Entertainment

સૂરમા ભોપાલી જગદીપનીખંભા ઉખાડકે કોમેડી મસ્ત હતી

હિન્દી ફિલ્મોમાં કોમેડીયન તરીકે જો કોઇ સ્ટાર હોય તો મહેમુદ હતા. તેમનાં પહેલાં અને સાથે જોની વોકર, આગા વી.એચ. મહેતા, ઓમ પ્રકાશથી માંડી દેવેન વર્મા સહિત ઘણાં છે. ઓમ પ્રકાશ અને દેવેન વર્મા તો ચરિત્ર અભિનેતા તરીકે પણ નામ પામ્યા હતા, પણ કોમેડીયનોની યાદીમાં એક નામ ઉમેર્યા વિના ન ચાલે તે જગદીપનું છે. તેનું ખરું નામ તો સૈયાદ ઇશ્તિયાક અહેમદ જાફરી. લોકોએ તેમને જગદીપ તરીકે જ જાણ્યા. ‘શોલે’ ફિલ્મનાં યાદગાર પાત્રોમાં એક પાત્ર જગદીપનું પણ છે. ‘શોલે’માં કોમેડી તો ધર્મેન્દ્ર, અમિતાભ અને હેમા માલિનીએ પણ કરી છે, પણ એક અસરાની અને જગદીપ કોમેડીયન તરીકે હતા. લોકોને અસરાનીનું ‘અંગ્રેઝો કે ઝમાને કે જેલર’ તરીકેનું પાત્ર યાદ રહી ગયું છે અને જગદીપનું સૂરમા ભોપાલી યાદગાર છે. જગદીપે તો આ શીર્ષક હેઠળ પોતાના જ દિગ્દર્શન હેઠળ ફિલ્મ પણ બનાવેલી. આપણે ત્યાં ઘણા કોમેડીયનોએ આ રીતે એકાદ-બે ફિલ્મો બનાવી છે. આઇ.અસ. જોહર અને મહેમુદે ઘણી ફિલ્મો બનાવી અને સફળ પણ રહ્યા. મોહન ચોરીએ ‘ધોતી લોટા ઔર ચૌપાટી’ અને ‘હંટરવાલી 77’ નામની ફિલ્મોનું દિગ્દર્શન કરેલું પણ કોમેડીયનની ટ્રેજેડી થઇ ગયેલી. જગદીપ પણ ન બનાવતે તો ચાલતે પણ સૂરમા ભોપાલી પાત્રની લોકપ્રિયતા જ એવી હતી કે લાલચ થઇ ગઇ.
જગદીપે બી.આર. ચોપરાની ‘અફસાના કે જેમાં અશોક કુમાર, વીણા, જીવન હતા. એ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે શરૂઆત કરેલી. તેમાં એટલો સહજ અભિનય હતો કે પછી ‘અબ દિલ્લી દૂર નહી’, ‘મુન્ના’ ગુરુદત્તની ‘આરપાર’, બિમલ રોયની ‘દો બીઘા જમીન’ અને એવી એમની ‘હમ પંછી એક ડાલ કે’માં પણ બાળ કળાકાર તરીકે લોકોનાં દિલ જીત્યા. બાળ કળાકારો મોટા થાય પછી ફિલ્મોમાં આગળ કારકિર્દી બનાવી શકતા એવું જગદીપ વિશે ન થયું. એવી એમ એ જ જગદીપને ‘ભાભી’માં સમાન હીરો જેવી ભૂમિકા આપી. તેની પર બે ગીતો ય ફિલ્માવાયા. તેમાંનું ‘ચલી ચલી રે પતંગ મેરી ચલી રે…’ તો આજે પણ ફેમસ છે. ‘બરખા’માં તો જગદીપ હીરો હતા અને સાથે નંદા હતી. એવી એમની જ ‘બિંદિયા’ માં જગદીપની સાથે પદ્મિની અને વિજ્યા ચૌધરી છે, પણ તે જમાને દિલીપકુમાર, રાજકપૂર, દેવઆનંદ, ધર્મેન્દ્ર, રાજકુમાર, શમ્મીકપૂર વિગેરે થિયેટરો ગજાવતા હતા ત્યારે જગદીપ કેટલું ચાલી શકે? તેણે કોમેડી કરવી શરૂ કરી અને ‘બ્રહ્મચારી’ની મુરલી મનોહર તરીકેની ભૂમિકા પછી સબ લોગ માન ગયે. તે વખતે સારા કોમેડીયન પર ગીતો ય ફિલ્માવાતા. ‘પૂર્નમિલન’ ફિલ્મમાં જગદીપ પર ફિલ્માવાયેલું ગીત છે. ‘પાસ બૈઠો તબિયત મચલ જાયેગી’.
જગદીપની ફિલ્મોની યાદી ઘણી લાંબી છે. ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, સુનીલ દત્તથી માંડી રાજેશ ખન્ના, અમિતાભ સુધીના હીરો સાથે તેણે કામ કર્યું છે. મહેમુદ પછી જગદીપની જ વધારે ડિમાંડ હતી. તે ‘ખંભા ઉખાડકે’ બોલતા અને તેની સ્ટાઇલથી ખાસ બની જતું. મુંબઇમાં આવ્યા ત્યારે તો ખબર નહીં હતી કે કઇ રીતે જીવાશે. શરૂમાં તો સાબુ, કાંસકી, પતંગ, વેચ્યા. ‘અફસાના’ વખતે તેઓ તો દૂર ટોળામાં ઊભા હતા. બી.આર. ચોપરાને એક દૃશ્ય માટે નાના છોકરાની જરૂર પડી અને જગદીપે એ દૃશ્ય ભજવ્યું અને કારકિર્દી શરૂ થઇ ગઇ. ‘હમ પંછી એક ડાલ કે’ તો નહેરૂજીએ જોઇ હતી અને જગદીપ પર ખુશ થઇને પોતાની વોકિંગ સ્ટિક આપેલી. જગદીપે કિશોરકુમાર સાથે ‘ઢાકે કી મલમલ’માં કામ કર્યું છે અને ‘ધોબી ડૉક્ટર’માં યુવાન કિશોરકુમારની ભૂમિકા પણ જગદીપે જ કરેલી. જગદીપે હકીકતે તો પાંચ ફિલ્મોમાં હીરોની ભૂમિકા ભજવી છે અને નંદા ઉપરાંત અઝરા, અમિતા અને નાઝ તેની હીરોઇન રહી છે. જગદીપે ‘શિકવા’ ફિલ્મમાં યુવાન દિલીપકુમારની ભૂમિકા ભજવેલી તે પણ યાદ કરવા જેવી છે અને ‘એક માસૂમ’, ‘મંદિર-મસ્જિદ’ ફિલ્મમાં તે ખલનાયક પણ હતા. ફિલ્મોમાં કામ મળવા પહેલા જે.જે. હોસ્પિટલ પાસે તેઓ ઝૂંપડામાં રહેતા હતા. પછી માહિમમાં ખોલી લીધી અને પછી મુંબઇમાં બંગલો લીધો.
જગદીપની કહાણી ઝૂંપડામાંથી એક વિખ્યાત કોમેડીયન બન્યા સુધીની છે અને તેમાં તેની નૈસર્ગિક અભિનય પ્રતિભા અને કોમેડીની સેન્સ છે. તેની અંગત જિંદગી સતત બદલાતી રહી છે. સેટ પર જતાં ત્યારે તેમની જિંદગી જૂદી જ હતી. ફિલ્મના લેખકો કોમેડી લખતા નથી બલ્કે તેઓ એક સિચ્યુએશન આપતા હોય છે અને દરેક કોમેડીયન પોતાની સ્ટાઇલ મુજબ દૃશ્યોને ડેવલપ કરે છે. જે કોમેડીયન આમાં વધુ સક્ષ્મ હોય તે વધારે સફળ જાય છે. મહેમુદ, જોની વોકર પછી જગદીપ એ રીતે સૌથી વધુ સફળ હતા.
જગદીપે 400 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. જગદીપના અંગત જીવનની કહાણી જૂદી છે. તેણે ત્રણ લગ્ન કર્યા હતા. પ્રથમ પત્ની નસીમ બેગમથી તેને હુસેન, શકીરા અને સુરૈયાના પિતા થયેલા. પ્રથમ પત્નીને છોડી દીધેલી એટલે હુસેન કાર ધોઈને ગુજરાન ચલાવતો અને એક અકસ્માતમાં પગ ગુમાવતાં જાવેદ અને નાવેદ પાસે મદદ માંગી જિંદગી આગળ વધારી હતી અને 2009માં તેનું અવસાન થયેલું. જગદીપ 1960માં સુધરા બેગમને પરણ્યો.
તેનાથી જન્મયા તે જાવેદ અને નાવેદ જાફરી. તે બંને ફિલ્મ અને ટી.વી.માં સ્થાન બનાવી શક્યા.
જાવેદ તો ખૂબ સારો અભિનેતા છે. જગદીપે ત્રીજા લગ્ન નાઝિમા સાથે કર્યા અને તેનાથી જે દીકરી જન્મી તેનું નામ મુસ્કાન જાફરી છે. 8 જુલાઇ 2020ના દિવસે જગદીપનું અવસાન થયું ત્યારે લોકોએ સૂરમાં ભોપાલી તરીકે જ અંજલિ આપી હતી. •

Most Popular

To Top