દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શિવ મંદિરોમાં વહેલી સવારથી શિવભક્તો દ્વારા હર હર મહાદેવના જય ઘોષ સાથે પૂજા-અર્ચના માટે સોશિયલ ડિસ્ટન્સ સાથે ઊમટી પડ્યા હતા. મહાશિવરાત્રિ (Maha Shivratri) પર્વની ભરૂચ જિલ્લાના જંબુસર, નેત્રંગ, વાલિયા, માંગરોળના વાંકલમાં આસ્થાભેર ઉજવણી કરાઈ હતી. ભક્તોએ મહાદેવને દૂધ, જળ, બિલ્વપત્ર અને કાળાં તલ અર્પણ કર્યાં હતાં. તો સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ઘણી જગ્યાએ ભોળા શંભુને ઘીનાં કમળ પણ અર્પણ કરાયાં હતાં. સાથે ભાંગની પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
જંબુસરના સ્તંભેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિનો ભાતીગળ મેળો મોકૂફ
નેત્રંગમાં મહાશિવરાત્રિ પર્વની શ્રધ્ધાભેર ભક્તિમય માહોલમાં ઉજવણી
ભરૂચ, નેત્રંગ, વાલિયા, અંકલેશ્વર, ઝઘડિયા: ભરૂચ શહેર અને જિલ્લામાં ગુરુવારે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરાઈ હતી. ભરૂચ-અંકલેશ્વરમાં આવેલાં વિવિધ શિવાલયોમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરે શિવજી પર જળાભિષેકની વિશેષ વ્યવવસ્થા કરાઈ હતી. જંબુસર તાલુકાના કાવી-કંબોઇ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષે મહાશિવરાત્રિનો ભાતીગઢ મેળો ભરાયા છે. જ્યાં દેશ-વિદેશીમાંથી શિવભક્તો ઊમટી પડે છે.
નેત્રંગ ગાંધી બજારના અમરેશ્વ મહાદેવ મંદિર, જીન બજાર ખાતે આવેલા કનકેશ્વર મહાદેવ મંદિર અને નેત્રંગ-રાજપારડી રોડ પર બ્રિજની બાજુમાં આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિરે ભાવિક ભક્તો પૂજા-અર્ચના માટે મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. જેસપોર, કડિયા ડુંગર, ચાસવડ, વિજયનગર વગેરે ગામોમાં આવેલાં મહાદેવ મંદિરોમાં પણ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરાઈ હતી.
વાલિયામાં જીવને શિવ સાથે મિલનના પર્વ મહાશિવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. વાલિયામાં આવેલા ભક્તિધામ, ઓમકારેશ્વર મહાદેવ તેમજ તુણા ગામે ઓમકારેશ્વર મહાદેવ સહિતનાં વિવિધ શિવાલયોમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. જો કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ મંદિરમાં સેનેટાઇઝર,માસ્કની વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સ દ્વારા ભક્તોએ ભોલેનાથનાં દર્શન કર્યાં હતાં.
અંકલેશ્વરમાં અંતરનાથ મહાદેવની પાલખી યાત્રા કોરોના મહામારીના કારણે રદ કરવામાં આવી હતી. શહેરનાં શિવાલયો રોશનીથી ઝગમગી ઊઠ્યાં હતાં. મોડી રાત્રે ઘીનાં કમળનાં દર્શન ભકતો માટે ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં. અને શિવજીના પ્રસાદ ભાંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના શીયાલી ગામે જ્ઞાનયોગ આશ્રમમાં બરફના શિવલિંગ બરફાનીબાબાના દર્શન કરવા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા.
બારડોલીમાં કોરોના મહામારીને પગલે શિવાલયોમાં કાર્યક્રમો અને મહાપ્રસાદી રદ
કામરેજના ગલતેશ્વર અને ઓલપાડના સિધ્ધનાથ મહાદેવ મંદિરે ભાવિક ભક્તોની ભીડ
બારડોલી, કામરેજ, ટકારમા, વાંકલ: બારડોલી તાલુકામાં આવેલ કેદારેશ્વર મંદિર ખાતે આ નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરાયું હતું.મીંઢોળા નદીના તટે આવેલ કેદારેશ્વર મહાદેવમાં વહેલી સવારથી ભાવિક ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. મંદિર પટાંગણમાં જાણે મેળા જેવો માહોલ સર્જાયો હતો. મંદિરમાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો. કોરોના મહામારીને પગલે તમામ મંદિરોમાં મોટા કાર્યક્રમો તેમજ મહાપ્રસાદીનું આયોજન રદ કરી દેવામાં આવ્યું હતું. કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મેળો રદ્દ કરી માત્ર દર્શન માટે જ મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જલારામ મંદિરમાં અને ગોવિંદાશ્રમ ટ્રસ્ટ સંચાલિત અંબિકાનિકેતન મંદિરમાં કલાકે મહાશિવરાત્રિ પૂજન આ ઉપરાંત વાઘેચા ખાતે તાપી નદીના કિનારે આવેલ વાઘેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. ભક્તોએ શિવલિંગ પર દૂધ, જળ, શેરડીના રસ અને બિલ્વપત્રનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત બારડોલી નગરના જાગનાથ મહાદેવ મંદિર, રામેશ્વર મહાદેવ, મોતા ખાતે આવેલ વિવિધ મહાદેવના મંદિરો, સરભોણમાં મોરેશ્વર અને રામેશ્વર મહાદેવ મંદિર સહિત ગામડાઓમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી. મંદિરોમાં મોડીરાત્રે શિવલિંગ ઘીના કમળથી સજાવવામાં આવ્યા હતા. બારડોલી તાલુકાના મઢી ખાતે આવેલ હરિબાવા મંદિરમાં પણ પૂજા અર્ચના અને ધજા ચઢવવામાં આવી હતી. કોરોના મહામારીને કારણે તમામ મંદિરોએ કાર્યક્રમો રદ કરી દઈ માત્ર દર્શન માટે જ મંદિરો ખુલ્લા રાખ્યા હતા.
કામરેજ તાલુકાના તાપી નદીના કિનારે આવેલાં ત્રણ પૌરાણિક મહાદેવ મંદિરોમાં મહાશિવરાત્રિ પર્વની આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભૈરવ ગામે આવેલા કાલ ભૈરવ, ડુંગરા જીઓર ખાતે આવેલા ભીમનાથ મહાદેવ તેમજ ટીમ્બા ગામે આવેલા ગલતેશ્વર મહાદેવ મંદિરે ભાવિક ભક્તોની સવારથી ભારે ભીડ જોવા મળી હતી. ઠેર ઠેર ભાંગના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઓલપાડના સરસ ખાતે આવેલા ઐતિહાસક એવા સિધ્ધનાથ મહાદેવ મંદિરે શિવભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક બન્યું છે. શિવરાત્રિના દિવસે સવારથી જ ઓલપાડ તાલુકામાંથી ભક્તોએ કોવિડ-19ની ગાઈડ લાઇન અનુસરી ભક્તોએ શિવલિંગનાં દર્શન કર્યાં હતાં. અને હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદથી મંદિર ગૂંજી ઊઠ્યું હતું.
માંગરોળના વાંકલ, વેરાકુઈ, માંડળ ગામે શિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પાનેશ્વર મહાદેવ અને ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં રાજા રજવાડા દર્શન કરવા માટે આવતા હતા એવી લોકમુખે ચર્ચાય છે. વાંકલ ભૂખી નદીના કિનારે આવેલા અતિપૌરાણિક પાનેશ્વર મહાદેવ મંદિર, અંબાજી માતાજીના પટાંગણમાં આવેલા રામેશ્વર મહાદેવ, ગુપ્તેશ્વર અતિ પૌરાણિક મંદિર આવેલું છે. માંડળ ગામે સાંજે 6 કલાકે આરતી, ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વેરાકુઈ ખાતે આવેલા શુક્લેશ્વર મહાદેવ મંદિરે સવારે મહાઆરતી અને મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
દેગામાના 1200 વર્ષ જૂના ખંડેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું
તાપી જિલ્લામાં ભક્તોએ હરહર મહાદેવ, ઓમ નમઃ શિવાયના નાદ સાથે શિવની આરાધના કરી
વ્યારા: તાપી જિલ્લામાં ભગવાન શિવના મહાપર્વ એવા મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વ્યારાના હરિહરેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, કેદારેશ્વર મહાદેવ મંદિર, સોનગઢના પૌરાણિક એવા ગૌમુખ મંદિરે સવારથી પૂજા-અર્ચના કરવા ભાવિક ભક્તો પહોંચી ગયા હતા. ડોલવણ તાલુકામાં આવેલા બાલપુર ગામે સાક્ષાત દેવોના દેવ મહાદેવ કર્દમેશ્વર મહાદેવના મંદિરે શિવલિંગ સ્વયંભૂ તથા ત્રેતાયુગથી હોવાનુ મનાય છે. કર્દમેશ્વર મહાદેવના દર્શન માત્રથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે, તેવી ભક્તોની માન્યતા હોવાથી મહાશિવરાત્રીના દિવસે લોકો મોટી સંખ્યામાં અહીં દર્શન માટે ઊમટી પડતા હોવાથી આ વર્ષે પણ ભક્તોની ભીડ જામી હતી.
માયપુરના મનકામેશ્વર મહાદેવ સહિત વિવિધ શિવાલયોમાં ભકતો ઊમટી પડ્યા હતા. વાલોડ તાલુકાના દેગામા ગામે આવેલા ખંડેશ્વર મહાદેવનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનતાં ભકતોની લાંબી કતાર જોવા મળી હતી. દેગામા ગામે કોંકણવાડ ફળિયા નજીક આવેલું મિંઢોળા નદીના નયનરમ્ય તટ પર આવેલ મહાદેવનું મંદિર કહેવાય છે કે બારસો વર્ષ જૂનું હોવાનું મનાય છે. શિવલિંગ મૂર્તિ ખંડિત હોય ‘ખંડેશ્વર મહાદેવ’ તરીકે પ્રચલિત આ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. ઉચ્છલના ધારેશ્વર મહાદેવ મંદિરમાં પણ ભક્તોની ભીડ જામી હતી.