Comments

માફ કરશો, મારા જન્મદિને મારા ચહેરે કેક ન ચોપડશો!

અત્યાર સુધી ઉત્સવ અને ઉજવણીઓ જાણે કે ઓછા પડતા હોય એમ આપણા દેશમાં હવે પ્રચાર અને ચૂંટણી નિમિત્તે થતી ઉજવણીઓ પણ ભળવા લાગી છે. એક સમયે વિવિધ પ્રકારનું મનોરંજન કરનારા કલાકારો યા નાટકકંપનીઓ દ્વારા રોડ શોનું આયોજન થતું. પોતે જે યોજે છે એને રોડ શો કહેવાય એ પણ તેમને ખબર હશે કે કેમ એ સવાલ છે. હવે રોડ શો નેતાઓ દ્વારા થતા આયોજનનો પર્યાય બની રહ્યા છે. તેમાં મનોરંજન નહીં, પણ લોકોના ભાગે હાલાકી ભોગવવાની વધુ આવે છે.

લોકોનું વલણ પણ ઉજવણીપ્રધાન, અને ખરું જાતાં દેખાડાપ્રધાન બની રહ્યું છે. આવામાં કોઈ વ્યક્તિ એવી હોય કે જેને પોતાના કોઈ દિનવિશેષની ઉજવણી પસંદ ન હોય, તો તેને બહુ મુશ્કેલી પડે. વ્યક્તિના ખુદના જન્મદિન કે અન્ય એવા કોઈ અંગત દિનની ઉજવણી કરવા અને એ નિમિત્તે એમાં મહાલવા માટે એટલા બધા લોકો ટાંપીને બેઠા હોય છે કે મુખ્ય વ્યક્તિની ઈચ્છાનું કોઈ મહત્ત્વ રહેતું નથી. ઈચ્છાએ કે અનિચ્છાએ તેણે ઉજવણીમાં જાડાવું જ પડે છે. એમ માનવાની જરૂર નથી કે આવું કેવળ આપણા દેશમાં જ બને છે. વ્યક્તિસ્વાતંત્ર્ય જેના કેન્દ્રમાં છે એવા અમેરિકા જેવા દેશમાં પણ આમ બને છે. જા કે, મુખ્ય ફરક બન્ને દેશોના કાયદા અને તેનું અર્થઘટન કરનારાનો છે.

અમેરિકાના કેન્ટકી રાજ્યના કોવિંગ્ટન શહેરમાં બનેલી એક ઘટના બાબતે અદાલતે આપેલો ચૂકાદો વ્યક્તિસ્વાતંત્ર્યનો બરાબર મહિમા કરે છે. કોવિંગ્ટનમાં આવેલી ‘ગ્રેવિટી ડાયગ્નોસ્ટિક્સ’ નામની એક કંપનીમાં ૨૦૧૯ દરમિયાન આ બનાવ બનેલો. કંપનીમાંની કાર્યસંસ્કૃતિને વધુ આનંદદાયક અને અનૌપચારિક બનાવવા માટે પોતાના કર્મચારીઓની અંગત બાબતોનું ધ્યાન રાખવાનું વલણ હવે પ્રચલિત છે. કર્મચારીઓ એકમેક સાથે હળેમળે, ખાણીપીણી કરે, પ્રવાસે જાય એવાં આયોજન ઘણી કંપનીઓ કરતી હોય છે.

‘ગ્રેવિટી ડાયગ્નોસ્ટિક્સ’ દ્વારા પોતાના કર્મચારીઓના જન્મદિનની ઉજવણીમાં સહુ કર્મચારીઓ હિસ્સેદાર બને એવું આયોજન નિયમિતપણે થતું હતું. એ અનુસાર જેનો જન્મદિન હોય એ કર્મચારી કંપનીમાં આવે ત્યારે તેના સહકર્મચારીઓ ફુગ્ગા ફોડે, આનંદની ચીચીયારીઓ કરીને શુભેચ્છા આપે અને પછી કેક યા બિસ્કીટની જયાફત ઉડાવવાની સામાન્ય પ્રથા હતી. સ્વાભાવિક છે કે એક દિવસ પૂરતું, પોતાની એવી કોઈ સિદ્ધિ વિના મળતું આવું મહત્ત્વ સૌ કોઈ પસંદ કરે. પણ ‘સૌ કોઈ’માં અમુક અપવાદ હોઈ શકે એ ભાગ્યે જ કોઈ વિચારતું હોય છે. ‘ગ્રેવિટી ડાયગ્નોસ્ટિક્સ’નો એક કર્મચારી કેવિન બર્લિન્ગ પ્રકૃતિએ અંતર્મુખી હતો. તેને લોકો સાથે હળવુંમળવું ખાસ પસંદ ન હતું. દસેક મહિનાથી તે કંપનીમાં જાડાયેલો.

પોતાનો જન્મદિન આવી રહ્યો હતો એ અગાઉ તેણે સંબંધિત અધિકારીને વિનંતી કરીને પોતાને બાકાત રાખવા જણાવ્યું હતું. આના તબીબી કારણમાં તેણે પોતાને ગભરામણનો હુમલો (પૅનિક એટેક) આવતો હોવાનું કહેલું. આ વિનંતી પેલા અધિકારીના ધ્યાનબહાર ગઈ અને તેમણે રાબેતા મુજબ કેવિનના જન્મદિનની ઉજવણી કાર્યાલયમાં યોજી. આને કારણે કેવિનને ગભરામણનો હુમલો આવ્યો. પોતાનું ભોજન તેણે કારમાં લેવું પડ્યું. વાત આટલેથી પૂરી ન થઈ. બીજા દિવસની મિટિંગમાં સહકાર્યકરોની મજા બગાડી નાખવાનો અને બાળકની જેમ વર્તવાનો આક્ષેપ તેની પર કરવામાં આવ્યો. આને કારણે તેને ફરી એ જ પ્રકારનો હુમલો આવ્યો. પરિણામે કેવિન હિંસક વર્તણૂંક કરી બેસશે એમ લાગવાથી તેને રજા પર ઉતારીને ઘેર મોકલી દેવામાં આવ્યો અને બે દિવસ પછી નોકરીમાંથી તેને છૂટો કરવામાં આવ્યો. 

પોતાની કંપનીના આવા પગલા સામે કેવિને અદાલતમાં ફરિયાદ નોંધાવી. આખરે અદાલતે કેવિનની તરફેણમાં ચુકાદો આપ્યો અને તેના માનભંગ તેમજ માનસિક નુકસાન બદલ કંપનીને સાડા ચાર લાખ ડોલર ચૂકવવાનો હુકમ કર્યો. આ પૈકીના ત્રણ લાખ ડોલર કેવિને વેઠેલી માનસિક યાતનાની ભરપાઈ પેટે છે. આ ચુકાદા બાબતે કેવિનના વકીલે કરેલી ટીપ્પણી મહત્ત્વની છે. તેમણે કહ્યું છે કે આ મુકદ્દમામાં નાણા મહત્ત્વનાં નથી, પણ કેવિનના વ્યક્તિસ્વાતંત્ર્ય અને વિચારસ્વાતંત્ર્યનો મુદ્દો અગત્યનો છે. કેવિનની બિમારીનું કારણ ગમે તે હોય, એટલું સમજવું જરૂરી છે કે સમૂહમાં રહેલા તમામ લોકો એકસરખું વિચારે કે વર્તે એવી અપેક્ષા વધુ પડતી છે. કોઈ સંસ્થાના અનુશાસન અને તેના માટે જરૂરી નિયમપાલન અનિવાર્ય છે, પણ જન્મદિનની ઉજવણી જેવી સાવ વ્યક્તિગત બાબતે સુદ્ધાં કોઈ વ્યક્તિએ સમૂહની મરજી મુજબ વર્તવાનું થાય એ અકળાવનારું છે.

આપણા દેશમાં પ્રબળ સામાજિક બંધનોને કારણે આવી તાણ ઘણા અનુભવતા હશે, પણ સામાન્યપણે તેઓ પોતાની જાત સાથે એક યા બીજા કારણે સમાધાન કરી લે એમ બનતું હોય છે. જા કે, આ બાબતે કોઈ વિગતવાર માહિતી કે અભ્યાસ થયાં હોવાનું જાણમાં નથી. તહેવારોની સામૂહિક ઉજવણીઓમાં હવે પ્રવેશી ચૂકેલા સરકારીકરણને લઈને આવી ઉજવણીઓનો વાજબી કારણોસર વિરોધ કરનારને સરકારવિરોધી તરીકે ખપાવી દેવાનો ગૃહઉદ્યોગ પૂરજાશમાં ચાલી રહ્યો છે. અમેરિકન અદાલતના આ ચુકાદા બાબતે આપણે રાજી થવાની કે નારાજ થવાની આવશ્યકતા નથી, કેમ કે, વ્યક્તિસ્વાતંત્ર્ય બાબતે આવી પરિસ્થિતિ આપણા દેશમાં આવે એ સ્વપ્ને પણ વિચારી શકાય એમ નથી. એટલું સમજીએ એ જરૂરી છે કે સામૂહિક બાબતોથી દૂર રહેનાર વ્યક્તિ વિશે પોતાને ફાવતા અભિપ્રાય બાંધી લેવાને બદલે તેનું કારણ જાણવાની કોશિશ કરવી. અને એ કોશિશ થઈ શકે એમ ન હોય ત્યારે એટલું તો થઈ જ શકે કે એના વિશે કોઈ અણછાજતી ટીકા ન કરીએ. આ સમજણ કાયદાના પાલનની નહીં, એક પરિપક્વ નાગરિક તરીકેની છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top