ગીતકારોની ચર્ચા થાય તો શૈલેન્દ્ર, સાહિર, મજરુહ જેવાની જેટલી થાય તેટલી રાજા મહેંદી અલી ખાં, એસ.એચ. બિહારી, ઇન્દીવર વગેરેની નથી થતી. આવું થવાનાં કારણો ઘણાં છે. ટોપ સ્ટાર પર જે ગીતકારના ગીત પડદા પર દેખાય તે ગીતકાર વધુ લોકપ્રિય બનતા હોય છે. એ ગીતો સામાન્યપણે વધુ લોકપ્રિય સંગીતકાર વડે સ્વરાંકિત થયા હોય છે ને સ્વાભાવિક રીતે જ ટોપ ગાયક – ગાયિકા વડે ગવાયા હોય છે. આમ બનવાના કારણે બીજા ગીતકારો કે જે પણ ઉત્તમ હોય તે બાજુ પર થઇ જાય છે. તેમની ચર્ચા – પ્રશંસા થાય પણ મર્યાદિત રીતે થાય. આવા ગીતકારો એક નથી અનેક છે.
એવા નામોમાં રાજેન્દ્ર કૃષ્ણનું નામ પણ લેવું જોઇએ. મદન મોહનના ગીતો યાદ કરીએ તો રાજા મહેંદી અલી ખાં, રાજેન્દ્ર કૃષ્ણ, કૈફી આઝમીને જરૂર યાદ કરીએ છીએ. રાજેન્દ્ર કૃષ્ણએ ‘દો ઘડી વો જો પાસ આ બૈઠે’ (ગેટવે ઓફ ઇન્ડિયા), ‘જાના થા હમસે દૂર’, ‘યુ હસરતોંકા દાગ મહોબ્બતમેં પી લીયે’ (અદાલત), ‘હમ પ્યારમે જલનેવાલોકો’ (જેલર), ‘વો ભુલી દાસ્તાં’ (સંજોગ), ‘મેં સો તુમ સંગ નૈન મિલાકે’ (મનમૌજી) ‘ફીર વોહી શામ’, ‘ના તુમ બેવફા હો’ (એક કલી મુસ્કાઇ) જેવા ગીતો મદન મોહન માટે લખ્યા પણ આ સિવાય પણ તેમના એટલા બધા યાદગાર ગીતો છે કે સાંભળવા બેસીએ તો ન્યાલ થઇ જઇએ.
મદન મોહન માટે લખેલા ગીતોમાં પ્રેમનાં જુદાં જુદાં ભાવો, વેદના, ઝંખના છે ને મદનમોહન તે ગીતોને એક એવા સંગીતથી બાંધતા કે ચિત્તમાં ઊંડે ઊતરી જાય. રાજેન્દ્ર કૃષ્ણ જયારે સી. રામચન્દ્ર માટે લખે ત્યારે જૂદો જ મિજાજ પ્રગટ થતો. જેમકે ‘મેરા પિયા ગયે રંગૂન’ (પતંગા), ‘શામ ઢલે ખિડકી તલે’ (અલબેલા), ‘ઇના મીના ડીકા’ (આશા). પરંતુ તેમની સાથે પણ ‘દેખ હમેં આવાઝ ન દેના’ (અમરદીપ) ઓ ચાંદ જહાં વો જાયે’ (શારદા) ‘ધીરે સે આજા રી અખિયનમેં’ (અલબેલા), ‘યે ઝિંદગી ઉસીકી હી’ (અનારકલી) ‘કિતના હંસી હે મૌસમ’ (આઝાદ). ઘણીવાર આપણે ગીતકારોને ઓળખવામાં ઉતાવળ કરીએ તો તેમને સમગ્રતાથી તેમની પ્રતિભા ઓળખી ન શકો.
૬ જૂન ૧૯૧૯માં રાજેન્દ્ર કૃષ્ણ રાવલપિંડી નજીક ગુજરાતમાં જન્મેલા એટલે ઉર્દૂ, ફારસી તેમને પહેલેથી જ સારી આવડતી. ૧૯૩૫ માં મેટ્રિક થયા પછી તેઓ નોકરી કરવા સીમલા આવ્યા અને ઇલેકટ્રિક કંપનીમાં કલાર્ક થયા પણ તેમને મઝા ન આવે. સીમલા હતા ત્યારે જ ૧૯૪૧ માં તેમના લગ્ન થયા. એ સમયે તેમની ઓળખ કલમ રાય સાહેબ સાથે થઇ કે જે પૈસાદાર હતા અને મુંબઇ જઇ ફિલ્મ બનાવવા માંગતા હતા. તેઓ મુંબઇ ગયા અને ‘શહેરશાહ અકબર’ નામની ફિલ્મ બનાવી જેમાં રાજેન્દ્ર કૃષ્ણએ પંડિતની ભૂમિકા ભજવી.
ફિલ્મ સફળ ન રહી ને રાજેન્દ્ર કૃષ્ણ પણ અભિનય કરવા નહોતા માંગતા એટલે વિચાર્યું કે હવે એકટિંગ – ફેકિટંગ નથી કરવી. કશુંક લખીશું. ભણતા હતા ત્યારે કવિતા લખતા હતા એટલે થતું હતું કે જો ગીતો લખવાં મળે તો આપણે કાંઇ કરી દેખાડીશું અને ૧૯૪૭ માં ‘જનતા’ નામની ફિલ્મમાં ‘ગોરી ઘુંઘટકે પટ ખોલ’ આવ્યું જે ઘણાને ગમ્યું. એ ગીતથી બાબુરાવ પૈના ફેમસ સ્ટુડિયોમાં તેમને નોકરી મળી ગઇ. અહીં તેમણે કમર જલાલાબાદી સાથે પટકથા લખવા સાથે ગીતો ય લખ્યા.
આ દરમ્યાન શ્યામ સુંદર માટે ‘બહારેં ફીર ભી આયેગી ગીત લખ્યું અને પછી ‘સંગદીલ’, ‘અનારકલી’, ‘ભાઇભાઇ’, ગેટવે ઓફ ઇન્ડિયા’, ‘અદાલત’ના ગીતો લખ્યા. ‘એ દિલ મુઝે બતા દે’, ‘કદર જાને ના’ (ભાઇ ભાઇ) ગીતો ખૂબ ચાલ્યા. સી. રામચન્દ્ર સાથે જોડી બની. ‘જહાંઆરા’ માં મદન મોહને ‘ફીર વોહી શામ, વોહી ગમ’ કમ્પોઝ કર્યું અને તે વખતના ગીતકારોમાં તેઓ ચર્ચામાં આવતા રહ્યા. સાથે જ ‘સુનો સુનો એ દુનિયાવાલો બાપુ કી અમર કહાની’ ગીત લખ્યું કે જે કોઇ ફિલ્મનું નહોતું તો પણ જબરદસ્ત લોકપ્રિય થયું અને જયારે ‘બાપુ કી અમર કહાની’ નામની ફિલ્મ બની તો તેમાં આ ગીત સમાવી લેવાયું.
રાજેન્દ્ર કૃષ્ણને ઘણા આજે પણ રેસકોર્સમાંથી ૪૮ લાખ જીતેલા તે યાદ કરે છે પણ રાજેન્દ્ર કૃષ્ણ તેમના ગીતોથી વધુ યાદ રહેશે. રાજેન્દ્ર કૃષ્ણને દારૂ પીવો અને ગોલ્ડ ફલેક સિગારેટ પીવી ખૂબ ગમતી. તેઓ એવીએમ માટે ગીતો લખતા ત્યારે સ્ટૂડિયોમાં કોઇને સિગારેટ પીવાની છૂટ નહીં પણ રાજેન્દ્ર કૃષ્ણ વટથી કશ ખેંચતા. તેઓ સિગરેટનું પેકેટ તો સાથે રાખે જ પણ એશ ટ્રે ય સાથે જ હોય. એવીએમ માટે તેમણે ૧૬ ફિલ્મોમાં ગીત ઉપરાંત પટકથા લખ્યા છે. ૨૩-૯-૧૯૮૭ નાં દિવસે અંતિમ શ્વાસ લેનારા રાજેન્દ્ર કૃષ્ણ બહુ મજાના માણસ હતા. તેમના ગીતોનું વૈવિધ્ય જોતાં પણ આ વાત સમજાશે.
રાજેન્દ્ર કૃષ્ણના કેટલાંક ગીતો
મેરે પિયા ગયે રંગૂન – પતંગા – સી.રામચન્દ્ર
દેખ હમેં આવાઝ ન દેના -અમરદીપ -સી. રામચન્દ્ર
ઓ ચાંદ જહાં વો જાયે -શારદા -સી. રામચન્દ્ર
ધીરે સે આજા રી અંખિયનમેં -અલબેલા- સી. રામચન્દ્ર
શામ ઢલે ખિડકી તલે અલબેલા -સી. રામચન્દ્ર
યે જિંદગી ઉસીકી હૈ અનારકલી -સી. રામચન્દ્ર
મેરા દિલ યે પુકારે આજા નાગિન -હેમંતકુમાર
કદર જાને ના મોરા બાલમ ભાઇભાઇ – મદનમોહન
ઇના મીના ડીકા આશા – સી. રામચન્દ્ર
ચલ ઉડ જારે પંછી ભાભી – ચિત્રગુપ્ત
છૂપ ગયા કોઇ રે ચંપાકલી – હેમંતકુમાર
કૌન આયા મેરે મનકેવરે દેખ કબીરા રોયા – મદનમોહન
હમસે આયા ન ગયા દેખ કબીરા રોયા – મદનમોહન
જાના થા હમસે દૂર અદાલત – મદનમોહન
યું હસરતો કે દાગ અદાલત – મદનમોહન
સૈંયા દિલમેં આના રે બહાર – સચિનદેવ બર્મન
આંસુ સમજ કે કયું મુઝે છાયા – સલિલ ચૌધરી
એક વો ભી દિવાલી થી – નઝરાના – રવિ
વો ભૂલી દાસ્તાં – સંજોગ – મદનમોહન
ભુલી હુઇ યાદોં – સંજોગ – મદનમોહન
જરૂરત જરૂરત હૈ મનમોજી – મદનમોહન
વો દિલ કહાં સે લાઉં ભરોસા – રવિ
ચૂપ ચૂપ ખડે હો – બડી બહેન – હુશનલાલ ભગતરામ
તેરી આંખ કે આંસુ પી જાઉં જહાંઆરા – મદનમોહન
તુમ્હી મેરે મંદિર, તુમ્હી મેરી પૂજા – ખાનદાન રવિ
એક ચતુરનાર – પડોશન -રાહુલદેવ બર્મન
જો ઉનકી તમન્ના હે ઇન્તેકામ – લક્ષમીપ્યારે
ઓ મેરે રાજા જોની મેરા નામ -કલ્યાણજી આણંદજી
સુખ કે સબ સાથી ગોપી~ કલ્યાણજી આણંદજી
- બ.ટે.