નવી દિલ્હી: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં સુપર 8 મેચો રમાઈ રહી છે. આજે તા. 24 જૂન સોમવારના રોજ નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ DLS નિયમ હેઠળ 3 વિકેટે જીત મેળવી હતી.
મેચમાં DLS નિયમો હેઠળ દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 17 ઓવરમાં 123 રન બનાવવાના હતા, જે ટાર્ગેટ તેણે પાંચ બોલ બાકી રહેતા હાંસલ કર્યો હતો. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ઈંગ્લેન્ડ પહેલા જ સેમીફાઈનલમાં પહોંચી ગયું છે. દક્ષિણ આફ્રિકા 6 પોઈન્ટ સાથે ગ્રુપ-2માં ટોચ પર છે. જ્યારે ઈંગ્લિશ ટીમ 4 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહી હતી.
આ મેચ દરમિયાન જ્યારે દક્ષિણ આફ્રિકાની ઇનિંગમાં બે ઓવર રમાઈ હતી ત્યારે વરસાદ પડ્યો હતો. તે સમયે આફ્રિકન ટીમનો સ્કોર બે વિકેટે 15 રન હતો અને તે મુશ્કેલીમાં જોવા મળી હતી. પરંતુ જ્યારે વરસાદ બંધ થયા બાદ રમત શરૂ થઈ ત્યારે મેચ ટૂંકી કરવામાં આવી અને આફ્રિકાને ડીએલએસ નિયમ હેઠળ નવો ટાર્ગેટ મળ્યો હતો. દક્ષિણ આફ્રિકા માટે ટ્રિસ્ટન સ્ટબ્સે 27 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 29 રન બનાવ્યા હતા. જ્યારે હેનરિક ક્લાસને 22 રનની ઇનિંગ રમી હતી.
દક્ષિણ આફ્રિકાને જીતવા માટે છેલ્લી ઓવરમાં પાંચ રન બનાવવાના હતા. ઓબેડ મેકકોયની તે ઓવરમાં માર્કો જેન્સને પ્રથમ બોલ પર સિક્સર ફટકારીને દક્ષિણ આફ્રિકાની ટીમને જીત અપાવી હતી. જેન્સને અણનમ 21 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોસ્ટન ચેઝે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. અને આન્દ્રે રસેલ અને અલઝારી જોસેફે બે-બે વિકેટ લીધી હતી.
આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં આઠ વિકેટે 135 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે નિકોલસ પૂરને 42 બોલમાં 52 રનની શાનદાર ઈનિંગ રમી જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે ઓપનર બેટ્સમેન કાયલ મેયર્સે 34 બોલમાં 3 ફોર અને 2 સિક્સરની મદદથી 35 રન બનાવ્યા હતા.
આન્દ્રે રસેલ (15) અને અલ્ઝારી જોસેફ (11*) પણ ડબલ ફિગર સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. આફ્રિકા તરફથી ચાઈનામેન બોલર તબરેઝ શમ્સીએ 27 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે કેશવ મહારાજ, માર્કો જાનસેન, કાગીસો રબાડા અને એડન માર્કરામે એક-એક વિકેટ લીધી હતી.