સોનુ સુદની કાયમી ઇચ્છા હીરો તરીકે ફિલ્મોમાં કામ કરવાની રહી છે. હિન્દીમાં તેમની પહેલી ફિલ્મ ‘શહીદ-એ-આઝમ’માં તેણે ભગતસિંહ મુખ્ય ભૂમિકા જ કરી હતી. પણ ભગતસિંહ પર એટલી બધી ફિલ્મો બની છે કે કોઇ ગમે તેટલું નવુ કરવા જાય તો પણ વિષયની બહાર કે પાત્રની બહાર તો જઇ ના શકાય. બીજી ફિલ્મ ‘કહાં હો તુમ’માં તે હીરો ન હતો અને ધીમે ધીમે તેની હીરો તરીકે જગ્યા ઊભી કરવાની ઇચ્છા પાછળ ખસવા માંડી. વિલન તરીકે ભૂમિકાઓ સ્વીકારવી તેની મજબૂરી બની. અલબત્ત, તે એક સારો અભિનેતા છે અને તેનો સ્વીકાર બધાએ કર્યો. ‘જોધા અકબર’માં તેને રાજકુમાર સુજામલની સરસ ભૂમિકા મળી હતી. પત્ર ‘દબંગ’માં તે છેદી સિંઘ તરીકે વિલન હતો. સલમાન ખાન સામે વિલન તરીકે સફળ જવાનો અર્થ એ થાય કે પછી એવી જ ભૂમિકા મળવા માંડે. ‘શૂટાઉટ ઍટ વડાલા’માં પણ તેણે દિલાવર ઇમ્તિયાઝ હકસરની ભૂમિકા કરેલી. સોનુને હિન્દીમાં જોઈતી ભૂમિકા ન મળતી હતી એટલે તમિલ, કન્નડ, તેલુગુ ફિલ્મોમાં કામ કરતો હતો અને આજે પણ કરે છે. તે પરણ્યો પણ છે તેલુગુ સોનાલીને. બાકી તે મૂળે તો પંજાબી પણ તેની કારકિર્દી દક્ષિણની ફિલ્મોથી શરૂ થઇ અને મણિરત્નમ જેવાની ‘યુવા’માં અભિષેક બચ્ચનના ભાઈ તરીકેની ભૂમિકામાં તે જામ્યો પણ ખરો અને આખર તે બોલીવુડ-ટોલીવુડ વચ્ચે દોડતો થઇ ગયો. કોવિડ વખતે લોકોમાં હીરો તરીકે વસી ગયેલો. સોનુ હવે 51 વર્ષનો છે અને પોતાને હીરો તરીકે જોવા માટે દિગ્દર્શક પણ બન્યો છે. હીરો દિગ્દર્શક બને એવા દાખલા રાજકપૂર, દેવ આનંદથી માંડી મનોજ કુમાર, અજય દેવગણ, રાકેશ રોશન સહિત અનેક છે. શું સોનુ પહેલી જ ફિલ્મે દિગ્દર્શક તરીકે ફત્તેહ મેળવશે? સોનુના પાત્રનું નામ ફિલ્મમાં ફતેહ જ છે અને તે સાઇબરક્રાઈમ સિન્ડિકેટ સામે અત્યંત ઝનૂનથી લડતો દેખાડાયો છે. અત્યારના સમયનો પ્રોબ્લેમ લીધો છે અને આ ફિલ્મ તેણે અંકુર પજની સાથે મળીને લખી છે. હકીકતે તો ફિલ્મનો નિર્માતા પણ તે પોતે જ છે પણ પત્ની સોનાલીને નામે નિર્માણ કર્યું છે. સોનુની કોવિડ સમયે જે ઇમેજ ઊભી થયેલી તેનાથી સાવ જૂદું પાત્ર ‘ફતેહ’માં ભજવી રહ્યો છે અને હમણાં ચાલતી ઘાતક હિંસાવાળી ફિલ્મ બનાવી છે. ફિલ્મને સફળ બનાવવા તેણે જેકલીન ફર્નાન્ડિસને પોતાની હીરોઇન બનાવી છે. તેણે 2021ના અંતમાં ફિલ્મ બનાવવાની જાહેરાત કરેલી અને 2025ના આરંભે રજૂ કરી રહ્યો છે. તેની ઇચ્છા નવા વર્ષના આરંભે જ મોટી સફળતા મેળવવાની છે પણ ખબર નથી કે તેની ઇચ્છા પૂરી થશે. અત્યારે મોટા સ્ટાર્સની ગેરહાજરીમાં એવા સ્ટાર્સ મોટા થવા પ્રયત્ન કરી રહ્યા છે જેમની ઇમેજ મોટી નથી. સોનુએ આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે એટલે પરિણામ સારું મળે તેવી આશા રાખવી ખોટી નથી. જો ફિલ્મ સફળ થશે તો હવે નિર્માતા-દિગ્દર્શક-હીરો તરીકે આગળ વધશે. જો તેમ ન બને તો ફરી બોલીવુડ-ટોલીવુડ વચ્ચે દોડતો રહેશે. •
સોનુને ‘ફત્તેહ’ મળશે…
By
Posted on