ગુવાહાટી ટેસ્ટના ચોથા દિવસે સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ ભારતીય બોલરોને બરોબર પરસેવો પડાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ બીજી ઈનિંગમાં 4 વિકેટ ગુમાવી 260 રન બનાવી ભારત પર 548ની લીડ મેળવી હતી. સ્ટબ્સ (94) પર આઉટ થતા દક્ષિણ આફ્રિકન કેપ્ટન ટેમ્બા બાવુમાએ ઈનિંગ ડિકલેર કરી 549નો વિશાળ ટાર્ગેટ ભારતને સોંપ્યો હતો. ચોથા દિવસના અંતે ભારતનો સ્કોર 27/2 હતો.
જોકે, બીજી ઈનિંગમાં પણ ભારતની શરૂઆત સારી રહી નહોતી. યશસ્વી જ્યસ્વાલ (13) અને કે.એલ. રાહુલ (6) એમ બંને ઓપનર્સની વિકેટ ભારતે 21ના સ્કોર પર ગુમાવી દીધી હતી. દિવસના અંતે સાઈ સુદર્શન (2) અને નાઈટ વોચમેન કુલદીપ યાદવ (4) રમતમાં હતાં. હજુ ભારત ટાર્ગેટથી 522 રન દૂર છે.
આવતીકાલે તા. 26 નવેમ્બરને બુધવારે ગુવાહાટી ટેસ્ટના પાંચમા અને છેલ્લા દિવસે ભારતે જીત માટે 523 રનની જરૂર છે. જે અશક્ય છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ક્યારેય કોઈ ટીમ આટલો વિશાળ સ્કોર ચેઝ કરી શકી નથી. ત્રણ ચાર કિસ્સામાં 400 પ્લસનો ટાર્ગેટ ચેઝ થયો છે, પરંતુ 500 ક્યારેય નહીં. એક દિવસમાં 500 રન બનાવવા પણ અશક્ય છે, તે જોતાં ભારતીય બેટ્સમેનોએ ટેસ્ટ મેચ, ટેસ્ટ સિરીઝ અને પ્રતિષ્ઠા બચાવવા માટે મેચને ડ્રો કરવાના પ્રયાસ કરવા પડશે. જે પણ મુશ્કેલ લાગે છે.
ગુવાહાટી મેચમાં દક્ષિણ આફ્રિકા ટીમનું પાંચેય દિવસ પ્રભુત્વ રહ્યું છે. પહેલી ઈનિંગમાં સાઉથ આફ્રિકાએ 489 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો જેની સામે ભારતીય ટીમ હોમ ગ્રાઉન્ડ પર 201માં ઓલઆઉટ થઈ ગઈ હતી. 288 રનથી પાછળ રહેલી ભારતીય ટીમને ફોલોઅન આપવાના બદલે સાઉથ આફ્રિકાએ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને બીજી ઈનિંગમાં સાઉથ આફ્રિકાએ 260 રન બનાવ્યા હતા, જેમાં સૌથી વધુ સ્ટબ્સે 94 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં જાડેજાએ 4 વિકેટ ખેરવી હતી.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં હાઈએસ્ટ રન ચેઝ કેટલો?
ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ચોથી ઇનિંગ્સમાં સૌથી વધુ સફળ ચેઝ 418 રન છે. જોકે, એશિયામાં કોઈપણ ટીમે ક્યારેય 400 થી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો નથી. એશિયાઈ ખંડમાં સૌથી વધુ સફળ પીછો વેસ્ટ ઈન્ડિઝે 2021માં ચિત્તાગોંગમાં બાંગ્લાદેશ સામે 395 રનનો કર્યો હતો. ભારતમાં ચોથી ઇનિંગ્સમાં સૌથી વધુ સફળ પીછો 2008માં ચેન્નાઈ ટેસ્ટમાં થયો હતો, જ્યારે યજમાન ટીમે ઈંગ્લેન્ડ સામે 387 રનનો પીછો કરીને જીત મેળવી હતી.
ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં હાંસલ કરાયેલો સૌથી વધુ ટાર્ગેટ
418 – વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, 2003
414 – દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, 2008
404 – ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 1948
403 – ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, 1976
395 – વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બાંગ્લાદેશ, 2021