નવી દિલ્હીઃ કોંગ્રેસ (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધીને હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા તેઓ કોરોના (Corona) ગ્રસ્ત થયા હતા.આજે સવારે તેઓને ગંગારામ હોસ્પિટલમાં (Gangaram Hospital) દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટર (Twitter) દ્વારા આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તેમની હાલત સ્થિર છે અને તેમને ડોક્ટરોની (Doctor) દેખરેખ હેઠળ હાલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. સોનિયા ગાંધી થોડા દિવસ અગાઉ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ગયા હતા. આ પછી તેમને ચેપને કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે સોનિયા ગાંધીના બધા શુભચિંતકો અને પાર્ટી કાર્યકર્તાઓનો તેની પ્રાર્થના માટે આભાર માન્યો હતો.
- કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટર દ્વારા આ માહિતી આપી
- નેશનલ હેરાલ્ડ કેસમાં ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોનિયા ગાંધીને ફરીથી સમન્સ પાઠવ્યા
- કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલ સિવાય પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા
નેશનલ હેરાલ્ડ કેસમાં ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોનિયા ગાંધીને ફરીથી સમન્સ પાઠવ્યા છે. EDએ ફરી સમન્સ જારી કર્યું છે જેના કારણે કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. મળતી માહિતી મુજબ 23 જૂને તેઓને આ કેસની પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ પહેલા EDએ 8 જૂને સોનિયા ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ કોરોના સંક્રમિત થવાને કારણે તેમણે ત્રણ અઠવાડિયાની મહોલત માંગી હતી. ED દ્વારા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે. તેઓ 13 જૂને ED સમક્ષ હાજર થવાના છે. નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ અખબાર સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવાયા છે. આ કેસ ૨૦૧૫માં બંધ કરી દેવાયો હતો અને તેને ફરી ખોલવામાં આવ્યો છે.
દેશમાં કોરોના વાયરસના કેસ વધતા કોંગ્રેસના અન્ય નેતા પણ સંક્રમણની ચપેટમાં આવ્યા હતા. કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલ સિવાય પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. પ્રિયંકાને સંક્રમણના હળવા લક્ષણો હતા. તેમણે પોતાને ઘરમાં આઇસોલેટ કરી લીધા હતા.