આવતીકાલે એટલે કે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો (Loksabha Election Result) જાહેર થશે. પરિણામ અગાઉ એક્ઝિટ પોલમાં બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર (Government) બનાવવાની આગાહી કરવામાં આવી છે. આ ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધને લગભગ 150 બેઠકો મળવાનો દાવો કર્યો છે. આ દરમિયાન કોંગ્રેસ સંસદીય સમિતિના અધ્યક્ષ સોનિયા ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. જ્યારે તેમને એક્ઝિટ પોલ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આપણે રાહ જોવી પડશે. બસ રાહ જુઓ અને પરિણામ આવવા દો. અમે સંપૂર્ણ અપેક્ષા રાખીએ છીએ કે પરિણામો એક્ઝિટ પોલના પરિણામોથી સંપૂર્ણપણે વિપરીત હશે.
આવતીકાલે એટલે કે મંગળવારે જાહેર થનારા પરિણામોથી તેમની અપેક્ષાઓ વિશે પૂછવામાં આવતાં સોનિયા ગાંધીએ કહ્યું કે આપણે રાહ જોવી પડશે. પરિણામો એક્ઝિટ પોલમાં દર્શાવવામાં આવેલા પરિણામોથી તદ્દન વિપરીત હશે. વાસ્તવમાં સોનિયા ગાંધી ડીએમકે ઓફિસમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અહીંથી જતા સમયે તેમણે આ ટિપ્પણી કરી હતી. અગાઉ સોનિયા ગાંધીએ પીઢ ડીએમકે નેતા એમ. કરુણાનિધિને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
મોટાભાગના એક્ઝિટ પોલમાં એવી આગાહી કરવામાં આવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી મુદત માટે સત્તામાં રહેશે અને ભાજપની આગેવાની હેઠળની એનડીએ લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત મેળવશે. કેટલાક એક્ઝિટ પોલે એનડીએને 400 થી વધુ બેઠકો આપી છે જ્યારે મોટાભાગનાએ આગાહી કરી છે કે ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન 350 થી વધુ બેઠકો જીતશે. આ આંકડો સરકાર બનાવવા માટે જરૂરી 272 સીટોના બહુમતી આંકડા કરતા ઘણો વધારે છે.
આ ચૂંટણીમાં કોંગ્રેસ અને અન્ય ઈન્ડિયા બ્લોક પાર્ટીઓને લગભગ 150 બેઠકો મળવાનો અંદાજ છે. વિપક્ષે એક્ઝિટ પોલને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે આ સર્વે કાલ્પનિક છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે કહ્યું હતું કે તે એક્ઝિટ પોલ નહીં, પરંતુ તેનું નામ ‘મોદી મીડિયા પોલ’ છે. આ મોદીજીનો પોલ છે, આ તેમનો કાલ્પનિક પોલ છે.
કોંગ્રેસ 295 લોકસભા સીટો જીતવા જઈ રહી છે- દિગ્વિજય સિંહ
આ દરમિયાન કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહનું પણ એક્ઝિટ પોલ 2024 પર નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે એક્ઝિટ પોલને ફગાવી દીધો છે. દિગ્વિજય સિંહે કહ્યું કે જો ભાજપને 300થી વધુ સીટો મળે છે તો તેનું એક જ કારણ હોઈ શકે છે. દિગ્વિજય સિંહે કહ્યું કે ભાજપને બહુમત મળવાનો નથી. તેમણે કહ્યું કે કોઈ ગમે તે કહે પરંતુ આંકડાઓ એવા નહીં હોય કારણ કે લોકોએ કોંગ્રેસને મત આપ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કહ્યું કે જો ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવે તો જ ભાજપ લોકસભા ચૂંટણીમાં 300થી વધુ સીટો મેળવી શકે છે. દિગ્વિજયે કહ્યું કે ભાજપ બહુમતથી દૂર રહેશે અને કોંગ્રેસ 295 લોકસભા સીટો જીતવા જઈ રહી છે.