ભરૂચ જિલ્લામાંથી રોજગારી માટે હજારો યુવાનો સાઉથ આફ્રિકાને સ્થાયી થયા છે. લગભગ ત્રણેક દિવસથી સાઉથ આફ્રિકામાં નીગ્રો પ્રજાતિના લોકોએ આતંક મચાવી દીધો છે. સાઉથ આફ્રિકામાં દુકાનો-મોલમાં ભારે લૂંટફાટ ચલાવી તોડફોડ કરી નુકસાન કર્યું છે. જેને કારણે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા ભરૂચવાસીના પરિવારોમાં ચિંતાનાં વાદળો ઘેરાયાં છે.
ભરૂચ જિલ્લામાંથી લગભગ 64થી વધુ ગામના પરિવારો વિદેશોમાં રોજગારી માટે સ્થાયી થયા હતા. સાઉથ આફ્રિકાનાં ઘણાં શહેરોમાં ભરૂચ, કંથારીયા, વોરાસમની સહિતના આસપાસના મુસ્લિમ બાહુલ ગામોના હજારો પરિવારો સ્થાયી થઇ રોજગારી મેળવી રહ્યા હતા. ખાસ કરીને મોટા ભાગના ગુજરાતી પરિવારો દુકાનો અને ગોડાઉનો ધરાવે છે.
જો કે, છેલ્લા ત્રણેક દિવસથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા ભરૂચના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. નિગ્રો પ્રજાતિના લોકો દ્વારા ત્રણ દિવસથી લૂંટફાટ ચલાવવામાં આવી રહી છે. સાઉથ આફ્રિકામાં છાસવારે લૂંટના ઇરાદે નિગ્રો લોકોના હુમલામાં ભરૂચ જિલ્લાના 50થી વધુ લોકોની હત્યા કરવામાં આવી છે. ત્યારે હાલમાં સર્જાયેલી હિંસામાં પણ એશિયાના લોકોની મિલકતોને વધુ ટાર્ગેટ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
બે પ્રાંતમાં હિંસા ફાટી નીકળી
દક્ષિણ આફ્રિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાને જેલમાં ધકેલવાને કારણે દેશના બે પ્રાંત ગૌટેંગ અને ક્વાઝુલુ-નાતાલમાં હિંસામાં ફાટી નીકળી છે. જો કે, હિંસાને રોકવા માટે સૈન્ય પણ ઉતારવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પાંચ વર્ષ પહેલાં પણ સાઉથ આફ્રિકાના ગીયાની શહેરમાં વંશીય હિંસા થઈ હતી
સાઉથ આફ્રિકાના ગીયાની શહેરમાં ભરૂચ, કંથારિયા, વોરાસમની તથા આસપાસનાં ગામોના 125થી વધારે પરિવારો સ્થાયી થયા હતા. પાંચેક વર્ષ પહેલાં એક ગુજરાતી વેપારીને ત્યાં લૂંટ કરવા આવેલા લુંટારુઓ સાથે ઝપાઝપી થતાં એક લુંટારુનું મોત થયું હતું. સ્થાનિક નિગ્રોના મોત બાદ આખા શહેરમાં વંશીય હિંસા ફાટી નીકળી હતી.