Business

બિન-ખ્રિસ્તી કોન્વેન્ટ સ્ટુડન્ટ્સની ખાટી- મીઠી ક્રિસમસ યાદો

ભારત એટલે તહેવારોનો દેશ. તહેવારો આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે દરેક ધર્મના રીતિ-રિવાજો, પ્રથા, પ્રધ્ધતિ મુજબ દરેક ધર્મના તહેવારો આગવું મહત્ત્વ ધરાવે છે. 25 ડિસેમ્બરે ક્રિસમસ છે અને આપણે આજે સુરતની નામાંકિત કોન્વેન્ટ સ્કૂલ્સની વાત કરવા જઇ રહ્યાાં છે જ્યાંનું શિક્ષણ તો વખણાય જ છે સાથે સાથે આ શાળાની આગવી વિશેષતા છે. ત્યાં ઉજવાતો ક્રિસમસનો તહેવાર. જેમાં બાળકો વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતા અને ખૂબ મજા કરતાં. આજે અમે એવા જ થોડાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષક જે આ શાળાઓમાં ભણ્યા હતા, ભણાવતા હતા તેમની સાથે તે સમયના નાતાલ સાથે જોડાયેલા તેમના અનુભવો અને મીઠી યાદો અંગે વાતો કરી…

ઈશુ ખ્રિસ્તનું જીવન દર્શાવતા પ્રોગ્રામમાં બાળકોને તૈયાર કરવામાં ખૂબ આનંદ આવતો : નફીસા શીપચેન્ડ્લર (ભૂતપૂર્વ શિક્ષક, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ)

જ્યારે બાળકી હતી ત્યારે 25 ડિસેમ્બરે મારી સ્કૂલમાં ઈશુ ખ્રિસ્તના જન્મદિવસની જે Skit થતી તે જોતી. મોટી થઈ ત્યારે કોન્વેન્ટ સ્કૂલમાં શિક્ષક બન્યા પછી પણ મજા તો ખૂબ આવતી પણ એનું સ્વરૂપ બદલાયું. બાળકોને ઈશુ ખ્રિસ્તનું જીવન દર્શાવતા પ્રોગ્રામની તૈયારી કરવાની અને બાળકોને તૈયાર કરવામાં ખૂબ આનંદ આવતો અને જ્યારે ખુલ્લા મેદાનમાં આ પ્રોગ્રામ થતો ત્યારે સ્વેટરમાં, કાનટોપી સાથે બાળકોને આ પ્રોગ્રામ જોતાં જોવા એ લહાવો હતો અને સૌથી છેલ્લા બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોતા હોય એ ક્રિસમસ વેકેશનનો મુડ કંઈ અલગ જ બનતો હતો.’’

કોઈપણ પ્રોગ્રામમાં ભાગ નહીં લઈને ક્લાસમાં ધિંગામસ્તી કરવાની મજા અલગ જ હતી : પ્રિયાંક મોરખિયા (કોન્વેન્ટ, નવસારી)

હાલ સુરતમાં રહેતા પ્રિયાંકભાઈ જણાવે છે કે, ‘‘હું અને મારા ચાર મિત્રો, ખૂબ મસ્તી કરતાં અને શાળામાં અમને ભૂલમાં પણ સાથે નહોતા બેસવા દેતાં. પણ જ્યારે ક્રિસમસ સેલિબ્રેશનની તૈયારીઓ ચાલતી હોય ત્યારે ક્લાસના મોટાભાગના વિદ્યાર્થીઓ કોઈને કોઈ પ્રોગ્રામમાં ભાગ લેતા. અમે કશામાં ભાગ નહોતા લેતાં. બધા પ્રેક્ટિસમાં જાય. લગભગ 10-12 જણ જ કલાસમાં હોય. કોઈ ટીચર કલાસમાં આવે નહીં. આવે તો પણ કંઈ ભણાવતા નહોતાં આ અમારા માટે ક્લાસમાં ધમાલમસ્તી કરવાની એક તક હતી. અને ત્યાર પછી પણ કલાસમાં રમતો રમતાં,ગપ્પાં મારતા. મારા માટે સ્કૂલમાં કરવા મળતી આ ધિંગામસ્તી ક્રિસમસની સૌથી યાદગાર ક્ષણો છે.’’

વર્ષમાં બીજી કોઇ વાર અમે ચર્ચમા નહોતા જઇ શકતા ફક્ત િક્રસમસના દિવસે જઇ શકતા: મિતાલી મહેતા (લુર્ડઝ કોન્વેન્ટ)

મિતાલી મહેતા જણાવે છે કે, ‘‘અમે જ્યારે ખૂબ નાના હતા, 2nd Std.માં હતા ત્યારે બીજુ કંઇ ખબર ન હતી પણ એટલી ખબર હતી કે નાતાલમાં સાન્તાક્લોઝ આવે ને બધાને ગીફ્ટ આપે. એટલે આતુરતાથી અમે તેની રાહ જોતા. મોટા થયા ત્યારે ક્રિસમસનાં પ્રોગ્રામોમાં ભાગ લેતા થયા. દર વર્ષે સ્કીટમાં ભાગ લેતા. દરેક પ્રસંગ પ્રમાણે અલગ અલગ Carol ગવાતા. તેમાંનું ‘‘Joy to the world’’ ઇશુ ખ્રિસ્તના જન્મ વખતના પ્રસંગમાં ગાતા. મારા માટે સૌથી યાદગાર ક્ષણ એ છે જ્યારે અમને ચર્ચમાં લઇ જતા. વર્ષમાં બીજી કોઇ વાર અમે ચર્ચમા નહોતા જઇ શકતા. છેલ્લા દિવસે Fun-Fairનું આયોજન થતું. 8th Std.માં કોમ્પિટીશનમાં અમારા ક્લાસને ફર્સ્ટ પ્રાઇઝ મળેલું અને આખા ક્લાસને ડેરી મિલ્ક મળેલી. આવી નાની નાની ખુશીઓનું અાજે મૂલ્ય ખૂબ વધારે છે.’’

Jingle Bells,Rudolph the red nosed Reindeer અને બીજા ઘણાં મારા ફેવરિટ ક્રિસમસ કેરોલ્સ છે- શહજાદ કરંજિયા (સેંટ ઝેવિયર્સ)

નાતાલના એક અઠવાડિયા પહેલા અમે ક્લાસ ડેકોરેટ કરવાના કામમાં લાગી જતાં.અમારાં મ્યુઝિક ટીચર અમને 10-15 દિવસ પહેલાંથી carol ની પ્રેકટિસ કરાવતા. આ પ્રેકટિસમાં અમને ખૂબ મજા આવતી કારણ કે carol ગાવાવાળા અને instrument વગાડવાવાળા બધાં વિધાર્થીઓ જ હતા. આખી શાળાને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવતી.  પ્રોગ્રામમાં ઈશુ ખ્રિસ્તનું આખું જીવન જોવાનો એક અલગ જ લહાવો હતો. પ્રોગ્રામ પછી અમારાં પ્રિન્સિપાલ ખૂબ સરસ speech આપતા. અમારામાંથી જ એક સાન્તાક્લોઝ બનતો અને બધાંને ગિફ્ટ અને ચોકલટેસ આપતો.આ જ પેટર્ન દર વર્ષે રિપીટ થતી પરંતુ તેનો ઉત્સાહ કે જોશ ક્યારે પણ ઓછો નથી થયો. દર વર્ષે અમે એટલી જ આતુરતાથી ક્રિસમસની રાહ જોતાં હોઈએ.

ક્રિસમસ સ્કિટમાં ભાગ લેવા અને સાન્તાની ચોકલેટ માટે પડાપડી થતી : ડો. પિનાક કાપડિયા (સેંટ ઝેવિયર્સ)

St. Xavier’s માં ભણતા હોવાથી નાતાલના તહેવારની ઉજવણી અને નાતાલનું વેકેશન – આ બંને પ્રસંગના અમને અલાયદા લાભ મળતા હતા. 22 અથવા 23 ડિસેમ્બરના સ્કુલમાં હંમેશા એક દિવસનો પ્રોગ્રામ રહેતો જેમાં સાન્તા સાથે ડાન્સ, ક્રિસ્મસ કેરોલ્સ ગાવા, નાટક અને સ્કીટમાં ભાગ લેવો અને પછી સાન્તા ક્લૉઝ દ્વારા બાળકો તરફ ફેંકાતી ઢગલા બંધ ચોકલેટ માટે પડાપડી – પછી બિલ્ડીંગના બધા ભણે ને આપણે અઠવાડિયાના જલસા. જે પણ ધર્મના હોઈએ, જીવનમાં ઉજવણીની તક શા માટે ચૂકવી જોઈએ ?

હાથમાં Star વાળી મેજિક સ્ટીક લઈને ચાલતી ત્યારે હું સાચે જ પરી હોવ એવું લાગતું : ડૉ. ઋતા ગોકાણી રાવ (લુર્ડઝ કોન્વેન્ટ)

ક્રિસમસની તો અમે રાહ જોતાં શાળાનો અલગ જ માહોલ હતો. ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલતી. ત્યારે જે પ્રોગ્રામો થતાં એમાં હું હંમેશા ભાગ લેતી. કોઈવાર ઘેટું બની છે તો કોઈવાર ભરવાડ તો કોઈવાર પરી. પણ પરી બનીને હાથમાં Star વાળી મેજિક સ્ટીક લઈને ચાલતી ત્યારે મને હું સાચે જ, પરી હોવ એવું લાગતું ઈશુ ખ્રિસ્તનું બાળપણથી મૃત્યુ સુધીનું આખું જીવન અને તેમનાં સંદેશ હું ક્યારે પણ આટલું વિસ્તારથી સમજી નહીં શકતે જો હું આ સ્કૂલમાં નહીં હોતે. અમારી સ્કૂલમાં ક્રિસમસ પાર્ટીમાં સિવિલ ડ્રેસમાં જવાની મજા અનેરી હતી.’’

Most Popular

To Top