વ્યારા: સોનગઢમાં મહિલા પોલીસ કર્મચારી વિરૂબેન સાંમતભાઇ શીઢા (ઉં.વ.૨૭)(મૂળ રહે.,તાવેડા, પ્લોટ વિસ્તાર તા.મહુવા, જિ.ભાવનગર)એ પોતાના ઘરમાં તા.૯/૧૧/૨૦૨૪ના રોજ સવારે ૬:૩૦ વાગ્યાના અરસામાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. જો કે, આ બનાવ સંદર્ભે પોલીસ ચોપડે નોંધાયેલી બાબત શંકાસ્પદ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ આ મહિલા પોલીસ કર્મચારીનો સગો નાનો ભાઇ કરણ મળસકે પાંચેક વાગ્યાના અરસામાં પોતાના વતન ભાવનગરના મહુવાના તાવેડાથી પોતાની બહેનને મળવા સોનગઢ પોલીસ લાઇનમાં આવ્યો હતો. પણ ઘર બંધ હોવાથી તેણીના ઘર બહાર ઊભા રહી તેણીને ફોન કર્યો હતો તેમજ ડોર બેલ પણ વગાડતો હતો પણ વિરૂબેન રૂમમાં સૂતા હોવાથી જે-તે સમયે જાગ્યાં ન હતાં.
ઊંઘ ખૂલતા તેણીએ દરવાજો ખોલ્યો ત્યારે તેના નાના ભાઈ કરણે કહ્યું કે, ‘મેં તને કેટલા ફોન કર્યા? તું કેમ ફોન ઉપાડતી ન હતી’ તેવું કહેતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આથી મનમાં મહિલાને ખોટું લાગી આવ્યું હતું. બાથરૂમમાં જઈ તેણે ફિનાઇલ પી લેતાં સોનગઢની હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવી છે. હાલ તે સંપૂર્ણ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આવી સામાન્ય બાબતમાં મહિલા પોલીસ કર્મચારી આપઘાત કરવાનો પ્રયાસ કરે એ વાત પણ અહીં ગળે ઊતરે તેમ નથી. આપઘાતની આ સમગ્ર ઘટનામાં કાંઇક છુપાવવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જો કે, સમગ્ર ઘટનામાં સત્ય હકીકત બહાર લાવવા ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે એ જરૂરી છે.