દક્ષિણ આફ્રિકાની ટીમ 14 નવેમ્બરથી ઘરઆંગણે ભારત સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઈજાને કારણે પાકિસ્તાન પ્રવાસ ગુમાવ્યા બાદ કેપ્ટન ટેમ્બા બાવુમા ટીમમાં પરત ફર્યા છે.
દક્ષિણ આફ્રિકાની 15 સભ્યોની ટીમમાં ત્રણ સ્પિનરોનો સમાવેશ કરાયો છે. સેનુરન મુથુસામી, કેશવ મહારાજ અને સિમોન હાર્મર. ત્રણેય બેટથી પણ સારું યોગદાન આપવા સક્ષમ છે. આ દક્ષિણ આફ્રિકા માટે સકારાત્મક સંકેત છે. ટીમમાં કાગીસો રબાડા, માર્કો જેન્સન, વિઆન મિલ્ડર અને કોર્બિન બોશ જેવા ઝડપી બોલરો પણ છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 14 નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. ત્યારબાદ બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ 22 ઓક્ટોબરથી ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમ ખાતે રમાશે. ટેસ્ટ શ્રેણી બાદ બંને ટીમો ત્રણ વનડે અને પાંચ ટી20 મેચ પણ રમશે.
આ અગાઉ પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન દક્ષિણ આફ્રિકાની ટીમે બે મેચની ટેસ્ટ શ્રેણી 1-1 થી બરાબર કરી હતી. પાકિસ્તાને લાહોરમાં પ્રથમ ટેસ્ટ 93 રનથી જીતી હતી. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાએ જોરદાર વાપસી કરી રાવલપિંડી ટેસ્ટ 8 વિકેટથી જીતી. ટેમ્બા બાવુમાની ગેરહાજરીમાં એડન માર્કરામે આ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાની ટીમનું નેતૃત્વ કર્યું હતું.
ભારત પ્રવાસ માટે દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમ: ટેમ્બા બાવુમા (કેપ્ટન), કોર્બિન બોશ, ડેવાલ્ડ બ્રુઈસ, ટોની ડી જોર્ઝી, ઝુબેર હમઝા, સિમોન હાર્મર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, વિયાન મુલ્ડર, સેનુરન મુથુસામી, કાગીસો રબાડા, રિયાન રિકેલ્ટન, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાઈલ વેરેને.