શહેરના પાલ વિસ્તારમાં અતિ વિચિત્ર કહી શકાય તેવી ઘટના બની છે. અહીં એક પ્રેમપ્રકરણમાં યુવતીના નારાજ પરિવારજનોએ પ્રેમી યુવકની માતાનું અપહરણ કર્યું છે. 28 જણા પ્રેમી યુવકની માતાને ખેંચી ઉઠાવી ગયા હતા અને માર માર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે આ કેસમાં 7 શખ્સોની ધરપકડ કરી છે. બીજી તરફ ઈજાગ્રસ્ત માતા હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે.
આ ઘટના ગઈ તા. 10મી જૂનના રોજ સવારે 10.30 કલાકે બની છે. પાલ ગૌરવપથ રોડ પર આવેલી કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતે આ અપહરણની ઘટના બની હતી. અહીં હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી સુમિત્રા રાયાણીનું અંદાજે 25 જેટલાં પુરુષ અને મહિલાની ટોળકી દ્વારા બળજબરીપૂર્વક અપહરણ કરાયું હતું.
આ ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે, જેમાં દેખાય છે કે ટોળકી હોસ્પિટલમાં બળજબરીપૂર્વક ધસી ગઈ હતી. સુમિત્રા રાયાણી સાથે ધક્કા મુકી કરી, માર મારી તેને જબરદસ્તી કારમાં બેસાડી રાંદેર તરફ અપહરણ કરી લઈ ગયા હતા. રાંદેર પહોંચ્યા બાદ સુમિત્રા રાયાણીને અપહરણકારોએ માર માર્યો હતો. તેમના ગુપ્તા ભાગે પણ ગંભીર ઈજા પહોંચાડી હતી.
અપહરણ કેમ કરાયું?
સુમિત્રા રાયાણીના અપહરણ પાછળ તેમના દીકરાનો પ્રેમસંબંધ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. રાંદેરની હેતલ નગર સોસાયટીમાં રહેતા 44 વર્ષીય આશાબેન ધનેશભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે તે મુજબ તેમની બહેન સુમિત્રા રાયાણીનો દીકરા અનિકેતે ગઈ તા. 1 જૂન 2024ના રોજ અંબિકા નગરમાં રહેતી નૈનાત જગદીશ ઓડ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. ગઈ તા. 28 મે 2025ના રોજ અનિકેત અને નૈના રાંદેર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા અને સાથે રહેવા નિવેદન નોંધાવ્યું હતું. ત્યાર બાદ નૈના અનિકેત સાથે રહેવા લાગી હતી. તે વાતની અદાવત રાખી નૈનાના પરિવારે સુમિત્રા રાયાણી પર જીવલેણ હુમલો કર્યો છે.
પોલીસે 7ને પકડ્યા
પોલીસે આ કેસમાં 7 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં રાજેશ સરદાર ઓડ (ઉં.વ. 35, રહે. માધવપાર્ક સોસા., પાલનપોર), જગદીશ સરદાર ઓડ (ઉં.વ.48, રહે. અંબિકાનગર સોસા., ભેસાણ રોડ), દીપક સરદાર ઓડ (ઉં.વ. 40, રહે અંબિકાનગર સોસા., ભેસાણ રોડ), જતીન નટુ ઓડ (ઉં.વ. 21 , રહે. ગ્રોમ સોસાયટી, માસમા ગામ, ઓલપાડ), લલિત ઉર્ફે નિખિલ નટુ ઓડ (ઉં.વ. 20, રહે ગ્રોમ સોસાયટી, માસમા ગામ, ઓલપાડ), શુભમ દિનેશ રાઠોડ (ઉં.વ. 18 વર્ષ 5 મહિના, રહે. અંબિકાનગર સોસાયટી, ભેસાણ રોડ). પોલીસે આરોપીઓનું રિક્સ્ટ્રક્શન કર્યું જેમાં એક આરોપી રડી પડ્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે.