આજથી 30 વર્ષ પહેલાં હું સુરતની એક પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. શાળાની વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ તથા બોર્ડના ઊંચાં પરિણામ થકી આ શાળા સુપ્રસિદ્ધ બની રહી. એક વાર શાળામાં ‘આનંદમેળા’નું આયોજન થયું. ધો.7ના મારા વર્ગમાં શેનો સ્ટોલ લગાવવો તે અંગે ચર્ચા-વિચારણા ચાલી રહી હતી. એ દરમિયાન એક ગરીબ પરિવારમાંથી આવતાં અત્યંત તેજસ્વી વિદ્યાર્થીએ જણાવ્યું કે તળેલી વાનગીઓ કે ઠંડા પીણાનો સ્ટોલ લગાવવાના બદલે આપણે આરોગ્યવર્ધક એવા લીંબુ શરબતનો સ્ટોલ લગાવીએ. મને પણ ઉચિત લાગતાં અમે સ્ટોલ તૈયાર કર્યો. ખૂબ સારું વેચાણ થયું.
મેળવેલ નફો શાળાના ‘વિદ્યાર્થી સહાય ભંડોળ’માં જમા થયો. બાળપણથી જ આરોગ્ય પ્રત્યે ખૂબ જ સજાગ એવો આ તેજસ્વી વિદ્યાર્થી આગળ અભ્યાસ કરી સુપ્રસિદ્ધ ‘કાર્ડિયોલોજિસ્ટ’ થયો. હૃદયરોગ નિવારણના નિષ્ણાત ડોક્ટર બન્યા બાદ એણે અમેરિકાની પ્રખ્યાત મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવવાની તક પ્રાપ્ત થઈ પરંતુ સાદગી અને સેવાના આગ્રહી એવા આ તબીબે આ તકને ત્યજીને સુરતમાં જ ફરજ બજાવવાનું પસંદ કર્યું! તેના ક્લિનિકની દીવાલો પર લગાવેલી એમનાં માતા-પિતા અને શિક્ષકોની તસવીરો નીચે વાંચવા મળે છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ. હૃદયના દર્દીની હૃદયથી સેવા કરનાર આ તબીબને અભિનંદન..
સુરત પ્રફુલ્લ એમ. રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.