર્મથી જીતતા આવેલા ભાજપાના ઉમેદવાર લાલુભાઈ પટેલ, 2 ટર્મથી હારનો સામનો કરી રહેલા કોંગ્રેસના ઉમેદવાર કેતન ડાહ્યાભાઈ પટેલ તથા અપક્ષથી બીજીવાર લડી રહેલા ઉમેદવાર ઉમેશ બાબુભાઈ પટેલની સાથે અન્ય 4 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. ત્યારે ચૂંટણી બાદ આજે 4 જૂનના રોજ મોટી દમણ ટેક્નિકલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ સેન્ટર ખાતે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારે 8 કલાકથી શરૂ થયેલી મતગણતરીની પ્રક્રિયામાં પ્રથમ બેલેટ પેપરથી અપાયેલા મતોની ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ દમણના 9 રાઉન્ડ અને દીવના 5 રાઉન્ડના ઈ.વી.એમ. થકી આપવામાં આવેલા મતોની ગણતરી હાથ ધરવામાં આવી હતી.

દમણ-દીવના કુલ 92279 મતદારો પૈકી અપક્ષ ઉમેદવાર ઉમેશ બાબુભાઈ પટેલને સૌથી વધુ 42,523 મત પ્રાપ્ત થવા પામ્યા હતા. જ્યારે ભાજપાના ઉમેદવાર લાલુભાઈ પટેલને 36,298 મત મળવા પામ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલને ફક્ત 11,258 મત મળ્યા હતા. જ્યારે અન્ય ઉમેદવાર નવસર્જન ભારત પાર્ટીના ઉમેદવાર સકીલ લતીફ ખાનને 323 મત, અપક્ષ ઉમેદવાર ઈન્દ્રીશ મુલ્લાને 247 મત તથા પટેલ ઉમેશ બાબુને 238 મત મળવા પામ્યા હતા. જ્યારે નોટામાં 799 મત પડ્યા હતા. જે રસાકસી ચાલી રહી હતી એ અપક્ષ ઉમેદવાર ઉમેશ બાબુભાઈ પટેલ અને ભાજપાના ઉમેદવાર લાલુભાઈ પટેલ વચ્ચે જ છેલ્લે સુધી ચાલી રહી હતી. જેમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે લાલુભાઈ પટેલને 6,225 મતોથી લીડ હાંસલ કરી જીત મેળવી ભાજપની એક બેઠકને આંચકી લેવામાં સફળતા મેળવી હતી.

આ હાર ફક્ત ભાજપની નહીં પણ પ્રશાસનની હાર છે : અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ
જીત હાંસલ કરવા બદલ અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે જીતનો શ્રેય દમણ-દીવની જનતાને આપ્યો હતો અને જણાવ્યું હતું કે, જે પ્રમાણે દમણ-દીવમાં તાનાશાહી ચાલી રહી હતી એનાથી જનતા આક્રોશિત થઈ ઉઠી હતી. 15 વર્ષથી ભાજપાની સરકાર હતી અને જ્યારથી પ્રદેશના નવા પ્રશાસક આવ્યા ત્યાર પછી જે લોકોને તકલીફ અને મુસીબતોનો સામનો કરવો પડ્યો એનાથી લોકો આક્રોશિત થઈ ઉઠ્યા હતા અને આજે લોકોએ તેમના મત થકી તેમનો જનાદેશ સંભળાવી દેતા આ હાર ફક્ત ભાજપાના લાલુભાઈ પટેલની નહીં પણ પ્રશાસનની પણ હાર સાબિત થઈ છે. દમણ-દીવમાં સ્થાનિક પ્રશ્નો અને તેની સમસ્યાને વાચા ન આપતા આજે ભાજપાએ હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આગામી સમયમાં દમણ-દીવમાં વિકાસના કામોની સાથે પહેલા લોકશાહીની સ્થાપના કરવાનો ઉદ્દેશ પ્રથમ રહેશે એવું વિજેતા ઉમેદવારે જણાવ્યું હતું. ત્યારે આજે ઉમેશ પટેલના સમર્થકો અને પરિવારના સભ્યો દ્વારા જીત હાંસલ કરવા બદલ રેલી આયોજિત કરી જીતના જશનને મનાવવામાં આવ્યો હતો.

Most Popular

To Top