વ્યારા: સોનગઢ જે. કે. પેપર મિલના ગેટ પર 200થી વધુ મહિલાઓએ એક સાથે હડતાળ પર ઉતરી મિલના વહિવટકર્તાઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં પી.એફ. કાપવો, નોકરીની સુરક્ષા, સેફ્ટીનાં સાધનો આપવા સહિતની અનેક માંગો સાથે મહિલાઓએ અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી આપી છે.
સોનગઢ જે. કે. પેપર મિલ વાયુ-પાણી પ્રદુષણને લઇને થોડા સમય પહેલાં જ વિવાદમાં આવી હતી. અહીંથી પસાર થતાં અને વસવાટ કરતા લોકોને સતત નાક ફાડી નાંખે તેવી તીવ્ર દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય તુષાર ચૌધરીએ પણ આ મિલના પ્રદુષણ બાબતે મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી, છતાં હજુ સુધી મિલના વહિવટકર્તાઓ સામે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. સતત વિવાદોમાં રહેતી જે. કે. પેપર મિલ મહિલાઓનાં ધરણાંને લઇને ફરી એક વાર વિવાદોમાં આવી છે.
મંગળવારનાં રોજ આ મિલમાં કામ કરતી આદિવાસી મહિલાઓ વિવિધ માંગો સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી છે. જેમાં મહિલાઓએ પોતાની સાથે થઈ રહેલા અન્યાય વિશે જણાવ્યું હતું કે એમને કંપની અને કોન્ટ્રાક્ટર મન ફાવે ત્યારે નોકરી પરથી કાઢી મુકે છે. નોકરીની સુરક્ષા આપવામાં આવતી નથી. જીવના જોખમે આ મહિલાઓ કામ કરવા મજબૂર છે. કોઈ પ્રકારનાં સેફટીના સાધનો સુધ્ધાં અપાતાં નથી. ગયા મહીને એક સ્થાનિક મજૂરના બંને હાથ કપાઈ ગયા હતા. હાલ આ મજુર રોજગારી વિના લાચાર છે. આવું ફરી થયું તો જવાબદાર કોણ રહેશે? સરકારી નિયમો મુજબ પી.એફ. પણ કાપવામાં આવતો ન હોવાનો આરોપ મુક્યો છે. રીટાયરમેન્ટ પછી આ મહિલાઓ પોતાનું જીવન કેવી રીતે ગુજારશે? આવા અનેક સવાલો ઉભા થાય છે.